News of Thursday, 21st May 2026
ભારત અને ભાજપઃ તફાવત તો જાણો
મોદીજી ભાજપ નેતા તરીકે નહિ, વડાપ્રધાન તરીકે વિદેશ પ્રવાસે છેઃ રાહુલ ગાંધીના અંધાધુંધ નિવેદનો કોંગ્રેસને જ નુકસાનકારક...
વેકેશનમાં બાળકો મામાના ઘેર જઇને જલ્સા કરે તેવી પરંપરા છે. વડાપ્રધાન મોદીજી ગજબ છે, તેઓ ૫૦ વર્ષના રાજકીય બાળક રાહુલના મામાના ઘેર ઇટાલી પહોચ્યા હતા. રાહુલથી સહન ન થયું અને મોદીજીને ભાન ભૂલીને ઝાટકવા લાગ્યા. આ વિષય મજાકનો નહિ, પણ ખૂબ ગંભીર છે.
વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે યુદ્ધની અત્યંત ગંભીર પરિસ્થિતિ સર્જાયેલી છે. આ ભયાનક તનાવના માહોલના કારણે આખું વિશ્વ ભારે પરેશાન છે. તેની સીધી અને નકારાત્મક અસર આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર તેમજ વ્યાપાર પર પડી રહી છે. અત્યારે ભારત દેશ પણ એક મોટી કસોટીમાંથી પસાર થઈ રહ્યો છે. બદલાતા વૈશ્વિક સમીકરણો વચ્ચે દેશના હિતોનું રક્ષણ કરવું ખૂબ અનિવાર્ય બન્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આ બદલાતા વૈશ્વિક સમીકરણો અંતર્ગત જ મહત્વપૂર્ણ વિદેશ યાત્રાએ છે. દેશ માટે આ ખરેખર મોટી કસોટીનો સમય છે. પીએમ મોદીજીની ખાસ અપીલથી દેશમાં અત્યારે કરકસરના અનેક પગલાં પણ લેવાઈ રહ્યા છે. દેશનો સામાન્ય નાગરિક પણ આ કપરી પરિસ્થિતિને સમજીને પુરતી ગંભીરતા દાખવી રહ્યો છે.
દેશના આવા નાજુક માહોલમાં વિપક્ષના મુખ્ય નેતા રાહુલ ગાંધી તદ્દન અલગ નકારાત્મક વલણ અપનાવી રહ્યા છે. તેઓ કોઈ પ્રકારની ગંભીરતા કે સમજદારી વગરનું રાજકીય વર્તન કરી રહ્યા હોય તેમ સ્પષ્ટ જણાય છે. વૈશ્વિક મંચ પર દેશની છબી મજબૂત થઈ રહી છે ત્યારે રાહુલ ગાંધી મોદીજીની મજાક ઉડાવવામાં મગ્ન છે. તેઓ પીએમ મોદીજીની મજાક ઉડાવવાથી માંડીને તેમને ગદાર કહેવા સુધીના અતિ ગંભીર અને બિનજવાબદાર નિવેદનો આપી રહ્યા છે.
લોકશાહી શાસન વ્યવસ્થામાં વિપક્ષ શાસક પક્ષની નીતિઓનો જોરદાર વિરોધ કરે તેમાં કોઈ નવાઇ ન હોય. વિરોધ કરવો એ વિપક્ષનો બંધારણીય અધિકાર છે. અહીં રાહુલ ગાંધીને કદાચ ભાજપ અને ભારતના મૂળભૂત તફાવતનો પણ ખ્યાલ નથી. તેમનું વર્તન અને તેમની ભાષા આ બાબત દેશ સમક્ષ સ્પષ્ટપણે સાબિત કરે છે.
મોદીજી વિદેશમાં કોઈ એક રાજકીય પક્ષના પ્રચાર માટે ગયા નથી. તેઓ ભારતના વડાપ્રધાન તરીકે, દેશના સત્તાવાર પ્રતિનિધિ બનીને વિદેશ પ્રવાસે છે. જ્યારે રાહુલ ગાંધી તેમને માત્ર ભાજપના નેતા તરીકે ઝાટકે છે.
આ પ્રકારનું સંકુચિત વલણ દેશના સર્વોચ્ચ પદની ગરિમાને મોટી ઠેસ પહોંચાડે છે. જો કે, ભારતીય રાજનીતિ અને દેશની સમજદાર જનતામાં હવે મીડિયા સિવાય રાહુલ ગાંધીના આવા નિવેદનોને કોઈ ખાસ મહત્વ આપતું નથી. લોકસભામાં વિપક્ષના નેતા તરીકે તેમની ગરિમા જળવાવી જોઈએ.
રાહુલ ગાંધીના આવા અંધાધુંધ અને બિનજવાબદાર નિવેદનોના કારણે ખુદ કોંગ્રેસ અને સમસ્ત વિપક્ષની દશા દિનપ્રતિદિન બગડે છે. તેનાથી વિપક્ષી એકતા અને તેમની રાજકીય વિશ્વસનીયતા પર મોટા સવાલો ઊભા થાય છે. જનતા આવા ગંભીર વૈશ્વિક સંકટના સમયમાં હલકી રાજનીતિ કયારેય પસંદ કરતી નથી. તેથી જ,
કોંગ્રેસે પોતાની રાષ્ટ્રીય નેતાગીરી અને નિવેદનોની શૈલી અંગે ખૂબ જ ગંભીર થવું પડે તેમ છે. જો કોંગ્રેસ પક્ષ આ બાબતે નહિ વિચારે, તો મોટું રાજકીય નુકસાન આખરે પક્ષને જ ભોગવવું પડશે તે નક્કી છે. વિપક્ષે દેશહિતમાં યોગ્ય પરિપક્વતા બતાવવી જ પડશે. દેશની પ્રતિષ્ઠા પક્ષીય રાજકારણથી ઉપર હોય છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
