<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

તકલાદી વિકાસ.. આફતના પૂર

ચારે બાજુ માર્ગો તૂટી ગયાઃ ગંદા પાણીના તળાવ સર્જાયાઃ દર વર્ષે આ સ્‍થિતિ છતા વિકાસના નામે લોલમલોલઃ લોકોને સહન કરવાનું વ્‍યસન થઇ ગયું

 

 

 મેઘરાજા મન મૂકીને મંડાય એ ધરતીપુત્રો માટે તે લાપસીના આંધણ મૂકવા જેવી હર્ષની સ્‍થિતિ ગણાય. વર્તમાન સમયમાં આ આનંદ ક્ષણભરમાં આફતના પૂરમાં બદલાઈ જાય છે. સૌરાષ્‍ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે જ જે ભયાવહ સ્‍થિતિ સર્જાય છે, તે કુદરતી આપત્તિ કરતાં માનવીય ભૂલો અને વહીવટી તંત્રની બેદરકારીનું વરવું પરિણામ વધુ લાગે છે. ચોમાસાની હજુ તો શરૂઆત થઈ છે ત્‍યાં ચારે બાજુ કરોડોના ખર્ચે બનેલા માર્ગો ધોવાઈ ગયા છે. રસ્‍તાઓ પર મસમોટા ભુવા અને ખાડા સામ્રાજ્‍ય જમાવીને બેઠા છે, જેના કારણે ગંભીર અને ભયાવહ અકસ્‍માતોની સંભાવનાઓ ચિંતાજનક રીતે વધી ગઈ છે. નવાઈની વાત એ છે કે દર વર્ષે આ જ પ્રકારની નર્કાગાર જેવી સમસ્‍યાઓ સર્જાય છે.

પ્રજા હાલાકી ભોગવે છે, છતાં સત્તાધીશો કે કોન્‍ટ્રાક્‍ટરો પાસે તેનો કોઈ કાયમી ઉકેલ હોતો નથી. વહીવટી તંત્ર  દર વર્ષે સબ સલામત હોવાના પોકળ દાવાઓ કરતું રહે છે. ગામો અને શહેરોના અનેક રહેણાંક વિસ્‍તારો આજે ગંદા પાણીના તળાવમાં ફેરવાઈ ગયા છે.

 આ દયનીય પરિસ્‍થિતિ  ટાઉન પ્‍લાનિંગ  સ્‍કીમની સરેઆમ નિષ્‍ફળતા દર્શાવે છે. ચોમાસાના પાણીના નિકાલની કોઈ આગોતરી વ્‍યવસ્‍થા નથી. પાણી ભરાવાને કારણે મચ્‍છરોનો ઉપદ્રવ અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પેદા થાય છે. આટલું મોટું આયોજનચૂક હોવા છતાં કોઈ અધિકારી કે નેતા જવાબદારી સ્‍વીકારવા તૈયાર નથી. તંત્રમાં કોઈ જવાબદારી ફિક્‍સ થતી નથી અને બધું જ રામભરોસે ચાલે છે.

ચારેબાજુ ભ્રષ્ટાચારથી ખદબદતો તકલાદી વિકાસ ખડકાઈ રહ્યો છે. શાસકો આ કાચ જેવા વિકાસનું ગૌરવ લેતા થાકતા નથી. પરંતુ વાસ્‍તવિકતા એ છે કે આ કહેવાતો વિકાસ જ આજે સામાન્‍ય નાગરિકો માટે સૌથી મોટી આફત અને સમસ્‍યા બનીને ઉભરી રહ્યો છે.  દેખાડાના આવા આડેધડ ચાલતા ભ્રષ્ટ અને તકલાદી વિકાસને તાત્‍કાલિક બ્રેક મારવી અનિવાર્ય બની ગઈ છે. ગુજરાતને હવે સપાટી પરના ચળકાટવાળા ઓન-પેપર વિકાસની નહીં, પણ ટકાઉ અને નક્કર ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરની જરૂર છે.  સૌથી મોટો ટ્રેજિક વળાંક એ છે કે લોકોને આ નરક જેવી સ્‍થિતિમાં સહન કરવાનું વ્‍યસન થઈ ગયું હોય તેવું લાગે છે. જનતા બધું જ મૂંગા મોઢે સહન કરે છે. જ્‍યાં સુધી પ્રજા પોતાની આ લાચારી અને મજબૂરી છોડીને સત્તા પક્ષ અને શાસકો સામે મજબૂત અવાજ નહીં ઉઠાવે, ત્‍યાં સુધી આ તકલાદી પરંપરા બંધ નહીં  થાય. ટેક્‍સ ચૂકવતી પ્રજાએ હવે જાગળત બનીને શાસન પાસે ગુણવત્તાયુક્‍ત કામની કડક માંગ કરવી જ પડશે.

(11:32 AM IST)