News of Tuesday, 26th May 2026
NCRB અહેવાલઃ ગંદકી પર અત્તર
અન્ય કરતા ગુજરાતમાં ગુન્હાખોરી ઓછીઃ દારૂ સહિતના નશા અને હત્યાકાંડોનો હાહાકારઃ ઉલ્ટા ચશ્મા પહેરાવવાનો પ્રયાસ ગુજરાતીઓ મામા બનવાના વ્યસની થઇ ગયા!
એનસીઆરબીના સરકારી અહેવાલમાં દાવો કરાયો છે કે ગુજરાતમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુનાખોરી ઓછી છે. દારૂબંધીના કડક અમલથી માત્ર ટેકનિકલ કેસો વધ્યા છે, જેથી કુલ ક્રાઈમ રેટ ઊંચો દેખાય છે. બાકી, વાસ્તવિક અને હિંસાત્મક ગુનાખોરીના ઇન્ડેકસમાં ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્યોમાં મોખરે છે.
સત્તાધીશો આ સરકારી આંકડાઓ રજૂ કરીને પોતાની પીઠ થાબડી રહ્યા છે. પરંતુ જમીની હકીકત તપાસવામાં આવે તો આ દાવો પ્રજાને ઉલ્ટા ચશ્મા પહેરાવવાનો અને ભોળા ગુજરાતીઓને માત્ર 'મામા' બનાવવાનો એક સુનિયોજિત પ્રયાસ છે.
વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં અત્યારે ક્રૂર ગુનાઓ હદ ઉપરાંત વધી ગયા છે. રાજ્યના ખૂણે-ખૂણે દારૂ, ડ્રગ્સ સહિતના નશા અને લોહીયાળ હત્યાકાંડોનો ભયાનક હાહાકાર મચેલો છે. પરપ્રાંતીય અને વિધર્મી ગુનાખોરી બેફામ બની છે , નાગરિકોની સુરક્ષા ભગવાન ભરોસે છે. ગાંધીના આ ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા રોજ ખુલ્લેઆમ ઉડી રહ્યા છે. ચોરી, ધાડ અને લૂંટફાટની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે.
બીજી તરફ, આધુનિક યુગમાં ડિજિટલ ગુનાઓથી દરરોજ પ્રાદેશિક મીડિયા છલકાઇ રહ્યું છે. લુખ્ખા તત્વો રસ્તાઓ પર છાકટા બન્યા છે.
સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે કાયદો જાળવતી પોલીસ પણ અસામાજિક તત્વોના હાથે માર ખાતી જોવા મળે છે. આવી ભયાનક પરિસ્થિતિ વચ્ચે પણ સત્તામાં બેઠેલી નબળી નેતાગીરી ગુનાખોરીની આ વાસ્તવિક ગંદકીને દૂર કરી શકતી નથી. શાસકો પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ગુનાખોરીની આ ભયંકર ગંદકી પર સરકારી રિપોર્ટ રૂપી અત્તર છાંટીને નકલી સુગંધ પ્રસરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ લપસણી અને કથળેલી કાયદો-વ્યવસ્થા સ્થિતિ જોઈને શાસકોની ઊંઘ હરામ થવી જોઈતી હતી. તેના બદલે નબળા નેતાઓ બેશરમીપૂર્વક ગૌરવ લઈ રહ્યા છે કે અન્ય રાજ્યોની તુલનામાં અહીં ગુના ઓછા છે. આવા લૂલા બહાના અને આંકડાઓની માયાજાળ સતત ચાલે છે. વિપક્ષમાં દમ ન હોવાના કારણે સરકારી ગતકડાં ગૌરવરૂપ બની જાય છે. સત્તાના નશામાં ચૂર નેતાઓને સતત સહન કરવાનું ગુજરાતના લોકોને વ્યસન થઇ ગયું છે. કમાલ એ છે કે ગુજરાતીઓ કમોતે મરી જાય છે, પણ નેતાઓના નાટક સામે અવાજ ઉઠાવતા નથી.
એનસીઆરબીના અહેવાલ પ્રમાણે ગુજરાત સૌથી સલામત રાજ્ય હોય તો ગુજરાત સરકારે આ અહેવાલનો સ્વીકાર કરીને ઘોષણાં કરવી જોઇએ કે આજથી કોઇ નેતાને કોઇ પ્રકારની સુરક્ષાની જરૂર નથી.દરેક પ્રકારની સુરક્ષા દૂર કરીને નેતાઓએ બિન્દાસ રખડવું જોઇએ.ગુજરાત સુરક્ષિત હોય તો સિક્યુરિટીના ટોળાની શી જરૂર છે? હકીકત એ છે કે નેતાઓ સુરક્ષિત છે, આમજન તો ભગવાનના ભરોસે ધબકે છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
