<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

કમળ કરોળિયાની જાળમાં ફસાયું

વિશ્વાનાસોૈથી મોટા પક્ષને કોકરોચની લડતથી રાજકીય નુકસાનઃ ફરી મોદી સરકાર રચાય, પણ ભાજપને નુકસાન અને કોંગ્રેસને ફાયદાનો સર્વેઃ રિયલ સમસ્‍યાઓમાં મોદી સરકારની નક્કર ભૂમિકા જરૂરી

દેશના રાજકારણમાં હાલના તબક્કે એક નવો અને ચોંકાવનારો મોડ જોવા મળી રહ્યો છે. કમળ કરોળિયાની જાળમાં ફસાયું હોય તેવી સ્‍થિતિ સર્જાઈ છે. વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ ગણાતા ભાજપને નાના ગણાતા કોકરોચ આંદોલનની લડતથી મોટું રાજકીય નુક્‍સાન થવાની સંભાવના સેવાઈ રહી છે.

તાજેતરમાં થયેલા એક રાજકીય સર્વેના તારણો મુજબ, જો આજે લોકસભાની ચૂંટણી યોજાય તો સત્તાનું સિંહાસન NDAને જ મળે. મોદી સરકાર ફરીથી રચાય તેવી પૂરતી શકયતાઓ છે, પરંતુ ભાજપને  બેઠકોમાં સીધું નુક્‍સાન થઈ રહ્યું છે. સામે પક્ષે કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધનને સીધો ફાયદો થતો  દેખાઈ રહ્યો છે. સર્વે અનુસાર NDAને ૩૨૬ બેઠકો મળવાનું અનુમાન છે, જેમાં ભાજપ પોતાના દમ પર ૨૬૧ બેઠકો મેળવી શકે છે. જ્‍યારે કોંગ્રેસને ૨૬ બેઠકોના ફાયદા સાથે ૧૦૬ બેઠકો મળવાનો અંદાજ છે અને ઈન્‍ડિયા બ્‍લોકને ૧૮૫ બેઠકો મળી શકે છે.

આ સ્‍થિતિ દર્શાવે છે કે ,અત્‍યંત તાકાતવર ગણાતું મોદિત્‍વ નાના ટાબરિયાના ટોળાં કે નાના વિરોધો સામે કંઈક અંશે નબળું પડી રહ્યું છે. દેશની રિયલ સમસ્‍યાઓ જેવી કે બેરોજગારી, મોંઘવારી અને રાષ્‍ટ્રીય રિયલ મુદ્દાઓ ઉકેલવામાં મોદી સરકાર પાછી પડી રહી હોવાનો અહેસાસ જનતાને થઈ રહ્યો છે. સરકારી યોજનાઓ અને વહીવટમાં નક્કર ઉકેલોનો અભાવ  જોવા મળી રહ્યો છે.

જે ગુજરાત રાજ્‍ય ભાજપ અને નરેન્‍દ્ર મોદીની શક્‍તિનો મુખ્‍ય સોર્સ ગણાય છે, ત્‍યાં પણ વર્તમાન સમયમાં સરકાર જેવું કશુંય દેખાતું નથી. જો સત્તાના ગઢ સમાન ગુજરાતમાં જ આ દશા હોય તો અન્‍ય રાજ્‍યોની પરિસ્‍થિતિ કેવી હશે તે સમજવું મુશ્‍કેલ નથી. ઉત્તર પ્રદેશ અને આસામ જેવાં રાજ્‍યોને બાદ કરતાં મોટાભાગના ભાજપ શાસિત રાજ્‍યોમાં નિષ્‍ક્રિયતા છવાયેલી છે.

 વૈચારિક રીતે ભાજપ ભલે આગળ હોય, પરંતુ ગુજરાત જેવા રાજ્‍યમાં હિન્‍દુત્‍વના સાચા અને યોગ્‍ય અમલીકરણમાં પણ સરકાર કે પક્ષને ખાસ રસ હોય તેમ લાગતું નથી. નબળી અને નિષ્‍ક્રિય નેતાગીરીને લોકો પર બળજબરીથી ઝીંકી દેવાની નીતિ હવે પક્ષને ભારે પડી રહી છે. માત્ર કેન્‍દ્ર સરકાર કે મોદીજીએ જ નહીં, પરંતુ ભાજપ સંગઠન અને સંઘે પણ હવે માત્ર વાતો કરવાને બદલે જમીન પર પરિણામલક્ષી અને રિયલ વર્ક કરીને દેખાડવું પડશે.       

કોકરોચ લડત સફળ થતાં જ મોદી સરકાર સામે અન્‍ય વિવિધ લડતો અને આંદોલનો આકાર લેવા મંડ્‍યા છે. જો ભાજપ અને સંઘ સમયસર જાગશે નહીં અને ગફલતમાં રહેશે તો આગામી દિવસોમાં અકલ્‍પનીય રાજકીય નુક્‍સાન વેઠવાનો વારો આવશે.

માત્ર પ્રચારને બદલે પરિણામલક્ષી વર્ક જરૂરી છે. ટીમ મોદીમાં ગોઠવાઈ ગયેલાં નેતાઓને કામે લગાડવા જરૂરી છે. રાજ્‍યોમાં પણ માત્ર હા-જી-હા નેતાગીરીથી લોકો ત્રાહીમામ થઇ ગયા છે. નિર્ણાયક શાસન લોકોનો અધિકાર છે. મત મેળવવા માત્ર કાવાદાવા આધારિત પક્ષ બની ગયો છે. લોકહિતના કાર્યો તાકાતથી કરી દેખાડીને લોકપ્રિયતાના મતોથી વટથી ચૂંટાવાની નીતિ અમલમાં મૂકવી પડશે.

(10:30 AM IST)