Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

હવે ઘઉંમાં કવીન્ટલે રૂ.૨૦૦ થી ૨૫૦નો ધરખમ ઉછાળો

સપ્તાહ પહેલા કવીન્ટલે રૂ.૧૬૯૦ હતા, જે વધીને રૂ.૧૯૫૦એ પહોંચી ગયાઃ બેકરી, નમકીનની પ્રોડકટ મોંઘી બનશેઃ ગરીબ અને મધ્યમ વર્ગનો મરો

રાજકોટ, તા.૨૦: દિવસેને દિવસે મોંઘવારીનો રાક્ષસ ધુણી રહ્યો છે. જીવનજરૂરી ચીજ-વસ્તુઓમાં બેફામ ઉછાળો આવતા ગરીબ અને મધ્યમ વર્ગ મુસીબતમાં મુકાઈ ગયું છે. તેલ, મરચા સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ બાદ હવે ઘઉંમાં પણ રૂ.૨૦૦ થી રૂ.૨૫૦નો ધરખમ ઉછાળો આવ્યો છે.

જાણકારો એવું કહે છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ઘઉંની શોર્ટેજ જોવા મળતી હોય છે. જેના પરીણામ સ્વરૂપે ઘઉંના ભાવમાં વધારો થતો હોય છે. નિકાસ પણ એક કારણ છે.

હજુ એક સપ્તાહ પહેલા ઘઉંમાં કવીન્ટલે રૂ.૧૬૯૦ ભાવ હતો. જે આજે વધીને રૂ.૧૯૫૦એ પહોંચી ગયો છે. હજુ ભાવમાં વધારો આવશે. તેમ જાણકારોનું માનવું છે. ઘઉંના ભાવ વધવાથી ગરીબ અને મધ્યમ વર્ગને ફટકો લાગશે.

 આ ઉપરાંત બેકરી પ્રોડકટની સાથોસાથ મેંદાથી બનતી નમકીન આઈટમોમાં પણ મોંઘી બનશે. જે સિધો ગ્રાહકો ઉપર ઝીંકાશે. તેલ, ઘીના ભાવોમાં વધારો થતાં હોટલવાળા, રેસ્ટોરન્ટવાળા મુશ્કેલીમાં તો હતાં જ હવે ઘઉંમાં પણ ભાવ આસમાને પહોંચતા પરેશાનીમાં વધારો થતો છે.

(3:52 pm IST)