Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

અમદાવાદ વટવાના ભાજપ કાર્યકર બની ફરતા ગોપાલ મહેરીયાએ જાહેરમાં ફાયરિંગ કર્યાનો વીડિયો વાયરલ થયાના ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી લીધો : અન્ય કોઇની સંડોવણી છે કે નહીં ? તપાસનો ધમધમાટ

અમદાવાદ::શહેરમાં એક પછી એક ફાયરિંગની ઘટનાના વીડીયો સામે આવી રહ્યા છે. વટવામાં ભાજપ કાર્યકર બની ફરતા ગોપાલ મહેરીયાએ જાહેરમાં ફાયરિંગ કર્યાનો વીડિયો વાયરલ થયાના ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. ગોપાલ સાથે અન્ય કોણ સડોવાયેલું તેની પોલીસ તપાસ કરી રહી છે. 

અમદાવાદ શહેરમાં સેટેલાઈટમાં જાહેરમાં પિસ્ટલ બતાવવાની અને દાણીલીમડા, મેઘાણીનાગર, બાપુનગરમાં જાહેરમાં ફાયરિંગ થયાના વીડિયો વાયરલ થયા હતા. તમામ આરોપીઓને ઝડપી પોલીસે કડક કાર્યવાહી કરી હતી. આ દરમિયાનમાં વટવામાં ગોપાલ મહેરીયા નામના શખ્સનો જાહેરમાં ફાયરિંગ કરતો વીડીયો વાયરલ થયો હતો.

ડીસીપી ઝોન 7 અને ઇન્ચાર્જ ડીસીપી ઝોન 6 પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, અમે આરોપી ગોપાલ મહેરીયાને ઝડપી લીધો છે. ગોપાલ દીપાવલીના તહેવારમાં એરગનથી ફાયરિંગ કર્યું હતું. ગોપાલ સાથે અન્ય કોણ સંડોવાયેલું છે તે મામલે તપાસ ચાલી રહી છે. ગોપાલ મહેરીયા કોઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલો છે કે નહીં તે બાબત સ્પષ્ટ નથી. અમે આરોપીની પૂછપરછ કરી રહ્યા છે.

વટવા પોલીસે ગોપાલ મહેરીયા વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. ફાયરિંગ સમયે હાજર વ્યક્તિ અને વીડિયો બનાવના તમામ લોકોની અંગે પોલીસ તપાસ કરશે. 

અમદાવાદ શહેરમાં ફાયરિંગ કરવાના અને પિસ્ટલ બતાવવાની આ 5મી ઘટના પ્રકાશમાં આવી છે. તમામ બનાવોમાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે. બે દિવસ અગાઉ એસજી હાઇવે પર પિસ્ટલ બતાવતા શખ્સનો વીડિયો વાયરલ થયો હતો. ક્રાઇમબ્રાન્ચએ આ મામલે સાહીલ જીતેન્દ્ર ભરવાડ અને હરદેવસિંહ દેવીસિંહ વાળાની ધરપકડ કરી હતી.

(5:13 pm IST)