News of Saturday, 22nd August 2026
મિથેનોલ સરબત.. ગુજરાતની શરમ
અત્યંત ઘાતક ઝેરી રસાયણને ઓળખોઃ સેટિંગબાજોના કારણે ગેરકાયદે મિથેનોલ સરળતાથી ઉપલબ્ધઃ આ કેમિકલથી દેશીની કોથળી મોતની પોટલી બની જાય છેઃ અસંખ્ય પરિવારો બરબાદીના માર્ગે
રાજ્યમાં લઠ્ઠાકાંડની કરૂણાંતિકાએ જવાબદારોના સેટિંગબાજ વલણને ખુલ્લું પાડી દીધું છે. બ્રાન્ડેડ નકલી દારૂ તેમજ દેશીની કોથળીઓ મિથેનોલ જેવા પ્રાણઘાતક કેમિકલથી તૈયાર થઈ રહી છે. અતિ જોખમી પદાર્થ ગુજરાતમાં શરબતની જેમ છૂટથી પ્રાપ્ત થાય અને સામાન્ય નાગરિકની હોજરી સુધી પહોંચે, તે વિકસિત પ્રદેશ માટે લજ્જાસ્પદ બાબત છે.
મિથેનોલ એક રંગહીન અને તીવ્ર વાસ ધરાવતું ઔદ્યોગિક કેમિકલ છે, જેને વિજ્ઞાનમાં ‘વૂડ આલ્કોહોલ' કહે છે. મુખ્યત્વે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ વચ્ચે ઊંચા દબાણે રાસાયણિક પ્રક્રિયા કરાવીને આ દ્રવ્ય બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ પેઇન્ટ, પ્લાસ્ટિક તથા સોલ્વન્ટ ઉદ્યોગમાં થાય છે. માનવ શરીર માટે આ તત્વ અત્યંત વિનાશક છે. પાચનતંત્રમાં પ્રવેશે કે તુરંત લીવર તેને ‘ફોર્મિક એસિડ'માં ફેરવી નાખે છે. આ અતિઝેરી એસિડ કોષોનો નાશ કરીને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ્સ અને આંતરિક અવયવોને કાયમી ધોરણે ઠપ કરી દે છે. માત્ર એક-બે ચમચી જેટલું દ્રવ્ય પીવાથી ઓપ્ટિક નર્વ બળી જતાં માણસ દ્રષ્ટિ ગુમાવે છે અથવા કીડની-લીવર ફેલ થતાં ગણતરીની મિનિટોમાં પ્રાણ પંખેરૂ ઊડી જાય છે.
દેશી દારૂના ધંધાર્થીઓ ઓછા ખર્ચે તીવ્ર નશો ઉત્પન્ન કરવા બહારથી આ ઔદ્યોગિક રસાયણ સીધું ઉમેરે છે. કાયદેસર પીણામાં ઇથેનોલ હોય છે, પરંતુ અહી સસ્તા તુક્કાથી દેશીની નિર્દોષ લાગતી કોથળીમાં મિથેનોલ હોઇ શકે છે, જે સીધી ‘મોતની પોટલી' બની જાય છે. ગેરકાયદેસર સપ્લાય થતું આ ઝેર શ્રમજીવી વર્ગના કમાઉ સભ્યોનો કાળ બનીને ત્રાટકે છે, જેનાથી પરિવાર બરબાદ થાય છે.
ભ્રષ્ટ અધિકારીઓ, કેમિકલ માફિયા અને બુટલેગરોના સેટિંગબાજ ગઠબંધન સામે રાજકીય નેતળત્વ લાચાર બન્યું છે. કાગળ પરની દારૂબંધી વચ્ચે કાળાબજારીયાઓ બેફામ બન્યા છે. તંત્રની મોનિટરિંગની નિષ્ફળતા અને દ્રઢ ઈચ્છાશક્તિના અભાવે અસંખ્ય પરિવારો હોમાઈ રહ્યા છે અને અનેક ઘરનો માળો વેરાન બની રહ્યો છે.
ગુજરાતમાં તટસ્થ રહીને વિચારો તો છેલ્લા ૧૦ વર્ષમાં માત્ર દારૂ જ નહિ, વિવિધ પ્રકારના ઘાતક નશાનું પ્રમાણ અનહદ વધ્યું છે. જિંદગી બરબાદ કરતું ડ્રગ્સ શેરીઓ સુધી પહોચી ગયું છે. ઇ-સિગારેટથી માંડીને ગાંજાની ધૂમ મચી છે. જવાબદાર નેતાઓને કંઇ પડી નથી? નવી પેઢી ખોખલી બનવા લાગી છે. હિન્દુત્વ અને નાત -જાતની વાતોમાં આવીને આપણે મત આપી દીધા બાદ આપણી જ અવદશા થાય છે. મતદાર તરીકે ગુજરાતીઓએ વધારે ગંભીર થવાની જરૂર નથી લાગતી?
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
