Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

આઝાદી બાદ કોંગ્રેસમાં 70 વખત ભાગલાં પડયા: અમિત ચાવડાના કાર્યકાળમાં 20 જેટલા ધારાસભ્યોએ પાર્ટી છોડી

કોંગ્રેસનું તૂટવું,, કોંગ્રેસનું ભાંગવું તે કોઇ નવી ઘટના નથી.:મીડિયા સેલના કન્વીનર પ્રશાંત વાળાનો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને સણસણતો જવાબ

 

અમદાવાદઃ ભાજપ મીડિયા સેલના કન્વીનર પ્રશાંત વાળાએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કરેલા આક્ષેપોનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, સૌ પ્રથમ તો ભાજપ તરફથી કોઇ તોડવા કે ફોડવા જતાં નથી. તમારો આંતરિક વિખવાદ અને જૂથવાદ છે. તેના લીધે એક પછી એક ધારાસભ્યો, નેતાઓ, કાર્યકરો કોંગ્રેસ છોડી રહ્યાં છે.

પ્રદેશ અધ્યક્ષ તરીકે અમિત ચાવડા સદંતર નિષ્ફળ ગયા છે. તેમના કાર્યકાળમાં 8 નહીં 20 જેટલાં કોંગ્રેસના ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી છે. એટલે પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે તે વારંવાર મીડિયા સામે આવી ભાજપ સામે પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યાં છે.

કોંગ્રેસનું તૂટવું,, કોંગ્રેસનું ભાંગવું તે કોઇ નવી ઘટના નથી. 1947થી લઇને આજસુધીમાં કોંગ્રેસના 70 વખત ભાગલા પડયાં છે. એટલે કે કોંગ્રેસના નેતાઓએ અલગ થઇને અત્યારસુધીમાં 70 જેટલી નવી રાજકીય પાર્ટીઓ બનાવી છે. કોંગ્ર્રેસમાં જે પ્રકારની આંતરિક જૂથબંધી છે. અનેક વખત આપણે જોયું છે.

છેલ્લે રાજયસભાની ચૂંટણી વખતે પણ આપણને બધાંને ખબર છે કોંગ્રેસના બીજા ઉમેદવાર તરીકે રાજીવ શુક્લાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ ભરતસિંહભાઇ અને તેની જે ટોળકીએ નારાજગી દર્શાવી અને રાજીનામાં આપવા સુધીની ધમકીઓ આપી. ત્યારે પણ કોંગ્રેસના ધારાસભ્યોએ જાહેરમાં કોંગ્રેસના મોવડીમંડળને ધમકી આપી હતી. છેલ્લી ઘડીએ રાજીવભાઇનું નામ હટાવીને ભરતસિંહભાઇને ટીકિટ આપવામાં આવી હતી. જો તે દિવસે ભરતસિંહભાઇને ટિકીટ આપવામાં આવી ના હોત તો અમિતભાઇ તમે પણ કદાચ આજે કોંગ્રેસમાં ના હોત.

તેમણે કોંગ્રેસ પર ચાબખાં મારતાં કહ્યું હતું કે, ગઇકાલ સુધી જે કોંગ્રેસમાં હતા તેવા સારા અને સંનિષ્ઠ લોકો પર આધાર વગરના, પાયાવિહોણા આક્ષેપો કરી તેમને વગોવવાના બદલે કોંગ્રેસ પોતે આત્મમંથન કરવાની જરૂર છે.

ગુજરાતની આઠે આઠ વિધાનસભાની બેઠકો પર જનતાનો ભાજપને જે રીતેનો પ્રેમ અને પ્રતિસાદ મળી રહ્યો છે તે જોઇ કોંગ્રેસ ડઘાઇ ગઇ છે. વિધાનસભા પેટાચૂંટણીઓમાં કારમા પરાજય બાદ અમિતભાઇનું પ્રમુખપદ પણ ડગમગુ છે. એટલે હાઇ કમાન્ડને ખુશ રાખવા માટે તેમણે વારંવાર આવા નિવેદનો કરવા પડે છે.

(11:27 pm IST)