News of Wednesday, 24th June 2026
કોઇ છટકે, કોઇ લટકે!
ગુજરાતમાં ગજબ ખેલઃ રાજનીતિની ખુમારી ગાયબઃ સાથે આવો, મોજ કરો, સામે પડો તો પથારી ફરેઃ
રાજનીતિમાં નેતાઓની પોતાની એક ખુમારી હોવી જોઈએ, જે નૈતિક બળ અને વાસ્તવિક લોકપ્રિયતામાંથી પેદા થાય છે. ગુજરાતના વર્તમાન રાજકારણમાં આ ખુમારી સાવ ગાયબ થઈ ગઈ છે, કારણ કે અત્યારે નબળા નેતાઓને સત્તા ગિફ્ટમાં મળી છે. આવા શાસકો પોતાના પદ પર ટકી રહેવા માટે વિપક્ષનો મજબૂત વિરોધ કયારેય સહન કરી શકતા નથી.
વિપક્ષમાં જે કોઈ નેતા શક્તિશાળી કે લોકપ્રિય દેખાય, તેને ગમે તેમ કરીને, સેટિંગ કરીને પોતાના પક્ષમાં ખેંચી લાવવાની નીતિ ચાલે છે. જો કોઈ નેતા આ સેટિંગમાં ન આવે અને સામે પડવાની હિંમત કરે, તો તેની સામે કડક સરકારી કાર્યવાહી કરીને તેને રાજકીય રીતે સાવ ખતમ કરી નાખવાનો ગજબ ખેલ અત્યારે આખા ગુજરાતમાં ખુલ્લેઆમ ચાલી રહ્યો છે.
ગઈકાલે એક જ દિવસમાં બનેલી બે મોટી ઘટનાઓએ આ ગંદી રાજનીતિની વાસ્તવિકતા જનતા સામે ખુલ્લી પાડી દીધી છે. આદિવાસી સમાજનો અવાજ ઉઠાવતા વિપક્ષના તેજીલા ધારાસભ્ય ચૈતર વસાવાને જંગલ ખાતાના અધિકારીને માર મારવાના કેસમાં સીધી સાત વર્ષની જેલ સજા ફટકારવામાં આવી છે. આ કડક સજાને કારણે હાલ તો તેમની આખી રાજનીતિ ખતમ થઇ ગયાનું લાગે છે.
બીજા કેસમાં પાટીદાર અનામતના નામે આખા ગુજરાતમાં ભારે અરાજક્તા ફેલાવનાર હાર્દિક પટેલ અને તેની આખી ટીમને ગઈ કાલે નિર્દોષ જાહેર કરવામાં આવી છે.
એક સમયે હાર્દિક પર પણ સરકારે દેશદ્રોહ જેવી અત્યંત આકરી કલમો લગાવી હતી. પરંતુ હાર્દિક સમય જોઈને શાસકોના શરણે આવી ગયો, ભાજપની ટિકિટ પર ધારાસભ્ય પણ બની ગયો અને પરિણામે તેની સામેના તમામ સરકારી કેસ અચાનક સાવ ચૂપ થઈ ગયા.
તકવાદી અને સેટિંગબાજ રાજનીતિ અત્યારે ગુજરાતના ભવિષ્યને ભારે નુકસાન પહોંચાડીને બરબાદ કરનારી બનવા લાગી છે. ‘સાથે આવો તો મોજ કરો, સામે પડો તો પથારી ફરે' વાળી આ નીતિ લોકશાહી વિરોધી છે. ગુજરાતીઓએ હવે આવા નબળા અને વારંવાર સેટિંગ કરતા નેતાઓ અંગે નવેસરથી ગંભીરતાથી વિચારવું જ પડશે. કોઈપણ તંદુરસ્ત લોકશાહીમાં શાસક પક્ષ હંમેશા નિર્ણાયક અને વિરોધ પક્ષ સક્ષમ તેમજ મજબૂત હોય તે અત્યંત અનિવાર્ય ગણાય છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
