Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

અમદાવાદમાં કોરોના ધીમો પડ્યો : માઈક્રો કંટેઇન્મેન્ટ વિસ્તારોમાં એકદમ ઘટાડો : આજે 2 વિસ્તાર ઉમેરાયા

કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની અસર

અમદાવાદ: ગુજરાતમાં કોરોના કેસોનો આંકડો ઘટયો છે. આજે 1181 કેસો નોંધાયા છે. તેની સામે અમદાવાદમાં 5 કેસો વધીને આંકડો 168 પર પહોંચ્યો છે.અમદાવાદમાં માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોનો ગ્રાફ એકદમ નીચે જવા પામ્યો છે. આજે માત્ર બે વિસ્તારો માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકાયા છે. છેલ્લાં કેટલાંક દિવસો બાદ આ એકદમ ઘટાડો નોંધાયો છે. બંને વિસ્તારો પશ્ચિમ ઝોનના જ છે. તેમાં ઉત્તર પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનનો એક એક વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં જૂના વાડજ તથા ચાંદલોડિયા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં મૂકાયા છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં આજે અમદાવાદ શહેરમાં 162 માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો અમલમાં હતા. જે પૈકી રોજની માફક વિસ્તુત ચર્ચા વિચારણાંના અંતે 10 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 2 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ 162 વિસ્તારોમાંથી 10 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 152 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 2 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 154 પર પહોંચ્યો છે.

નવા જાહેર થયેલા વિસ્તારોમાં 2 વિસ્તારો માત્ર પશ્ચિમ વિસ્તારના છે. જેમાં જૂના વાડજ તથા ચાંદલોડિયા વિસ્તારોનો સમાવેશ થાય છે. જૂના વાડજ વિસ્તારની શંખેશ્વર સોસાયટીના 24 મકાનોના 105 રહીશો અને ચાંદલોડિયાના સિલ્વર સ્ટાર ફલેટના 16 મકાનોના 65 રહીશો માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકાયા છે. જયારે દૂર કરાયેલા 10 વિસ્તારોમાં ઉત્તર પશ્ચિમ ઝોનના ચાર તથા ઉત્તર અને પશ્ચિમ વિસ્તારના બે બે વિસ્તારો તથા દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ ઝોનના એક એક વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરાયા છે.

ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા આવતીકાલે 12મી ઓક્ટોબરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સર્વેની કામગીરી દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે તેમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે જણાવ્યું છે.

(11:01 pm IST)