<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

હિન્‍દુત્‍વની નવી બ્રાન્‍ડઃ રોમાંચક પ્રયોગ

અખિલેશ સપા બ્રાન્‍ડ સોફટ હિન્‍દુત્‍વ આદર્યુઃ દાન ચોરી મુદ્‌ે હિન્‍દુઓનો સંપર્ક કરશે, નવી વ્‍યાખ્‍યા ઘડશેઃ ભાજપ સામે પડકાર

 ઉત્તર પ્રદેશમાં ધારાસભાની ચૂંટણીની તૈયારીઓ હવે સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. બરાબર આ જ સમયે રામ મંદિરના નિર્માણ માટે એકત્રિત કરાયેલા દાનમાં કથિત ચોરીનો મુદ્દો  ગરમાગરમ બન્‍યો છે.

રામ મંદિર હંમેશાં ભાજપના હિન્‍દુત્‍વ એજન્‍ડાનો સૌથી મોટો અને મુખ્‍ય મુદ્દો રહ્યો છે. પરંતુ અત્‍યારે આ જ સંવેદનશીલ મુદ્દે ખુદ ભાજપ સરકાર સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.રાજ્‍યમાં અતિ મજબૂત અને લોકપ્રિય ગણાતા મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ સામે વિપક્ષી દળોને આ દાન ચોરીના વિવાદમાં રાજકીય મોજ આવી ગઈ છે. તેમને એક મોટું હથિયાર મળી ગયું છે.

આ બદલાયેલા માહોલમાં યુપીની મુખ્‍ય વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટી તદ્દન અલગ અને આક્રમક મિજાજ સાથે મેદાનમાં આવી છે. ભૂતકાળમાં માત્ર લઘુમતી સમુદાયના મતો મેળવવા માટે સતત મુજરા કરીને પોતાની રાજકીય દુકાન ચલાવતી સપા હવે અચાનક સનાતન હિન્‍દુત્‍વ પક્ષ લઈને મેદાનમાં ઉતરી છે.

સપા આ દાન ચોરીના ગંભીર મુદ્દે સીધો  જ બહુમતી હિન્‍દુઓનો સંપર્ક કરશે. તેઓ જનતા વચ્‍ચે જઈને શ્રદ્ધાના નામે થતી ભાજપની આ કથિત વળત્તિને સંપૂર્ણપણે ઉઘાડી પાડશે. સપા બ્રાન્‍ડ હિન્‍દુત્‍વના બ્રાન્‍ડ એમ્‍બેસેડર તરીકે શંકરાચાર્ય અવિમુક્‍તેશ્વરજી ગોઠવાઈ રહ્યા છે. તેઓ યોગીજીના હળાહળ વિરોધી ગણાય છે.

અખિલેશ યાદવ સમાજ સમક્ષ હિન્‍દુત્‍વની એક તદ્દન નવી વ્‍યાખ્‍યા પણ આપશે. સપા પક્ષ સામાન્‍ય લોકોને સમજાવશે કે ભાજપનું હિન્‍દુત્‍વ માત્ર ધાર્મિક વિવાદો અને સત્તા મેળવવા પૂરતું જ સીમિત છે. જ્‍યારે વાસ્‍તવમાં દેશના તમામ સામાન્‍ય હિન્‍દુઓનો સામાજિક અને સર્વાંગી વિકાસ થાય તે જ સાચું હિન્‍દુત્‍વ છે.

આ રીતે અખિલેશ યાદવનું એક નવું ‘સપા બ્રાન્‍ડ સોફ્‌ટ હિન્‍દુત્‍વ' ઉત્તર પ્રદેશમાં લોન્‍ચ થઈ રહ્યું છે. હિન્‍દુ મતો અંકે કરવાનો આ રોમાંચક રાજકીય પ્રયોગ હવે શરૂ થઈ રહ્યો છે, જે આગામી સમયમાં શાસક પક્ષ ભાજપ સામે એક મોટો વૈચારિક પડકાર લાવશે.

દેશના રાજકારણના ભૂતકાળમાં પણ આવા સોફ્‌ટ હિન્‍દુત્‍વના પ્રયોગો થઈ ચૂકયા છે. ગુજરાતની ધારાસભા ચૂંટણી વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અચાનક જનેઉધારી શિવભક્‍ત બનીને પ્રચાર કરવા પધાર્યા હતા. તે સમયે વિવિધ મંદિરોમાં જઈને દર્શન કરવાના નાટક પણ મોટા  પ્રમાણમાં થયા હતા. તેનું પરિણામ એ આવ્‍યું કે કોંગ્રેસને ન તો હિન્‍દુઓના મતો મળ્‍યા, અને  પરંપરાગત મુસ્‍લિમોના મતો પણ ગુમાવવાનો વારો આવ્‍યો હતો. હવે બરાબર એવો જ જોખમી પ્રયોગ અખિલેશ યાદવ કરી રહ્યા છે.

વાસ્‍તવમાં વિપક્ષે આવી નકલ કરવાને બદલે ગુજરાત જેવા મોડેલ રાજ્‍યમાં સામાન્‍ય હિન્‍દુઓની જે અવદશા થઈ છે તેને દેશભરમાં ઉજાગર કરવી જોઈએ. ભાઇ ભાઇ અને ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં સામાન્‍ય હિન્‍દુત્‍વની વાસ્‍તવિક અને કથળતી સ્‍થિતિ શું છે, તે બાબત જો જનતા સામે ઉજાગર કરવામાં આવે તો જ વિપક્ષને સાચો રાજકીય ફાયદો મળી શકે તેમ છે. 

(10:20 AM IST)