News of Tuesday, 3rd November 2026
દારૂમાં બરબાદ થયેલા સામે નજર કરો..
દારૂબંધી દૂર કરવાના નિવેદનો ફટકારી દેનારા સમાજની બીજી બાજુ પણ જુએઃ દારૂબંધી અતિ કડક કરવા સરકારને ફરજ પાડવી એ શ્રેષ્ઠ વિકલ્પ છેઃ ત્રેવડ હોય તો સરકાર સામે પડો...
રાજકોટની એક હોટેલમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ ઝડપાયાની ઘટના બાદ ઘણાંના પગ નીચે રેલા આવી ગયા હોય તેમ લાગે છે. પોતાની જાતને સુધરેલા અને બૌધિક માનનારા લોકો દારૂબંધી દૂર કરવા કાઉકા નાખવા લાગ્યા છે. રાજ્યમાં દારૂબંધીને લઈને ફરી એકવાર ગરમાગરમ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
હાઇપ્રોફાઈલ પાર્ટીની ઘટનામાં ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને વ્યાપારીઓ સહિતના અગ્રણીઓ સંડોવાયેલા હોવાની ચર્ચાઓએ સમાજમાં ચિંતાની લાગણી ફેલાવી છે. આ પ્રકારની ઘટનાઓ પછી અમુક વર્ગ દ્વારા દારૂબંધી હટાવવા કે તેને અવ્યવહારૂ ગણાવવાના નિવેદનો ફટકારવામાં આવે છે. જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને સમાજને ગેરમાર્ગે દોરનારા છે. મોટાભાગના અંગત સ્વાર્થ માટે વગર વિચાર્યે નિવેદનો ફટકારી દે છે. મીડિયા પણ ન્યુઝ સેન્સ તડકે મૂકીને આવા તત્વોને ચમકાવી દે છે.
આવા નિવેદનો આપનારાઓએ દારૂબંધીના વિરોધમાં અવાજ ઉઠાવતા પહેલા સમાજની બીજી બાજુ પર પણ નજર નાખવી જોઈએ. દારૂના દૂષણને કારણે કેટલાયે પરિવારો બરબાદ થઈ ગયા છે, માસૂમ બાળકોના ભવિષ્ય રોળાયા છે અને અનેક ઘર પાયમાલ થઈ ગયા છે. નશાની લતે ચડેલા યુવાનો પોતાના પરિવારની સાથે-સાથે આર્થિક અને સામાજિક સ્તરે પણ સંપૂર્ણપણે ધોવાઈ જાય છે. આ વિનાશક વાસ્તવિકતા આંખ આડા કાન કરવા જેવી નથી. હીટ એન્ડ રનની રોજની જીવલેણ ઘટનાઓમાં મોટાભાગે દારૂડિયા ડ્રાઈવરો જવાબદાર છે.
દૂષણને છાવરવા કે તેને કાયદેસર કરવાના બદલે દારૂબંધીના કાયદાને અતિ કડક બનાવવો અને તેનો સખ્તાઈથી અમલ કરાવવો એ જ સૌથી મોટી જરૂરિયાત છે. સરકારી તંત્ર અને વહીવટી અધિકારીઓએ પણ કડકાઈ દાખવીને અને સમાજ માટે દૂષણ સમા તત્વો સાથે સેટીંગના બદલે આવા નશાના અડ્ડાઓ અને મહેફિલ ચલાવનારાઓ સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરે તે અનિવાર્ય છે.
સમાજના આગેવાનો, યુવાનો અને દરેક નાગરિક દારૂ જેવા નશાના અભિશાપ સામે એક થઈને લડે. કાયદાની છટકબારીઓ બંધ કરીને અને દારૂબંધીને અતિ કડક બનાવીને જ ગુજરાતના યુવાનો અને ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત કરી શકાય છે. ઘણાં નાસમજો દલીલ કરે છે કે, દારૂબંધી દૂર થાય તો લઠ્ઠાકાંડ અટકે અને દારૂ શુદ્ધ અને સસ્તો મળે. આવા કહેવાતા આગેવાનોને દારૂમાં ભેળસેળની ચિંતા થાય છે, દૂધ સહિતની ખાદ્ય સામગ્રીમાં ભેળસેળની ચિંતા નથી. સમાજે દારૂને પ્રાથમિક્તા આપવાની હોય કે દૂધને? નશાની ખુલ્લેઆમ તરફેણ કરનાર બની બેઠેલા આગેવાનો સમાજને બરબાદ કરી રહ્યા છે. આગેવાનોમાં ત્રેવડ હોય તો દારૂબંધી અતિ કડક કરવા સરકાર સામે જંગ છેડવો જોઈએ. ગિફ્ટ સિટીમાં પણ દારૂ પૂર્ણ પણે પ્રતિબંધિત થવો જોઈએ. સરકાર સામે પડવાની ત્રેવડ છે?
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
