News of Tuesday, 21st July 2026
કોકરોચ આંદોલનઃ કેન્દ્રની કસોટી
લડતમાં રાજકીય દ્રષ્ટિ વધારે છેઃ ત્રણ માંગણીમાં શિક્ષણ સુધારાની વાત નથીઃ મુદો ગમે તેટલો યોગ્ય હોય, ભારતને નેપાળ બનાવવાની વાત યોગ્ય નથી જ
દિલ્હીના રસ્તાઓ પર હાલમાં ચાલી રહેલું આંદોલન હવે કેન્દ્ર સરકાર માટે એક મોટી કસોટી સમાન બની ગયું છે. કોકરોચ જૂથ દ્વારા શરૂ કરાયેલા આ વિરોધ પ્રદર્શનમાં પેપર લીક અને પરીક્ષાની ગડબડોનો મુદ્દો ભલે ગમે તેટલો યોગ્ય કે વ્યાજબી હોય, પરંતુ જે રીતે આ આંદોલન સ્વરૂપ લઇ રહયું છે. તે ગંભીર ચિંતાનો વિષય છે.
આંદોલનકારીઓની મુખ્ય ત્રણ માંગણીઓને બારીકાઈથી ચકાસવામાં આવે તો તેમાં મૂળ શિક્ષણ સુધારાની કોઈ ચોક્કસ વાત કે દીર્ઘદ્રષ્ટિ જોવા મળતી નથી. માત્ર પ્રધાનના રાજીનામામાં જ રસ હોય તેમ લાગે છે.
વિરોધ ખાતર વિરોધ કરીને યુવાનોની લાગણીઓ ભડકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગઈકાલે સંસદ રોડ પર પ્રદર્શન દરમિયાન સંસદ સળગાવી દેવાની અને દેશમાં હિંસા ફેલાવવાની જે ધમકીઓ આપવામાં આવી, તે અત્યંત ગંભીર છે. મુદ્દો ગમે તેટલો સાચો કે સ્પર્શતો હોય, પણ તેની આડમાં ભારતને નેપાળ જેવી અરાજકતા તરફ ધકેલવાની વાતો ક ેપ્રયાસો કોઈ પણ સંજોગોમાં યોગ્ય ગણાવી શકાય નહીં.
આ સમગ્ર ઘટનાક્રમમાં નેતળત્વ કરી રહેલા અભિજિત દીપકના તાલ-્પ્રતિતાલ જોતાં લાગે છે કે તેઓ રાષ્ટ્રીય સ્તરના હાર્દિક પટેલ બનવા તરફ આગળ વધી રહ્યા છે. ભૂતકાળમાં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન વખતે જે રીતે યુવાનોના ટોળાં એકઠા કરીને અરાજકતાનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું, તે જ પેટર્ન આજે દિલ્હીમાં પુનરાવર્તિત થઈ રહી છે. પ્રજાના પ્રશ્નોને આગળ ધરીને પોતાનું રાજકીય કદ વધારવું અને અંતે સત્તાધારી પક્ષ કે મોટા રાજકીય મંચ પર ગોઠવાઈ જવું, એ જ આ પ્રકારના આંદોલનોનો આંતરિક હેતુ રહ્યો છે.
પડદા પાછળથી વિવિધ વિપક્ષી દળોનો ટેકો મેળવીને ચલાવાતી આ લડત શિક્ષણના ભલા માટે ઓછી અને રાજકીય રોટલા શેકવા માટે વધુ વપરાઈ રહી છે. લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર દરેકને છે, પરંતુ વિરોધના નામે દેશની શાંતિ અને સુરક્ષા જોખમમાં મૂકાય તે ચલાવી લેવાય નહીં. અભિજિત દીપકનો આ નવો રાજકીય પ્રયોગ દેશને કઈ દિશામાં લઈ જશે તે જોવું રહ્યું. મોદી સરકારને ૧૪ વર્ષમાં પ્રથમ વખત વિરોધનો અનુભવ કરાવવો એ દીપકની સિધ્ધિ ગણાય, આ કામ રાહુલ કે કેજરીવાલ કરી શકયા ન હતા.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
