<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

પક્ષોમાં GEN-G સેલ સ્થપાશે

નવી પેઢીથી વધારે પડતા ડરી ગયેલા નેતાઓ ફાટા પડાવશેઃ રાજનીતિમાં નવો રંગ ઉમેરાશેઃ મોદીજી, ભાગવતજી, રાહુલ ગાંધી બરાબરના કામે લાગ્યાઃ નજીકના ભવિષ્યમાં નવાજૂની...

   ભારતીય રાજનીતિમાં અત્યારે એક નવો યુગ શરૂ થયો છે. આ નવો યુગ એટલે કે Gen-Zનો દબદબો. દેશના યુવાનો અને નવી પેઢી રાજકીય સમીકરણો બદલવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. બાંગ્લાદેશની તાજેતરની તખ્તાપલટની ઘટનાઓ અને કોકરોચની લડતથી અનોખો વિરોધ દર્શાવવાની તેમની શૈલીએ નેતાઓના દિમાગમાં ભારે હલચલ મચાવી દીધી છે.

નવી પેઢી દેશની ખરી તાકાત ગણાય છે. વર્તમાન સમયમાં રાજકીય નેતાઓ આ નવી પેઢીથી વધારે પડતા ડરી ગયા હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. દેશના શાસક અને વિપક્ષ બંનેના ટોચના નેતાઓ હવે આ નવી પેઢી સામે મુજરા કરવા લાગ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પોતે પણ જેન-ઝીને રીઝવવા માટે અવનવા વિડિયો, ડિજિટલ ક્રિએટર્સ સાથે મીટિંગ અને સોશિયલ મીડિયા કેમ્પેઇન રજૂ કરતા રહે છે. બીજી તરફ, રાજકીય રીતે ખાસ કોઇ પરિવર્તન નહિ લાવી શકનાર  રાહુલ ગાંધી પણ આ નવી પેઢીને હવા ભરી રહ્યા છે. દરેક પક્ષો જેન-ઝીને પોતાની તરફ ખેંચવા બરાબરના ધંધે લાગ્યા છે. આટલું જ નહીં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતજી પણ હવે જેન-ઝી સાથે સીધો સંવાદ કરવા લાગ્યા છે. આ તમામ ગતિવિધિઓ દર્શાવે છે કે નવી પેઢી નેતાઓના મન પર પૂરેપૂરી હાવી થઈ ગઈ છે.

જો કે રાજકારણની જૂની રીતભાત હંમેશા વિભાજન કરવાની રહી છે. ભવિષ્યમાં આ જેન-ઝીની એકતા તોડવા માટે રાજકીય ફાટા પાડવામાં આવશે. અત્યાર સુધી રાજકીય પક્ષોએ સમાજના દરેક વર્ગ અને ક્ષેત્રના ફાટા પાડ્યા છે. ડોકટરો માટે ડોકટર સેલ, વકીલો માટે લીગલ સેલ, વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી સંગઠનો અને ખેડૂતો માટે પણ અલગ સંસ્થાઓ પક્ષોના નામે રચી દેવાઈ છે.

અત્યારની પરિસ્થિતિ જોતાં લાગે છે કે નજીકના સમયમાં જ રાજકીય પક્ષો 'જેન-ઝી સેલ'ની રચના કરશે? આ રીતે યુવા પેઢીને રાજકીય રંગે રંગીને તેમની તાકાતના અલગ-અલગ જૂથો બનાવીને ફાટા પાડી દેવામાં આવશે? યુવાનોની આ અદભુત ઊર્જા અને તાકાતને પોતાના અંગત રાજકીય સ્વાર્થ માટે વાપરવાની સંભાવના  ખૂબ વધી ગઈ છે. રાજનીતિનો આ નવો રંગ આવનારા દિવસોમાં વધારે રોમાંચક બન્યો છે.

કોકરોચના સ્થાપક દીપકના ઘર સામે પણ મોરચો મંડાયો છે, અમારે નવા કેજરીવાલ નથી જોઇતા..સૂત્ર સાથે દીપકનો વિરોધ શરૂ થઇ ગયો છે. જેન-ઝી પૂર્ણરૂપે રાજકીય રંગે રંગાશે, તેવા અણસાર મળે છે. કોંગ્રેસ જેન-ઝી સેલ, ભાજપ જેન-ઝી સેલ, સપા-બસપા-આપ વગેરે પક્ષોના જેન-ઝી  વિભાગો બની શકે છે.  આ રીતે જેન-ઝીની તાકાત  વિખેરવા પ્રયાસો થઇ શકે છે.

(11:38 AM IST)