પ્લીઝ, રણછોડજી.. માખણ ન ચોરતા
ગુજરાતમાં માખણ શુધ્ધ હોવાની ગેરન્ટી નથીઃ ધર્મના નામે રાજનીતિથી માંડીને વિવિધ ખેલ ચાલે છેઃ જગન્નાથજી, મેઘરાજાને લઇને પધારજો
આવતીકાલે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા છે , તેની પૂર્વ સંધ્યાએ તમામ સનાતની ભાઈ-બહેનોને હાર્દિક અભિનંદન. કાલે લાખો ભાવિકો રસ્તા પર ઉમટી પડશે. વાતાવરણમાં એક જ નારો ગુંજશે, ‘‘જય રણછોડ, માખણચોર!'' શ્રદ્ધાનો આ મહાસાગર અદભુત હશે. પરંતુ આ ઉત્સાહ વચ્ચે ભગવાન રણછોડજીને એક નમ્ર વિનંતી છે. પ્રભુ, હવે ગુજરાતમાં માખણની ચોરી કરવાનું માંડી વાળજો.
અહીં હવે માખણ શુદ્ધ હોવાની કોઈ ગેરન્ટી નથી. ગુજરાતમાં દરરોજ ભેળસેળિયો અને ઝેરી ખોરાક ઝડપાય છે. કેમિકલ યુક્ત દૂધ અને નકલી ઘીનો કારોબાર જોરશોરથી ચાલે છે. સામાન્ય માણસ તો ઠીક, ભગવાનના પ્રસાદમાં પણ ભેળસેળ પકડાઈ ચૂકી છે. રણછોડજી, જો તમે અહીં માખણ ચોરીને ખાશો, તો પેટ બગડશે. કદાચ તમારે પણ હોસ્પિટલ ભેગા થવું પડે અથવા ઉપવાસ કરવો પડે તેવી હાલત છે.
રથયાત્રા અને ધાર્મિક ઉત્સવોના નામે અનોખા ખેલ ચાલે છે. ભક્તિ તો માત્ર એક બહાનુ બની ગઈ છે. ખરો ખેલ તો ધર્મના નામે રાજનીતિ ચમકાવવાનો છે. નેતાઓ અને ચમચાઓ પોતાના રોટલા શેકવા માટે ધર્મને હથિયાર બનાવે છે. જગન્નાથજી, આ કળિયુગનું સત્ય છે. તમારે પણ આ બધી બાબતોથી હવે ટેવાઈ જવું પડશે.
દુઃખની વાત એ છે કે ધર્મની સતત હાની થઈ રહી છે. મૂલ્યોનું પતન થઈ રહ્યું છે. પરંતુ આપણા આધુનિક સાધુ-મહાત્માઓને તેની કંઈ પડી નથી. તેઓ પણ આ વ્યવસ્થાનો હિસ્સો બની ગયા છે. પ્રભુ, હવે તમે જ કંઈક ચમત્કાર કરો. આ નબળી અને નકલી સ્થિતિને જલ્દીથી બદલો તેવી આશા છે.
બીજું કંઈ થાય કે ન થાય, પણ કાલે જ્યારે તમે રથયાત્રામાં નગરચર્યાએ નીકળો, ત્યારે મેઘરાજાને અચૂક સાથે લઈને પધારજો. ગુજરાત આકરા તાપથી ત્રસ્ત છે. વરસાદ વગર ઉત્સવની અસલી મોજ આવતી નથી. આશા છે કે તમે માખણ છોડીને મેઘરાજાને વહાલા કરશો અને ભક્તોને ઠંડક આપશો. જગન્નાથજી, કળપા કરજો અને હેમખેમ પધારજો.
જગન્નાથ એટલે જગતના નાથ. પાલન પોષણ રક્ષા કરનાર બ્રહ્માંડના ધણી એટલે જગન્નનાથજી..
ગુજરાતમાં આ દેવને પણ સુરક્ષા આપવી પડે છે. હમણા તો દાન ચોરીની ફેશન શરૂ થઇ છે. ભગવાનના નામે ભક્તો જ મોજ કરવા લાગ્યા છે. રથયાત્રાની પૂર્વ સંધ્યાએ જગન્નાથજીને સાષ્ટાંગ દંડવત કરીને પ્રાર્થના કરીએ કે, આપ પધારો અને સનાતનના શુધ્ધિકરણની કળપા કરો









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
