Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

માતાની નસબંધી છતાં મારો જન્મ કેમ? સગીરાની ફરિયાદ

સગીરાએ સિવિલ હોસ્પિટલની સામે ફરિયાદ કરી :માતાનું કુટુંબ નિયોજન ઓપરેશન કરનારી સિવિલ સામે ૧૬ વર્ષની કિશોરીએ ૬.૮૮ લાખના વળતર માટે દાવો

અમદાવાદ,તા.૨ : સિવિલ હોસ્પિટલ સામેના કેસમાં પોતાની માતા સાથે જોડાતા ૧૬ વર્ષની કિશોરીએ દલીલ આપી હતી કે હોસ્પિટલ દ્વારા તેની માતાનું કુટુંબ નિયોજન ઓપરેશન કરવામાં આવ્યું હતું તેમ છતા પોતે વણજોઇતા ગર્ભ તરીકે રહી ગઈ હતી અને જે બાદ માતાએ તેને જન્મ આપ્યો હતો. આ કિસ્સામાં માતાનું કુટુંબ નિયોજન ઓપરેશન કરનાર સિવિલ સામે ૧૬ વર્ષની કિશોરીએ ૬.૮૮ લાખ રુપિયાના વળતર માટે દાવો માંડ્યો છે. માતા અને કિશોરીએ આ દાવો વણજોઈતા બાળકના જન્મ અને તેના ઉછેરને લઈને ક્રયો છે. જોકે કોર્ટે આ કિસ્સામાં જન્મ માટે કોઈ વળતર આપવાનું નથી કહ્યું પરંતુ રાજ્ય સરકારને માતા અને પુત્રી બંનેને રુ. ૨૫૦૦૦ ચૂકવવા આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે આ વળત જ્યોતિના જન્મ માટે નથી પરંતુ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે જ્યોતિના માતા કોકિલાબેનની નસબંધીનું ઓપરેશન તેમની મરજી વિરુદ્ધ ફક્ત તેમના પતિને પૂછીને કરી નાખ્યું હતું તે બાબતે છે.

                 આ કેસની વિગત મુજબ ૨૫ નવેમ્બર ૨૦૦૧ના રોજ કોકિલાબેન અને તેમના પતિએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેઓ હવે પોતાનું પાંચમું સંતાન ઇચ્છી રહ્યા નહોતા જેને લઈને તેમણે એબોર્શન માટે હોસ્પિટલની મુલકાત લીધી હતી. આ દરમિયાન કોકિલાબેનના પતિ સાથે ચર્ચા કરીને ડોક્ટર્સે કુટુંગ નિયોજન સ્કીમ હેઠળ કોકિલાબેનની નસબંધીનું ઓપરેશન કરી નાખ્યું હતું. જોકે અઢી વર્ષ બાદ ફરી કોકિલાબેન પ્રેગ્નેન્ટ થયા અને ૧ નવેમ્બર ૨૦૦૪માં તેમણે જ્યોતિને જન્મ આપ્યો. જે બાદ વર્ષ ૨૦૧૨માં માતા અને પુત્રી બંને સિટિ સિવલ કોર્ટમાં કુટુંબ નિયોજન ઓપરેશન નિષ્ફળ રહેતા વણજોઇતા સંતાન તરીકે બાળકીના જન્મને લઈને કેસ દાખલ કર્યો. કોકિલાબેને કોર્ટને કહ્યું કે જ્યારે તેમનું નસબંધી ઓપરેશન જાણ બહાર જ કરી નાખવામાં આવ્યું છે તે જાણીને તેમને આઘાત લાગ્યો હતો અને તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યા હતા.

(7:47 pm IST)