Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

અમદાવાદમાં નવરાત્રીના પ્રથમ દિવસે ભદ્રકાલી માતાજીના મંદિરે દર્શને ભાવિકોઃ ચૂંદડી-શ્રીફળ ધરવાની મનાઇઃ સોશ્યલ ડિસ્ટન્સનો અમલ

અમદાવાદ : આજથી નવરાત્રીનો શુભારંભ થયો છે. કોરોના કાળમાં માતાના મંદિરો ખુલ્લા છે એ જ ભકતો માટે સૌથી મોટી ભેટ છે. ગુજરાતમાં અનેક મંદિરો આજે ખુલ્લા હોવાથી નવરાત્રીના પહેલા જ દિવસે મોટી સંખ્યામાં ભકતો મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા છે. જો કે કેટલાક મંદિરો બંધ હોવાથી ભકતો નિરાશ પણ થયા છે. અમદાવાદનું પ્રસિધ્ધ નગરદેવી ભદ્રકાળીનું મંદિર ખુલ્લુ હોવાથી મોટી સંખ્યામાં ભકતો માતાના દરબારમાં પહોંચ્યા છે. માંના દર્શને મોટી સંખ્યામાં ભકતો ઉમટયા છે. માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને લોકો દર્શન કરી રહ્યા છે. તો સુપ્રિમ કોર્ટ જસ્ટીસ એમ. આર. શાહે પણ આજે ભદ્રકાળી માતાના દર્શન કર્યા હતાં. તો શકિતપીઠ અંબાજી મંદિર પણ ભકતો માટે  તો શકિતપીઠ અંબાજી મંદિર પણ ભકતો માટે ખુલ્લુ છે. કોરોનાને કારણે મંદિરોમાં દર્શન માટેના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે ખેડબ્રહ્મામાં અંબિકા માતાજીના મંદિરમાં શુભ મુર્હુતમાં ઘટ સ્થાનપના કરવામાં આવી હતી. માતાજીનું મંદિર ભકતોના દર્શન માટે ખુલ્લું રહેશે. તો અહીં ભકતો સોશ્યલ મીડિયામાં ફેસબુક અને યુટીમાં પણ ઘેર બેઠા માતાજીના દર્શન કરી શકશે. અંબિકા માતાજી મંદિરના ચોકમાં ગરબા નહિ યોજાય, માત્ર માતાજીની આરતી જ કરાશે તેવો મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે.

પાટણના વરાણા ખોડીયાર માતાજીનું મંદિર નવરાત્રીના પ્રથમ દિવસથી ખુલ્લું રખાયું છે. ભકતો માટે માત્ર દર્શન પુરતું મંદિર ખુલ્લું રખાયું છે. જયાં સરકારી ગાઇડલાઇનના નિયમોનો પાલન કરીને ભકતોને એન્ટ્રી આપવામાં આવી રહી છે. જો કે વરાણા મંદિર તરફથી રહેવા જમવા અને પ્રસાદની સુવિધા બંધ કરાઇ છે. સાથે જ પ્રસાદ, નાળિયેર અને ચૂંદડી લઇ મંદિર આવવા પર પ્રતિબંધ મૂકાયો છે. નાળિયેર અને ચૂંદડી ચઢાવવા ગેટ બહાર અલગથી વ્યવસ્થા કરાઇ છે.

આજે નવલી નવરાત્રીના પ્રથમ દિવસે અંબાનિકેતન મંદિર પર ભકતોજનોની ભીડ જોવા મળી છે. મંદિરના પ૦ વર્ષના ઇતિહાસમાં આજે ભકતો માટે દર્શન બંધ રખાયા છે, જોકે, મંદિરની બહાર એલઇડી મૂકવામાં આવી છે. ભકતોજનોમાં માતાના દર્શન ન થવાના કારણે નિરાશા થયા છે.

(5:45 pm IST)