એ ગોૈરવ નહિ, શરમ ગણાય
ગુજરાતમાંથી સેંકડો બાંગ્લાદેશીઓ ઝડપાયાનું ગોૈરવ લેનારા એ તો કહો કે ટોળા ઘુસ્યા ત્યારે તમે કયાં હતા?: ટોળાને કોના આશીર્વાદ હતા તેની તપાસ તો કરોઃ આવા ટોળા રેઢિયાળ રાજયનો પુરાવો છે
ગુજરાતમાં બાંગ્લાદેશી ઘુસણખોરો સામે મોટું ઓપરેશન શરૂ થયું છે. આ સુરક્ષા અભિયાનના પ્રથમ દિવસે જ ૪૦૦ જેટલાં ઘુસણખોરો પકડાયા છે. આ આંકડો અત્યંત ચોંકાવનારો અને ચિંતાજનક છે. આટલી મોટી સંખ્યામાં વિદેશી તત્વો પકડાતા જ સત્તાના નશામાં ચૂર નેતાઓ મીડિયા સામે પ્રગટ થઈ ગયા છે. તેઓ આ કામગીરીની વાહવાહી લૂંટવા લાગ્યા છે. આપણું મીડિયા પણ સરકારના આ ગુણગાન ગાવામાં જોડાઈ ગયું છે. વાસ્તવમાં આ સ્થિતિ કોઈ કાળે ગૌરવ લેવા જેવી નથી. આ ઘટના સમગ્ર રાજ્ય માટે ભારે શરમની બાબત ગણાય.
ઘુસણખોરોના આટલા મોટા ટોળા ગુજરાતની સરહદો ઓળંગીને અંદર ઘુસી ગયા. આ સ્થિતિ બતાવે છે કે આપણી સુરક્ષા વ્યવસ્થામાં મોટા ગાબડાં છે. આનો સીધો અર્થ એ થાય કે રાજ્ય સાવ રેઢિયાળ લોકોના હાથમાં સોંપાયેલું છે. આટલી મોટી સંખ્યામાં પરપ્રાંતીય શંકાસ્પદ લોકો અહીં વસી ગયા ત્યાં સુધી આપણી ગુપ્તચર સંસ્થાઓ ઊંઘતી ઝડપાઇ છે. આ નિષ્ફળતા બદલ સરકારને ખરેખર શરમ આવવી જોઈએ. લોકશાહીના ચોથા સ્તંભ ગણાતા મીડિયા જગતે પણ આ અંગે તીખા અને આકરા સવાલો સર્જવા જોઈએ. જો કે આજના સમયમાં એવું કંઈ જ થતું નથી. નબળી નેતાગીરીની આવી મોટી સુરક્ષા વિષયક નિષ્ફળતા પર પણ માત્ર વાહવાહ જ ચલાવવામાં આવે છે.
સરકારે આ સસ્તી પ્રસિદ્ધિ અને ગૌરવ લેવાનું તાત્કાલિક બંધ કરવું જોઈએ. તેના બદલે બાંગ્લાદેશીઓને સરહદ પાર કરાવી ગુજરાતમાં ઘુસાડનારા મુખ્ય સૂત્રધારો અંગે તપાસના આદેશો આપવા જોઇએ. આ ઘુસણખોરોને સ્થાનિક સ્તરે આશરો આપનારા, નકલી દસ્તાવેજો બનાવી આપનારા અને પોતાના સ્વાર્થ માટે કામ આપનારા તત્વોની પણ આકરી તપાસ થવી જરૂરી છે. આ આખા નેટવર્ક પાછળ દેશવિરોધી શક્તિઓનું મોટું ષડયંત્ર છુપાયેલું છે. આ ષડયંત્રોને મૂળમાંથી ભેદવા જ પડશે.
અતિ ગંભીર બાબતોમાં પણ માત્ર ઉપરછલ્લી કામગીરી કરીને ભીનૂં સંકેલી લેવાની આપણી જૂની પરંપરા રહી છે. આ નબળી નીતિ અને બેદરકારીના કારણે જ આજે ગુજરાત મોટી બરબાદી તરફ ઝડપથી દોડવા લાગ્યું છે. આજે શાસક પક્ષ હોય, વિપક્ષ હોય કે મીડિયા હોય, કોઈને પણ રાજ્યની જનતાની સુરક્ષામાં રસ રહ્યો નથી. દરેક પક્ષ માત્ર રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત છે. હવે જો ગુજરાતના સામાન્ય નાગરિકો ખુદ જાગળત થઈને અવાજ નહિ ઉઠાવે તો આ આંતરિક બરબાદીને કોઈ કાળે રોકી નહિ શકાય. આ દેશની સુરક્ષાનો સવાલ છે, નેતાઓએ રાજકારણ છોડીને કડક પગલાં લેવા જ જોઈએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
