હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
UPI બોજ નાનો, ફોજ મોટી!
કોઇ સેવા સતત મફત મળે તેવી વૃતિ યોગ્ય નથીઃ યુપીઆઇ પર ચાર્જની ઘોષણા થતા વિરોધીઓનું પ્રચંડ આક્રમણઃ ભાજપના પ્રવકતાઓ તથા સોશિયલ મીડિયા ટીમ વામણા સાબિત થઇ રહ્યા છે
દેશમાં ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર UPI સેવા પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ કરવાની તાજેતરની ઘોષણા બાદ દેશના રાજકારણમાં અને સોશિયલ મીડિયા પર મોટો વિવાદ ઊભો થયો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ૧૫ ઓક્ટોબરથી રૂ.૨,૦૦૦થી વધુના મર્ચન્ટ વ્યવહારો પર ૦.૪% ચાર્જ,મહત્તમ રૂ. ૩૦૦વસૂલવાની જાહેરાત કરવામાં આવી છે. સરકાર અને આરબીઆઈનું સ્પષ્ટ કહેવું છે કે મફત સેવાઓ અનંતકાળ સુધી શકય નથી. આ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વર સિકયોરિટી અને ટેકનોલોજીને જાળવી રાખવા માટેનો બોજ હવે નાનો છે, પણ તેનાથી લાભ મેળવતી ઉપયોગકર્તાઓની સંખ્યા ખૂબ મોટી છે. જો કે સૌથી મોટી ફોજ આવી બાબતોમાં વિવાદ અને અફવા ફેલાવનારાની છે.
કોઈપણ સેવા કાયમ માટે મફત મળે તેવી વળત્તિ લાંબા ગાળે દેશના અર્થતંત્ર માટે યોગ્ય નથી. સામાન્ય નાગરિકો માટે વ્યક્તિથી વ્યક્તિ ટ્રાન્સફર સાવ મફત જ રહેશે અને નાના વેપારીઓને પણ આમાંથી મુક્તિ અપાઈ છે. છતાં, વિરોધ પક્ષો અને નીતિ-આલોચકોએ આ નિર્ણય સામે પ્રચંડ આક્રમણ શરૂ કરી દીધું છે. વિપક્ષો આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર આડકતરી રીતે સામાન્ય જનતા અને દુકાનદારો પર મોંઘવારીનો બોજ ઝીંકી રહી છે, કારણ કે વેપારીઓ કિંમતો વધારીને કે ડિસ્કાઉન્ટ ઘટાડીને આ ખર્ચ ગ્રાહકો પર નાખશે.
આ આક્રમક ઘેરાબંધી સામે શાસક પક્ષ ભાજપના પ્રવક્તાઓ અને સોશિયલ મીડિયા ટીમ વામણા સાબિત થઈ રહ્યા છે. વિરોધીઓ દ્વારા ફેલાવવામાં આવી રહેલા ભ્રમ અને અફવાઓનો યોગ્ય કે તાર્કિક જવાબ આપવામાં શાસક પક્ષની ડિજિટલ વિંગ નિષ્ફળ રહી છે. ભાજપના પ્રવક્તાઓ જનતાને એ સમજાવવામાં નિષ્ફળ નીવડ્યા છે કે આ ચાર્જ સામાન્ય ગ્રાહકો માટે નથી પરંતુ માત્ર મોટા વેપારી વ્યવહારો માટે છે.
નવા નિયમો મુજબ રૂ.૩,૦૦૦ની ખરીદી પર રૂ. ૧૨, રૂ. ૫૦,૦૦૦ની ખરીદી પર રૂ.૨૦૦ અને રૂ.૭૫,૦૦૦ કે તેથી વધુ પર મહત્તમ રૂ. ૩૦૦ ચાર્જ લાગશે. રેલ્વે, કેશ/ઈંધણ, ઈન્સ્યોરન્સ અને શેરબજાર માટે રાહત દર રખાયા છે. જોકે, ભાજપ આ ટેકનિકલ બાબતો અને સાચા તથ્યોને જનતા સમક્ષ યોગ્ય રીતે રજૂ કરવામાં અસમર્થ રહ્યો છે. પરિણામે, વિરોધીઓનો હોબાળો વધારે જોર પકડી રહ્યો છે. Digital Indiaના મજબૂત ભવિષ્ય માટે આ સુધારો જરૂરી હોવા છતાં, રાજકીય મોરચે યોગ્ય બચાવના અભાવે આ મુદ્દો સરકાર માટે મોટી માથાકૂટ સાબિત થઈ રહ્યો છે.
દાન ચોરી, કોકરોચથી માંડીને તાજેતરના વિવાદોનો અભ્યાસ કરો તો ભાજપનું અને સરકારનું પ્રચાર તંત્ર ખૂબ જ નબળું સાબિત થયું છે. ભાજપી પ્રચારકો અને સોશિયલ મીડિયાની જવાબદારી સંભાળનારા પક્ષના લોકો પક્ષ કે સરકારની વાત- વિચાર રજૂ કરવાને બદલે વ્યક્તિગત બ્રાન્ડિંગમાં વધારે સક્રિય હોય છે. આ ઉપરાંત પ્રવક્તાઓને મુદા કે સ્થિતિનો પૂરો અભ્યાસ પણ હોતો નથી. આ કારણોથી ભાજપ સરકાર અને પક્ષની આભાની ચમક ઝાંખી પડી રહી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
