<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

ભડકાઃ યુપીથી ગુજરાત..

લખનોૈ કોચિંગ સેન્‍ટરમાં અગ્નિકાંડઃ યોગીજી આક્રમક મૂડમાં: રાજકોટના ભયાવહ અગ્નિકાંડમાં ફિંડલા વળી રહ્યા છેઃ મોતની ગીધડા બ્રાન્‍ડ રાજનીતિ...!

લખનૌના કોચિંગ ક્‍લાસીસમાં ફાટી નીકળેલી ભયાનક આગે આખા દેશની આંખો ભીની કરી દીધી છે. આ કાળમુખા અગ્નિકાંડમાં નિર્દોષ બાળકો સહિત ૧૫ લોકો જીવતા ભડથું થઈ ગયા છે. આ ભયાનક ઘટનાના પગલે ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ આક્રમક મૂડમાં આવી ગયા છે. તેમણે તંત્રને સ્‍પષ્ટ આદેશ આપ્‍યા છે કે આ કાંડના જવાબદારોને વીણી-વીણીને જેલ ભેગા કરવામાં આવે. કસૂરવારો સામેનો યોગીજીનો આ કડક મિજાજ ગુનેગારોમાં ફફડાટ પેદા કરી રહ્યો છે.

આ કરૂણાંતિકાએ ગુજરાતના કાળજું કંપાવતા જૂના માનવસર્જિત કાંડો પાછા યાદ અપાવી દીધા છે. મોરબીનો ઝૂલતો પુલ તૂટયો તે દુર્ઘટના,  વડોદરાનો નાવકાંડ હોય, સુરતનો અગ્નિકાંડ હોય કે પછી રાજકોટનો ગેમઝોન અગ્નિકાંડ હોય...આ તમામ કાંડ જ્‍યારે બન્‍યા ત્‍યારે શાસકોએ મોટી-મોટી વાતો કરી હતી. કડક તપાસ અને કડક સજાની ગુલબાંગો પોકારવામાં આવી હતી. પરંતુ વાસ્‍તવિકતા તપાસીએ તો મોટાભાગે કંઈ જ ઉકળ્‍યું નથી.

રાજકોટના ભયાવહ અગ્નિકાંડમાં પણ હવે ધીમે-ધીમે મોટાભાગના ચમરબંધીઓ કાયદાની ચુંગાલમાંથી છટકીને ખુલ્લેઆમ મોજ કરી રહ્યા છે. જેમના આશીર્વાદ અને સહીઓથી આ ગેરકાયદે ગેમઝોન મોતનો કૂવો બનીને ધમધમતો હતો, તેવા તોતિંગ અધિકારીઓ સુધી તપાસના હાથ પહોંચ્‍યા જ નથી. રાજનીતિના મોટા માથાઓને તો પકડવામાં જ નથી આવ્‍યા. સમગ્ર મામલાનું ફિંડલું વળી રહ્યું હોય તેવું સ્‍પષ્ટ દેખાઈ આવે છે. ખુરશી પર ગોઠવાઈ ગયેલા જવાબદારો પ્રજાના રક્ષક બનવાને બદલે માત્ર ગોઠવણ અને સેટિંગબાજીમાં માસ્‍ટર હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

ગુજરાતની આ ગજબનાક રાજનીતિને મૂંગા મોઢે સહન કરનારા ગુજરાતીઓ ખરેખર એવોર્ડને લાયક છે. સામાન્‍ય પ્રજા સિસ્‍ટમ્‍સના પાપે વારંવાર કમોતે મરે છે, છતાં સત્તામાં બેઠેલાઓનો કોઈ સંગઠિત વિરોધ કરી શકતું નથી. લોકો લાચાર બનીને બધું સહન કરી લે  છે. જ્‍યાં સુધી જનતા જાગીને આ સડેલી વ્‍યવસ્‍થા સામે લડશે નહીં, ત્‍યાં સુધી આવા માનવસર્જિત અગ્નિકાંડો કયારેય અટકવાના નથી. નિર્દોષ લોકો મરતા રહેશે અને ભ્રષ્ટાચારીઓ મોજ કરતા રહેશે.

(11:24 AM IST)