Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

સુરત આરટીઓ ભ્રષ્ટાચાર મુદ્દે સામે એસીબી તપાસની માંગ

ફરિયાદીના નામ સરનામા ખોટા તેમ છતાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છેઃ ડી.કે. ચાવડા

 રાજકોટઃ સુરતના કતારગામમાં રહેતા ફરીયાદીએ રાજયના મુખ્યમંત્રી, વિજિલન્સ કમિશનર, વાહન વ્યવહાર મંત્રી અને વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવને પત્ર લખી સુરત આરટીઓમાં ડ્રાયવિંગ ટેસ્ટ વિના લાયસન્સ ઇશ્યુ કરવામાં આવ્યા છે તેવી ગંભીર ફરીયાદ કરી છે.

આરટીઓના ચોક્કસ અધિકારી અને ટાઉટોના નામ જોગ આ ફરીયાદ કરવામાં આવી છે. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે લાયસન્સની કામગીરી સંભાળતા અધિકારી વતી ટાઉટોએ ૩૦૦૦ રૂપિયાથી લઇ ૧૦૦૦૦ રૂપિયા વસુલી ૪૩ જેટલા વાહન ચાલકોને હાથોહાથ લાયસન્સ આપ્યા છે.

૪૩ વાહન માલિકોના એપ્લીકેશન નંબર, હેન્ડ ટુ હેન્ડ લાયસન્સ આપવાની તારીખ, ડીસ્પેચ તારીખ, ડીસ્પેચ કોડ અને એજન્ટોના નામ સાથે આ ફરીયાદ કરવામાં આવી છે. ફરીયાદમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

ફરીયાદમાં લખવામાં આવ્યું છે કે લાયસન્સ વાહન ચાલકને મોકલવા માટે સરકારે પોસ્ટ વિભાગને લાયસન્સ દીઠ રૂ. ૨૫ ચૂકવવાનો કરાર કર્યો હોવા છતાં સુરત આરટીઓના ટાઉટો હેન્ડ ટુ હેન્ડ લાયસન્સ આપવાના ૧૦૦૦ રૂપિયા વસૂલી રહ્યા છે.

અરજદારે આરટીઓના ચોક્કસ અધિકારી અને ટાઉટોના મોબાઇલ ડેટાના આધારે તપાસ કરવા પણ માગ કરી છે. જે લાયસન્સ પોસ્ટ ખાતામાં ડિસ્પેચ લેવલ બતાવે છે તે લાયસન્સ અરજદારોને હાથોહાથ મળી ગયા છે.

આ આખા કૌભાંડમાં આરટીઓના અધિકારી અને ટાઉટોના મેળાપીપણાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. એક તરફ સરકાર વાહન માલિકો આરટીઓમાં ન આવે તે માટે મોટા ભાગની કામગીરી ઓનલાઇન કરી રહી છે, બીજી તરફ અધિકારીઓ હેન્ડ ટુ હેન્ડ લાયસન્સના નામે અરજદારોને બોલાવી રહ્યા છે.

આ કૌભાંડમાં ભૂતકાળમાં બોગસ લાયસન્સ બનાવવાના મામલામાં જેલમાં જઇ આવેલા ટાઉટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજદારે છેલ્લા બે વર્ષમાં ચાર કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ મુકયો છે અને એસીબી તપાસની માગ કરી છે. ૨૦૧૩ પછી સુરત આરટીઓમાં એસીબીની એક પણ રેડ કરવામાં આવી નથી તે બાબત પણ ઉલ્લેખનીય બને છે. અરજદારે સુરતના ઇન્ચાર્જ આરટીઓ ડી.કે. ચાવડા અને અન્ય એક ઇન્સ્પેકટર સામે પણ ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા છે.

ફરીયાદ મળતા એઆરટીઓ પટેલને તપાસ સોંપી છેઃ  ડી. કે. ચાવડા

 સુરતના ઇન્ચાર્જ આરટીઓ ડી.કે. ચાવડાએ જણાવ્યું હતું કે સુરત આરટીઓમાં હાથોહાથ લાયસન્સ આપવામાં આવ્યા હોવાની એક નનામી અરજી મળી છે. અરજદારનું જે નામ સરનામું લખ્યું છે તે અરજદારે ફરીયાદ કરી નથી તેમ છતાં ફરિયાદમાં ગંભીર પ્રકારનો આક્ષેપ હોવાથી એઆરટીઓ પટેલને તપાસ સોંપવામાં આવી છે.

તપાસ દરમિયાન ફરીયાદમાં કંઇક પણ ખોટું જણાશે તો કસૂરવારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદમાં ૪૩ અરજદારોનો જે ડેટા આપવામાં આવ્યો છે તે તમામ ડેટાની ખરાઇ કરવામાં આવી રહી છે. વડી કચેરીને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.

(3:21 pm IST)