<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

વિપક્ષ જોરમાં: શાસક તોરમાં..

રામલીલા મેદાનમાં રાજકીય લીલાઃ ઇન્‍ડિયા મોરચાની મહારેલી સામે ભાજપનો આલાપઃ દિવાળી પૂર્વે રાજકીય તડાફડી, રોમાંચક માહોલ

દિપાવલીના માહોલમાં માર્કેટમાં આર્થિક મંદી દેખાતી હોવાના અહેવાલો આવે છે. મોંઘવારીના માહોલમાં ગ્રાહક ખરીદી કરતા અચકાઇ રહ્યો છે. આ માહોલમાં રાજકીય ક્ષેત્ર એવું છે કે, ત્‍યાં ફૂલ તેજી ચાલે છે. દિલ્‍હીમાં શાસક -વિપક્ષ વચ્‍ચે સતત તડાફડી ચાલી રહી છે, જે રોમાંચક અને મનોરંજક બની  છે. દિલ્‍હીનું ઐતિહાસિક રામલીલા મેદાન વધુ એકવાર દેશના રાજકીય ઘમાસાણનું ગવાહ બન્‍યું છે. ઇન્‍ડિયા મોરચા દ્વારા યોજાયેલી આ મહારેલીમાં વિપક્ષી નેતાઓએ કેન્‍દ્ર સરકાર પર પ્રહારો કરતા સ્‍પષ્ટ હુંકાર કર્યો કે,‘‘જો લોકશાહી બચાવવી હશે તો મોદીને હટાવવા જ પડશે!'' આ નારા સાથે જ રાજકારણનું તાપમાન અચાનક વધી ગયું છે. રેલીમાં વિપક્ષી નેતાઓએ દેશની લોકશાહી અને બંધારણીય સંસ્‍થાઓ જોખમમાં હોવાનો દાવો કરી જનતાને એક થવા આહવાન કર્યું હતું, જે દર્શાવે છે કે વિપક્ષ જોરમાં છે અને તે હવે આક્રમક મૂડમાં ચૂંટણીના રણે ચડ્‍યો છે.

વિપક્ષના આ શક્‍તિ પ્રદર્શન સામે શાસક તોરમાં રહેલી ભાજપે પણ વળતો પ્રહાર કરવામાં કોઈ કસર છોડી નથી. ભાજપે આ મહારેલીને માત્ર સ્‍વાર્થી નેતાઓનું મિલન અને દિશાહીન કવાયત ગણાવી છે. શાસક પક્ષનું સ્‍પષ્ટ માનવું છે કે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના નેતળત્‍વમાં દેશે  જે વિકાસ કર્યો છે, રોજગારી અને મજબૂતી મેળવી છે. વિપક્ષના  પાયાવિહોણા આક્ષેપો ટકી શકવાના નથી. આ સામસામેના હુમલાઓથી દિલ્‍હીમાં રાજકીય લીલાના અવનવા દ્રશ્‍યો જોવા મળ્‍યા, જ્‍યાં નેતાઓની નિવેદનબાજીએ વાતાવરણને ગરમાવી દીધું છે.

ઇન્‍ડિયા મોરચાની મહારેલી સામે ભાજપનો આલાપ સતત ગુંજી રહ્યો  છે.  આ વાદ-વિવાદે દિવાળી પૂર્વે રાજકીય તડાફડી અને રોમાંચક માહોલ સર્જર્યો છે. તહેવારોની ખુશીઓ વચ્‍ચે ચાલી રહેલા આ રાજકીય નિવેદન યુદ્ધે આગામી સમયના રાજકીય સમીકરણોને અત્‍યંત રસપ્રદ બનાવી દીધા છે. જનતા માટે પણ આ રાજકીય ખેલ હવે કુતૂહલનો વિષય બન્‍યો છે.

 શાસક -વિપક્ષના સામસામા મોરચા મંડાયા છે. કોંગ્રેસ સીંદરી બોમ્‍બ ફોડે છે, સામે ભાજપ રોકેટ છોડે છે. કોંગ્રેસની મોટી સમસ્‍યા એ છે કે, વિરોધ સતત કરે છે, પણ ચૂંટણીઓમાં વિશેષ દેખાવ કરી શકતી નથી. જો કે, રાજકીય સમીક્ષકો કહે છે કે, હવે કોંગ્રેસ ગંભીર બની છે, ચૂંટણી પરિણામોમાં અસર કરે તેવી રણનીતિ ઘડી છે. હવે એ જોવાનું રહેશે કે કોના ફટાકડાં ફૂટે છે અને કોના ફટાકડાં સૂરસૂરિયા થઇ જાય છે.

(10:33 AM IST)