Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકસાવવા વધુ ૬૫૨ કરોડ ખર્ચાશે : ટંકારામાં નવી પ્રવાસન સુવિધા વિકસાવાશે

વડનગરના વિકાસનો માસ્ટર પ્લાન : મેઘાણી સ્મૃતિ સ્થળોને પ્રવાસન સ્થળ બનાવાશે

રાજકોટ : ઓછી મૂડી - વધુ રોજગાર એ પ્રવાસન ક્ષેત્રની વિશેષતા છે. આ બાબત ધ્યાને રાખી રાજ્યની પ્રવાસન વિવિધતાઓના સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા સ્થાનિક રોજગારને તક આપવા રાજ્ય સરકારે નવી પ્રવાસન નીતિ જાહેર કરેલ છે. ગુજરાતના પ્રવાસન સ્થળોને માત્ર દેશમાં જ નહી પરંતુ, દુનિયામાં પણ ખ્યાતિ મળે તે રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાના માપદંડો સાથે વિકસાવી ગુજરાત ગ્લોબલ ચોઇસ ફોર ટુરીઝમ બને તે દિશામાં કામગીરી શરૂ કરાઇ છે. પ્રવાસનના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા રૂ. ૪૮૮ કરોડની જોગવાઇ બજેટમાં કરાયેલ છે.

ગુજરાતમાં આવનાર પ્રવાસીઓને ગુણવત્તાસભર આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રૂ. ૩૧૫ કરોડની જોગવાઇ.

વડનગર ખાતે આવેલ વિવિધ હેરીટેજ સ્ટ્રકચર, પુરાતત્વીય સ્થળ, જુદા જુદા તળાવો, વિવિધ મંદિરો તેમજ અન્ય પ્રવાસી સુવિધાઓ માટે માસ્ટર પ્લાન બનાવી વિકાસ કામગીરી કરવામાં આવશે.

બુદ્ઘ સરકીટના સ્થાનો જેવા કે દેવની મોરી, ખંભાલીડા, શાણા, સિયોટ, વાલ્મિકીપુર વગેરે  સ્થળો ખાતે પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવશે.

મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મ સ્થળ ટંકારા ખાતે પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવશે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદર ખાતે દેશ વિદેશના પ્રવાસી આવતા હોવાથી કીર્તિ મંદિર, બરડા હિલ વન્યજીવ અભયારણ્ય, પોરબંદર પક્ષી અભયારણ્ય, પોરબંદર બીચ, જાંબુવન ગુફા, સ્વામી વિવેકાનંદ મેમોરીયલ વગેરે સ્થળોને વધુ વિકસાવવામાં આવશે.

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ નિમિતે તેઓ સાથે સંકળાયેલા વિવિધ સ્મૃતિ સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.

હેરિટેજ સ્થળો તથા જુદા જુદા સ્મારકોના થ્રી-ડી પ્રોજેકશન મેપિંગ સાથેનો લાઈટ અને સાઉન્ડ શો માટે રૂ. ૩ કરોડની જોગવાઈ.

બેટ-દ્વારકા, સિયાળ સવાઈ બેટ, સૂર્યનગરી મોઢેરા અને સાપુતારા ખાતે વધુ પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવશે.

દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટરની પ્રતિમાને ખુબજ ટુંકાગાળામાં વિશ્વની સૌથી ઊચી પ્રતિમાના સ્વરૂપે ગ્લોબલ ટુરીસ્ટ ડેસ્ટિનેશન તરીકે નામના મળી છે. વિશ્વના સૌથી પ્રસિદ્ઘ ૧૦૦ પ્રવાસન સ્થળોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ વર્લ્ડ ફેમસ ટાઈમ મેગેઝીન દ્વારા કરવામાં આવેલ છે. શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની ૮મી અજાયબીનો દરજ્જો આપવામાં આવેલ છે.

આવા વિશ્વ પ્રસિદ્ઘ પ્રવાસન સ્થળનો આયોજનબદ્ઘ વિકાસ થાય તે માટે સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરિટીની રચના કરી છે. કેવડીયાના સંકલિત વિકાસમાં જંગલ સફારી, આરોગ્ય વન, એકતા ક્રુઝ, રિવર રાફટીંગ નેવિગેશન ચેનલ, ગરૂડેશ્વર વીયર, હાઇ-લેવલ ગોરા બ્રિજ, બે બસ ટર્મિનસ, ૫૦ હોમ-સ્ટે, એકતા મોલ, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, મીરર મેઝ, કેકટસ ગાર્ડન, એકતા નર્સરી અને ખલવાણી ઈકો-ટુરીઝમની યોજનાઓનો સમાવેશ થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ માટે રૂ. ૬૫૨ કરોડની જોગવાઇ કરાયેલ છે.

(3:56 pm IST)