Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ઉન્નાવ કાંડ : યુવતીઓના મોત મામલે બે આરોપીની ધરપકડ : આરોપી વિનયે કબૂલ્યો: એકતરફી પ્રેમમાં હત્યા કર્યાનું ખુલ્યું

ફોન નંબર આપવાની ના પાડતા વિનયે તમામ યુવતીઓને પાણીમાં કીટનાશક ભેળવીને પિવડાવ્યુ

ઉન્નાવમાં દલિત પરિવારની બે યુવતીઓના શંકાસ્પદ મોત મામલે ઉત્તરપ્રદેશ પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજી છે. જેમાં ઉન્નાવ કાંડમાં પોલીસે મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે

શુક્રવારે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. આ પહેલા ગુરૂવારે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી. અત્યાર સુધીની પૂછપરછમાં થયેલા ખુલાસાઓ અંગે પોલીસે માહિતી આપી છે. આરોપી વિનયે ગુનો કબૂલ્યો છે.

ઉન્નાવના ડીએમ રવિન્દ્ર કુમારે કહ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતક યુવતીઓના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની સહાય આપવાનું એલાન કર્યું છે. ત્યારે ઇજાગ્રસ્ત યુવતીને 2 લાખ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. યુવતીની સારવાર મુખ્યમંત્રી સહાયતા ફંડથી મફત થશે.

ત્યારે લખનૌ રેન્જના આઇજી લક્ષમીસિંહે મોટો ખુલાસો કરતા કહ્યું કે, આ હત્યાના સાચા કારણોની જાણ થઇ ગઇ છે. ધરપકડ કરાયેલા બે શખ્સોમાંથી એકનું નામ વિનય છે. આરોપી વિનયની એક યુવતી સાથે મિત્રતા હતી. વિનયે પૂછપરછમાં જણાવ્યું કે તે એક યુવતી સાથે પ્રેમ કરતો હતો. તે યુવતીનો મોબાઇલ નંબર માંગ્યો હતો. પરંતુ તેણે ફોન નંબર આપવાની ના પાડી દીધી હતી.

વિનય આ વાતને લઇને ખુબ જ નારાજ થઇ ગયો હતો. જ્યાર બાદ તેમણે તમામ યુવતીઓને પાણીમાં કીટનાશક ભેળવીને પિવડાવ્યુ હતું. ફૉરેન્સિક ટીમને ઘટના સ્થળે કીટનાશકની બોટલ મળી હતી. બીજો આરોપી વિનયનો મિત્ર છે. જેમણે સમગ્ર ઘટનાક્રમમાં તેની મદદ કરી હતી. તે સગીર છે.

લખનૌ રેન્જના આઈજી લક્ષમીસિંહ, ઉન્નાવના એસપી આનંદ કુલકર્ણી, ડીએમ ઉન્નાવ રવિન્દ્ર કુમારે મીડિયા સાથે વાતચીત કરતા આ મહત્વપૂર્ણ વાત કરી છે.

(8:50 pm IST)