Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

આગામી 10 ડિસેમ્બરથી યોજાનાર GTUની પરીક્ષા મોકૂફ : નવી તારીખો હવે જાહેર કરાશે

અમદાવાદ : ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીની (GTU)વિન્ટર એકઝામ આગામી 10 ડિસેમ્બરથી યોજાવાની છે પરંતુ હવે આ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. GTUએ પરીક્ષા મોકૂફનો સર્ક્યુલર જાહેર કર્યો છે.
  કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને તેવામાં વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હતા જ અને તેમાંય ઓનલાઇન પરીક્ષા લેવાશે કે ઓફલાઇન તે સવાલ પણ વિદ્યાર્થીઓને સતાવી રહ્યો હતો. ગુજરાત ટેક્નોલોજીકલ યુની.ની પરીક્ષા મામલે એસોસિએશન ઓફ ગુજરાત એન્જીનિયરિંગ એન્ડ ટેક્નોલોજીકલ ડિપ્લોમા કોલેજીસ દ્વારા ઓનલાઇન પરીક્ષા યોજવા રજુઆત કરાઈ હતી. ઓનલાઇન પરીક્ષા યોજવા અલગ અલગ તર્ક રજૂ કરાયા હતા.
  એસોસિએશનના અગ્રણી જીતુભાઇ ઉપાધ્યાયએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અનેક વિદ્યાર્થીઓના ઘરની નજીક કોઈ પરીક્ષા સેન્ટર નથી. સાથે જ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રોકાવવાની પૂરતી વ્યવસ્થા નથી. જેથી વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન પરીક્ષા આપવી અશક્ય બનશે. સરકારની ગાઈડલાઈન મુજબ હોસ્ટેલના એક રૂમમાં એક જ વિદ્યાર્થી રહી શકે છે એવામાં હોસ્ટેલમાં રોકાઈને વિદ્યાર્થી 1 થી 2 મહિના સુધી ચાલનારી પરીક્ષા કેવી રીતે આપી શકશે? તેવા તર્ક સાથે રજુઆત કરાઈ હતી

(9:23 pm IST)