ભાજપની અવદશાઃ પક્ષમાં જ વિપક્ષ!
ગુજરાતમાં આંતરિક બઘડાટીઃ પદ પર ગોઠવાયેલાનો કોઇ કાબુ નથીઃ પ્રભાવ વગરની સરકારઃ વિપક્ષ માટે શ્રેષ્ઠ માહોલ પણ...
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને સત્તાનો અપચો થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પક્ષનું પોતાનું વજન એટલું વધી ગયું છે કે હવે સંગઠનથી બરાબર ચાલી શકાતું નથી. ભાજપ એક રીતે રાજકીય ઓબેસિટીથી પીડિત બન્યો છે. લોધિકા સંઘની ચૂંટણીથી માંડીને ગાંધીનગરના અંકલેશ્વર ભવન કે કમલમ સુધી આંતરિક અસંતોષ સતત સપાટી પર આવી રહ્યો છે. પક્ષમાં ખુલ્લેઆમ બળવા, ગેરશિસ્ત, અને એકબીજા વિરૂધ્ધ વિપરિત નિવેદનો આપવાની બઘડાટી ચાલી રહી છે.
સૌથી આヘવ્યજનક બાબત એ છે કે આ સ્થિતિ લાંબા સમયથી ચાલી રહી છે છતા દિલ્હી ગોઠવાયેલા ભાજપના મોવડીઓ ગુજરાતના મામલે કોઇ ખાસ રસ લેતા નથી. ભાજપે પોતાની વ્યૂહરચનાથી વિપક્ષ કોંગ્રેસને સાવ નબળી કરી દીધી છે. પરંતુ હવે ખુદ ભાજપના પોતાન જ પક્ષમાં વિરોધીઓ ઉફાણે આવ્યા છે. આ આંતરિક સત્તાકાંક્ષા અને જૂથબંધી પક્ષની આબરૂના ધજાગરા ઉડાડી રહી છે.
સંગઠનમાં વર્ચસ્વનો અભાવ સ્પષ્ટ દેખાય છે. સંગઠનનું કોઈ ઉપજતું નથી અને નેતાઓ કાર્યકરોને સાંભળવા તૈયાર નથી. બીજી તરફ, સરકારમાં પણ એવા નબળા નેતાઓ ગોઠવાયેલા છે કે જેમનો રાજ્ય પર કે પોતાના જ પક્ષ પર કોઈ કાબૂ દેખાતો નથી.
દરરોજ નવી નવી યોજનાઓ અને પ્રસિધ્ધિમાં મોટા દાવો કરીને વાહવાહી મેળવવાનો પ્રયાસ થાય છે. પરંતુ વાસ્તવિકતામાં આ નેતાઓ વહીવટી કે રાજકીય સ્તરે કંઈ ઉકાળી શકતા નથી. નીતિગત નિર્ણયો હોય કે સામાન્ય તંત્ર પરની પકડ, સરકારમાં પ્રભાવનો ભારે અભાવ જોવા મળે છે.
કોઈપણ લોકશાહીમાં શાસક પક્ષની આવી અવદશા થાય ત્યારે તે વિપક્ષ માટે શ્રેષ્ઠ માહોલ ગણાય. પરંતુ ગુજરાતની મોટી કમનસીબી એ છે કે, શાસક પક્ષ અને સરકારના નબળા નેતાઓ કરતા પણ વધારે નબળા નેતાઓ વિપક્ષમાં બિરાજમાન છે. કોંગ્રેસ, આપ કે કટાયેલી તલવાર લઇને વારંવાર મેદાનમાં આવતા શંકરસિંહ..વિપક્ષ નેતા કે નીતિ વગરનો નિરાધાર છે.
કોંગ્રેસ કે અન્ય વિપક્ષી દળો આ સ્થિતિનો રાજકીય લાભ લેવામાં સાવ નિષ્ફળ નિવડ્યા છે. પરિણામે, ગુજરાતી મતદારો સામે ભારે વિચિત્ર સ્થિતિ સર્જાઈ છે. એક તરફ ભાજપની આંતરિક ખેંચતાણ અને નબળું શાસન છે, તો બીજી તરફ વિકલ્પ તરીકે સક્ષમ વિપક્ષનો અભાવ છે. પરિણામે જનતા મજબૂરી અને અસમંજસ વચ્ચે પીસાઈ રહી છે. રાજ્યમાં ધારાસભાની ચૂંટણીના પાસા ગોઠવાઇ રહ્યા છે. ગુજરાતીઓએ નેતાઓ અને નેતીઓ સમક્ષ મુજરા કરવાને બદલે આકરા સવાલો ઉઠાવતા શીખવું પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
