<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

વંદા પાર્ટી.. કોમેડી સરકસ

કોકરોચ જનતા પાર્ટી સોશિયલ મીડિયામાં લોન્‍ચઃ રાતોરાત લાખો ફોલોઅર્સઃ વિચારવાયુના ગતકડાંથી વિશેષ કંઇ નથીઃ નવા કેજરીવાલ સર્જવા પ્રયાસ, પણ...

 

  સોશિયલ મીડિયા એક એવી અકળ અને અજીબ દુનિયા છે, જ્‍યાં કયારે, કઈ બાબત રાતોરાત વાયરલ થઈ જાય તે ખબર ન પડે. અત્‍યારના ડિજિટલ યુગમાં લોકપ્રિયતા મેળવવા માટે કોઈ ચોક્કસ લાયકાત કે સખત પરિશ્રમની જરૂર નથી હોતી, બલ્‍કે માત્ર એક ચોંકાવનારૂ  ગતકડું જ પૂરતું થઈ પડે છે. તાજેતરમાં જ દેશના   એક નવો વિવાદ સામે આવ્‍યો હતો, જેમાં બેરોજગારોની સરખામણી વંદા સાથે કરવામાં આવી હોવાનું કથિત નિવેદન વહેતું થયું હતું. આ સંવેદનશીલ અને અપમાનજનક નિવેદનના આક્રોશ સ્‍વરૂપે અભિષેક નામના એક સામાન્‍ય માણસે ડિજિટલ પ્‍લેટફોર્મ પર ‘કોકરોચ જનતા પાર્ટી' નામનો એક તદ્દન કાલ્‍પનિક પક્ષ લોન્‍ચ કરી દીધો હતો.

આヘર્યની પરાકાષ્ઠા તો એ વાતની છે કે, આ પક્ષ લોન્‍ચ થયાના માત્ર પાંચ જ દિવસના ટૂંકા ગાળામાં સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્‍યા લાખો થઇ ગઈ છે. આ વર્ચ્‍યુઅલ પ્રયોગની ચર્ચા અત્‍યારે ચાહકો અને વિશ્‍લેષકો વચ્‍ચે ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે.

ઇન્‍ટરનેટના  આભાસી વાતાવરણમાં રાચતા ઘણા ઉત્‍સાહી લોકોએ તો આ અજીબોગરીબ ડિજિટલ પક્ષને દેશના સ્‍થાપિત રાજકારણની સામે એક મજબૂત અને સચોટ વિકલ્‍પ તરીકે પણ ગણાવી દીધો છે. કેટલાક રાજકીય પંડિતો આ આખી ઘટનામાં એક ‘નવા કેજરીવાલ' સર્જવાનો સભાન પ્રયાસ પણ જોઈ રહ્યા છે, કારણ કે વર્ષો પહેલાં આમ આદમી પાર્ટીનો ઉદય પણ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની ઉત્‍કટ ક્ષણોમાંથી જ થયો હતો.

વાસ્‍તવિક જમીની હકીકત સોશિયલ મીડિયાના આ ગ્‍લેમરસ અને ભ્રામક વાતાવરણ કરતાં તદ્દન જુદી અને કઠોર હોય છે. જો તટસ્‍થતાથી મૂલ્‍યાંકન કરવામાં આવે તો, આ આખો મામલો માત્ર વિચારવાયુંના ગતકડાંથી વિશેષ કંઈ જ નથી.

પ્રથમ નજરે લાખો ફોલોઅર્સનો આંક  કોઈપણ વ્‍યક્‍તિને પ્રભાવિત કરી શકે તેવો ચોક્કસ લાગે છે. પરંતુ સવા અબજથી વધુની વિશાળ જનસંખ્‍યા ધરાવતા આપણા આ દેશમાં આ સંખ્‍યા એક નાના ખાબોચિયા સમાન પણ ગણી શકાય તેમ નથી. સોશિયલ મીડિયા પર માત્ર એક નાનું બટન દબાવીને કોઈ પેજને ફોલો કરવું કે લાઈક કરવું એ અત્‍યંત સરળ પ્રક્રિયા છે, જેમાં કોઈ કટિબદ્ધતા હોતી નથી.

વર્ચ્‍યુઅલ દુનિયાની લાઈક્‍સ કયારેય વાસ્‍તવિક મતદાન મથક સુધી પહોંચીને મતોમાં પરિવર્તિત થતી નથી. ઇન્‍ટરનેટ પર સક્રિય રહેતા અને નવરા પડેલા લોકો માટે આ પ્રવળત્તિ માત્ર એક મનોરંજક અને હળવા સમય પસાર કરવાનું સાધન એટલે કે ટાઇમ પાસ ગતકડું જ છે.

જો આ સમગ્ર ઘટનાને વ્‍યાપક અને સમગ્રલક્ષી દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો, આ નવો પ્રયોગ કોઈ ગંભીર કે વૈચારિક રાજકીય ચળવળ બિલકુલ નથી. તે માત્ર લોકતાંત્રિક વ્‍યવસ્‍થાની મજાક ઉડાવતા એક કોમેડી સરકસ જેવો જ દ્રશ્‍યમાન થાય છે. લોકશાહીના વાસ્‍તવિક મેદાનમાં રાજકીય પક્ષ ચલાવવા માટે એક દ્રઢ વિચારધારા, મજબૂત સંગઠન માળખું અને રાત-દિવસ દોડતા જમીની કાર્યકરોની ફોજ જરૂરી બને છે. સ્‍ક્રીન પર આક્રોશ વ્‍યક્‍ત કરવો અને સિસ્‍ટમ બદલવી એ બંને બાબતો વચ્‍ચે આકાશ-પાતાળનો મોટો તફાવત રહેલો છે.

ટૂંકમાં કહીએ તો, ડિજિટલ મીડિયાનો આ નવો ટ્રેન્‍ડ માત્ર ક્ષણિક આકર્ષણ પૂરતો જ સીમિત હોઈ શકે છે. સામાન્‍ય જનતા પોતાનો ત્‍વરિત રોષ પ્રગટ કરવા માટે આવા પેજ પર એકત્રિત થાય છે, પરંતુ તેને દેશની વાસ્‍તવિક રાજકીય શક્‍તિ કે પરિવર્તન માની લેવું એ બહુ મોટી વૈચારિક ભૂલ સાબિત થશે. આ વંદા પાર્ટી સોશિયલ મીડિયાના ત્‍વરિત મનોરંજનથી વિશેષ કંઈ જ સાબિત થઈ શકે તેમ નથી, કારણ કે અસલી રાજકારણ મોબાઈલની સ્‍ક્રીન પર નહીં પણ જમીન પરના લોકસંપર્કથી જ રમાય છે.

(10:53 AM IST)