નજરે દેખાતા ગુન્હા તો ડામો...
ડીજીપી મલિકજીએ લોકોના પ્રશ્નો સાંભળવા અને તેનો નિકાલ કરવા આદેશ આપ્યોઃ કામ કરવું જ હોય તો ફરિયાદના ગતકડાં વગર ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂથી માંડીને વિવિધ ગુન્હા દૂર કરવા કડક આદેશ આપો...
ગુજરાતમાં તાજેતરમાં જ નવા ડીજીપી તરીકે મલિકજીની નિમણૂક થઈ છે. તેમણે પદ સંભાળતાની સાથે જ એક આદેશ જાહેર કર્યો છે. આ આદેશ મુજબ, પોલીસ અધિકારીઓએ રોજ બે કલાક લોકોના પ્રશ્નો સાંભળવા પડશે. તે ફરિયાદોનો નિકાલ ૧૫ દિવસમાં કરવાનો રહેશે.
પ્રથમ દ્રષ્ટિએ આ નિર્ણય ખૂબ જ આવકારદાયક અને આક્રમક લાગે છે. પરંતુ, જો આ વ્યવસ્થાનો ઊંડો અભ્યાસ કરવામાં આવે તો ચિત્ર કંઈક જુદું જ દેખાય છે. સામાન્ય જનતા માટે આ પ્રક્રિયા ખૂબ જ વિચિત્ર અને આヘર્યજનક લાગી રહી છે.
સૌથી મોટો સવાલ એ છે કે જો પોલીસ તંત્ર ખરેખર કામ કરવા ઈચ્છતું હોય, તો તેણે લોકોની ફરિયાદ કરે તેની રાહ જોવાની શું જરૂર છે? ગુજરાતભરમાં નજર સામે ખુલ્લેઆમ અસંખ્ય ગુન્હાઓ ચાલી રહ્યા છે. તેને ડામવા માટે કોઈ ખાસ આદેશ કેમ નથી અપાતો ? દેશી દારૂનું નેટવર્ક આખા રાજ્યમાં બેફામ ધમધમી રહ્યું છે. આ દૂષણ પાછળ કોના આશીર્વાદ છે, તે જગજાહેર છે. દારૂના કારણે હજારો પરિવારો બરબાદ થઈ રહ્યા છે. લોકો આ પરિસ્થિતિથી ત્રાહીમામ પોકારી ગયા છે.
આ સિવાય પરપ્રાંતીય ગુન્હાખોરી પણ સતત વધી રહી છે. આખા ગુજરાતમાં ટ્રાફિકની વ્યવસ્થાના કોઈ ઠેકાણા નથી. પોલીસ અને ટ્રાફિક-બ્રિગેડ છડેચોક શું કરી રહી છે તે જો નજરે જોશો તો મલિક સાહેબ તમે ચોંકી ઉઠશો. આ તમામ બાબતો કોઈ સિક્રેટ કે ગુપ્ત નથી. ગુન્હેગારો સાથેના સેટિંગ પણ હવે છૂપા રહ્યા નથી. આવા ગંભીર મુદ્દાઓ પર લોકો આવીને ફરિયાદ કરે તેની રાહ શા માટે જોવાય છે? આ દૂષણોને રાતોરાત કેમ નાબૂદ કરવામાં આવતા નથી?
તાજેતરમાં જ અમદાવાદનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં નામચીન માથાભારે શખ્શ પોલીસ વાહનમાં બેઠો બેઠો બેફામ ગાળો બોલે છે.. આવું કેમ ચલાવી લેવાય છે? આ બધું શું સૂચવે છે...?
સામાન્ય માણસ જે ગુન્હેગારોથી ડરે છે, તેની સામે ફરિયાદ કરવાની હિંમત કેવી રીતે કરે? શું પોલીસ ફરિયાદીની સુરક્ષાની સંપૂર્ણ ગેરંટી આપી શકશે?
સમય આવી ગયો છે કે કોઈ પણ પ્રકારના ગતકડાં કર્યા વગર સમગ્ર ગુજરાતમાં તમામ ગેરકાયદે સેટિંગ તોડી પાડવામાં આવે. પોલીસે ગુન્હેગારો પર ત્રાટકીને પોતાની કડક ધાક જમાવવી પડશે.
જો પોલીસ તંત્ર આવું ન કરી શકે, તો સત્તાધારી ભાજપના ધારાસભ્યો, સાંસદો અને કોર્પોરેટર્સે પણ જનતાના પક્ષે ઊભા રહીને પોલીસ સામે પડવું જોઈએ. જો જનપ્રતિનિધિઓ પણ મૌન રહેશે તો પ્રજાનો વિશ્વાસ તૂટી જશે. કડકાઈના ખોટા નામે લોકોને હવે મામા બનાવવાનું સદંતર બંધ થવું જોઈએ. મલિક સાહેબ જનતાને માત્ર વાતો નહીં, પણ જમીન પર નક્કર પરિણામો જોઈએ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
