Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

બપોરે ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ: ગિરિકન્દ્રા તરબોળ

સાપુતારા તળેટીના નાળા, ચેકડેમો છલકાય ઉઠતા અંબીકા નદીમાં પણ નવા નીર ઉમેરાયા

સાપુતારા : ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં આજે બપોરે 2 વાગ્યાના અરસામાં ભારે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસી પડતા ગિરિકન્દ્રા પાણીથી તરબોળ થઈ ગઈ હતી.

   બપોરે એકાએક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય જતા વિજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ પડ્યો હતો. સાપુતારા સહિત તળેટીના માલેગામ, જોગબારી, સામગાહન જેવા વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં ઉભા પાક ડાંગર, વરાઈ, અડદ સહિત શાકભાજીને વ્યાપક નુકશાન થયાની સંભાવના ઉભી થવા પામી હતી.

 જ્યારે ગિરિમથક સાપુતારાના સર્પગંગા સરોવર ખાતે આવેલ હનુમાનજી મંદિર પાસેની દીવાલ તૂટી પડતા નુકસાન થવા પામ્યું હતું. ભારે વરસાદને પગલે થોડા સમય માટે વીજ પુરવઠો ખંડિત થયો હતો. જ્યારે સાપુતારા તળેટીના નાળા, ચેકડેમો છલકાય ઉઠતા અંબીકા નદીમાં પણ નવા નીર ઉમેરાતા ખળખળ વહેતી થઈ હતી. બુધવારે બપોરે 2 થી 4 દરમિયાન સાપુતારા ખાતે 25 mm વરસાદ નોંધાયો હતો. આ લખાય છે ત્યાં સુધી જિલ્લામાં કોઈ જાનહાનીના અહેવાલ સાંપડી શક્યા ન હતા.

(8:06 pm IST)