<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

નીકળો તમતમારે ગડકરીજી..

નેતાઓની બ્રાન્‍ડ ડલ પડે ત્‍યારે તેઓ લાગણીવેડાના રવાડે ચઢતા હોય છેઃ નીતિનભાઇ નિવૃતિ ન લે તો તેને ધરાર નિવૃત્ત કરી દેવા જોઇએઃ હાઇવે બન્‍યા, પણ કવોલિટીના ઠેકાણા નથી અને ટોલટેકસ તોતિંગ...

 

 

 

  કેન્‍દ્રિય પ્રધાન નીતિન ગડકરીજી હમણા સુધી પોતાને વડાપ્રધાન પદના દાવેદાર તરીકે બ્રાન્‍ડિંગ કરતા હતા. અચાનક તેમણે નિવેદન કર્યુ કે, હવે મારૂ શરીર કામ કરી શકતું નથી, નવી પેઢીને તક મળવી જોઈએ. અચાનક ગડકરીએ સ્‍ટેન્‍ડ કેમ બદલ્‍યું? તાજેતરમાં ઈ-૨૦ પેટ્રોલ બાબતે ગડકરીની ખૂબ ઠેકડી ઉડી છે. સોશિયલ મીડિયામાં ગડકરી હાસ્‍યાસ્‍પદ બન્‍યા છે. ઇથોનોલના કારણે ખાંડ મોંઘી થઇ હોવાની પણ હવા ખૂબ ફેલાઈ છે.     

ગડકરી ગર્વ લેતા હતા કે, મેં આટલા હાઇવે બનાવ્‍યા. આ માર્ગોની નબળી ગુણવતા પણ ઉજાગર થઇ ગઇ છે. હાલ ગડકરીની બ્રાન્‍ડ સાવ ડલ છે. આ કારણે લાગણીવેળાના રવાડે ચઢયા હશે. નેતાઓને આવી ટેવ હોય છે. નિવળતિની વાત કરે એટલે બે પાંચ નેતા તેને દેશસેવા કરવા આગ્રહ કરે, ટીવી પડદે રડી પડવાના ખેલ થાય, બાદમાં નેતાજી માની જાય અને ચૂંટણી લડવા તૈયાર થઇ જાય. આવા નાટક ચાલતા રહે છે. રાજકારણમાં જ્‍યારે પોતાની લોકપ્રિયતા ઘટવા લાગે કે પછી પક્ષમાં કદ નાનું થવા લાગે, ત્‍યારે નેતાઓ આવા સિમ્‍પથી કાર્ડ કે લાગણીવેડાનો સારો એવો ઉપયોગ કરતા હોય છે. ગડકરીજીનો પણ આ રાજકીય સ્‍ટંટ હોઈ શકે છે.

ખરેખર ગડકરી જેવા નેતાઓની દેશને જરૂર નથી. સાવ લોકલ લેવલના નેતા છે અને સંઘના પીઠબળથી કેન્‍દ્રિય પ્રધાન સુધી પહોચી ગયા છે. પોતે ઐતિહાસિક પુરૂષ હોવાની વાતો સોશિયલ મીડિયામાં કરીને મહાન બની ગયા છે. એ બાબત નોંધવા જેવી છે કે, ગડકરીએ કયારેય સંઘ વિચાર પણ આગ્રહ પૂર્વક રજૂ કર્યો નથી. સંઘના નામે આવા કેટલાય ગોઠવાઇ ગયા છે.

ગડકરીના નિવેદનને ભરપૂર પ્રસિધ્‍ધિ મળી ગયા બાદ તેના કાર્યાલયના નામે સ્‍પષ્ટતા કરવામાં આવી કે, આ નિવેદનનો ઉલટો અર્થ કાઢવામાં આવ્‍યો છે, નીતિનભાઇ હજુ સેવા કરવા સક્ષમ છે! આવા નાટકિયા લોકો નિવળત્ત ન થાય તો પક્ષે તેમને નિવળત્ત કરી દેવા જોઇએ. જો પક્ષ ટિકિટ આપે તો લોકોએ મત ન આપીને તેમને નિવળત્ત કરવા જરૂરી છે. રાજનીતિમાંથી કચરો સાફ કરવો મતદારોની મુખ્‍ય ફરજ છે. લોકશાહીમાં મતદારો જ સર્વોપરી છે. જ્‍યારે કોઈ નેતા પોતાની કામગીરી કરવામાં નિષ્‍ફળ જાય અને માત્ર તોતિંગ ટોલટેક્‍સ વસૂલીને નબળી ગુણવત્તાના રસ્‍તા આપે, ત્‍યારે તેને ઘરે બેસાડવાનો સમય આવી જાય છે. નોંધ લેવા જેવી બાબત એ પણ છે કે,  ટોલ વસુલવા જેટલો ટેકનોલોજીનો ઉપયોગ થયો છે, તેટલો ઉપયોગ હાઈવે પર ટ્રાફિક વ્‍યવસ્‍થા સુધારવા નથી થયો. ગડકરીજી જેવા નેતાઓને હવે સ્‍પષ્ટ કહી દેવું જોઈએ કે ‘નીકળો તમતમારે' ખૂબ સેવા કરી હવે આરામ ફરમાવો!

(10:45 AM IST)