<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

વિદ્યાર્થી સંગઠનો માત્ર કઠપૂતળા?

એક શાળા કે યુનિવર્સિટીને પણ ડગાવી શકતા નથીઃ સામાન્‍ય વિદ્યાર્થીઓએ કડક ગણાતી કેન્‍દ્ર સરકારને હચમચાવી દીધી...

 શિક્ષણ ક્ષેત્રે આજે વેપારીકરણ ચરમસીમાએ પહોંચ્‍યું છે. શાળા, કોલેજ અને યુનિવર્સિટીઓમાં શિક્ષણના નામે ખુલ્લેઆમ ધંધા ચાલી રહ્યા છે. આવી સ્‍થિતિમાં વિદ્યાર્થીઓના હિત અને રક્ષણનો દાવો કરતા સંગઠનો નિષ્‍ફળ નીવડ્‍યા છે.  એબીવીપી અને એનએસયુઆઇ જેવાં વિદ્યાર્થી સંગઠનો માત્ર  છાત્રહિતના નામે વાતો કરે છે. વાસ્‍તવમાં આ સંગઠનો સીનસપાટા માં જ વ્‍યસ્‍ત રહે છે. વિદ્યાર્થીઓના સાચા પ્રશ્નોમાં તેઓ કંઈ ઉકાળી શકતા નથી તેવી લાગણી પ્રવર્તે છે.

 આ વિદ્યાર્થી સંગઠનો માત્ર માતળ સંસ્‍થાઓના રાજકીય કઠપૂતળા જ સાબિત થયા છે. રાજ્‍યમાં અને દેશમાં અનેક પરીક્ષાઓના પેપર ફૂટયા હતા. લાખો યુવાનોનું ભવિષ્‍ય અંધકારમાં ધકેલાયું હતું. પરંતુ રાજકીય મુજરા કરતા આ સંગઠનો  શાબ્‍દિક વિરોધથી વિશેષ આગળ કશું જ કરી શકયા નહીં. અંતે સામાન્‍ય વિદ્યાર્થીઓએ પોતાની લાચારી અને આક્રોશમાં જાતે લડત આદરવી પડી હતી.

વિદ્યાર્થીઓ ‘કોકરોચ' નામથી મરણિયા બનીને મેદાનમાં ઉતરી આવ્‍યા હતા. તેમણે એકતા બતાવીને બરાબરની લડત આપી હતી. આ સામાન્‍ય વિદ્યાર્થીઓના આંદોલને કડક ગણાતી મોદી સરકારને પણ હચમચાવી દીધી હતી. ધર્મેન્‍દ્ર પ્રધાનના રાજીનામા સહિતની અનેક માંગણીઓ સામે સરકારે નમતું જોખવું પડ્‍યું હતું.

સામાન્‍ય વિદ્યાર્થીઓની આ ઐતિહાસિક સફળતા રાજકીય વિદ્યાર્થી સંગઠનોના મોં પર તમાચા સમાન છે. આવા સંગઠનો વિદ્યાર્થીઓની સામાન્‍ય ફી વધારા જેવા  પ્રશ્નો પણ ઉકેલી શકતા નથી. તેઓ શાળા, કોલેજો અને યુનિવર્સિટીના સંચાલકો સામે નતમસ્‍તક થઈને મુજરા કરવા લાગે છે. જેને કારણે આ રાજકીય કઠપૂતળા સંગઠનો હવે કોઈ વેલ્‍યુ વગરના સાબિત  થઇ રહયા છે.

જે સરકારને રાહુલ ગાંધી કે અન્‍ય  વિપક્ષી નેતાઓથી માંડીને ટ્રમ્‍પ સુધીના વૈશ્વિક નેતાઓ પણ હલબલાવી શકયા નથી, તેને સામાન્‍ય વિદ્યાર્થીઓની તાકાતે હચમચાવી દીધી છે. ખુદના અસ્‍તિત્‍વ અને પ્રભાવને ગુમાવી ચૂકેલા એનએસયુઆઇ અન ેએબીવીપી જેવા સંગઠનોએ હવે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું સર્જાયુ છે.

સામાન્‍ય યુવાનોએ સાબિત કરી દીધું છે કે સાચી તાકાત કોઈ પક્ષના ઝંડામાં નહીં, પરંતુ વિદ્યાર્થીઓની એકતામાં રહેલી છે.

રાજકીય એજન્‍ડા રાખવા એ પાપ નથી, પણ મુખ્‍ય જવાબદારી ભૂલીને માત્રને માત્ર રાજનીતિ માટે મુજરા કરતું રહેવું એ  છેતરપીંડી છે. વિદ્યાર્થી સંગઠનો એક પણ મુદે ટક્કર આપ્‍યા વગર સીનસપાટા કરે છે અને માત્ર રાજકીય ઉદેશ ધરાવે છે. આ કારણે રાતોરાત સર્જાયેલા કોકરોચને સફળતા મળી છે.એ.બી.વી.પી., એન.એસ.યુ.આઈએ આબરૂ અને વિશ્વાસ ટકાવવા છાત્ર અને શિક્ષણહિત માટે મરણિયું બનવું પડશે.

(11:00 AM IST)