News of Friday, 15th May 2026
પ્રસિધ્ધિ લેવામાં પણ કરકસર કરજો...
વડાપ્રધાનની અપીલથી ખર્ચ ઘટાડવાના પગલા આવકાર્ય, પણ નાના પગલા ને મોટા દેકારા શોભે નહિઃ વિપક્ષી સરકારો ફસાઇ...
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે કરકસરની અપીલ કરી છે. ઇંધણનો વપરાશ ઘટાડવો અને સોનાની ખરીદી પર નિયંત્રણ લાવવું એ આજના સમયની માંગ છે. વિદેશી હૂંડિયામણ બચાવવા માટે આ એક મોટું અભિયાન છે. આ પહેલ રાષ્ટ્રહિતમાં છે અને તે આવકાર્ય પણ છે. પરંતુ, આ અભિયાનની આડમાં જે રીતે પ્રચારનો અતિરેક થઈ રહ્યો છે, તે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
ગુજરાતમાં અમુક નેતાઓએ પોતાના કાફલા અડધા કરવાની જાહેરાત કરી છે. ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં ‘વર્ક ફ્રોમ હોમ' જેવી મોટી જાહેરાતો કરવામાં આવી છે. આ પગલાં લેવા પાછળનો હેતુ ખર્ચ ઘટાડવાનો છે. જોકે, ગુજરાતમાં જે સામાન્ય પગલાં લેવામાં આવ્યા છે, તેની પ્રસિદ્ધિ છેલ્લા ત્રણ દિવસથી સતત ચાલી રહી છે. નાના સુધારા કરીને તેનો મોટો દેકારો કરવો એ વહીવટી ગંભીરતાને બદલે રાજકીય ચમકવાની વળત્તિ વધુ દર્શાવે છે.
વાસ્તવમાં સરકારમાં બેઠેલા લોકો જનતાના પૈસે મોજ કરતા હોય તેવી સ્થિતિ સર્જાયેલી છે. ગુજરાત સરકાર જો ધારે તો વ્યાપક સ્તરે ‘વર્ક ફ્રોમ હોમ' લાગુ કરી શકે તેમ છે. માત્ર પ્રતીકાત્મક ફેરફારો કરવાથી તિજોરી પર મોટો ભાર ઓછો થશે નહીં. અત્યારે જરૂરિયાત માત્ર દેખાડો કરવાની નથી, પરંતુ નિર્ણાયક અને કઠોર પગલાં લેવાની છે.
આ આખી સ્થિતિમાં વિપક્ષી સરકારો મુશ્કેલીમાં મુકાઈ છે. ભાજપ શાસિત રાજ્યો ધડાધડ નિર્ણયો લઈને એક ચિત્ર ઊભું કરી રહ્યા છે. કોંગ્રેસ કે અન્ય વિપક્ષી સરકારો જો આવા પગલાં ન લે, તો તેમને કરકસર વિરોધી ચિતરવામાં આવે છે. જો તેઓ આ જ રસ્તે ચાલે, તો એવું કહેવામાં આવે છે કે તેઓ મોદીજીના રસ્તે ચાલી રહ્યા છે. વિપક્ષ માટે આ ‘સૂડી વચ્ચે સોપારી' જેવી ઘાટ છે.
જ્યારે વિપક્ષ પાસે નક્કર રણનીતિનો અભાવ હોય, ત્યારે જ આવી મૂંઝવણ પેદા થાય છે. વિપક્ષે માત્ર પ્રતિક્રિયા આપવાને બદલે પોતાની એક અલગ ઓળખ સ્થાપવી પડશે. કરકસરના નામે થતા નાટકોને ખુલ્લા પાડવાની સાથે જનતા સમક્ષ પોતાનું વિઝન મૂકવું અનિવાર્ય છે. શાસક પક્ષે પણ સમજવું જોઈએ કે પ્રસિધ્ધિ મેળવવામાં કરકસર રાખવી એ પણ દેશસેવા જ છે. નક્કર પરિણામો માટે માત્ર અપીલ નહીં, પણ આચરણમાં શુધ્ધતા જરૂરી છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
