Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

આરઆર સેલનો સપાટો:વલસાડ શહેરમાં એક ઘરમાંથી રૂ. 1.28 લાખનો દારૂ પકડી પાડ્યો

સુરત આરઆર સેલના હેડકોન્સ્ટેબલ ક્રિપાલસિંહ રામદેવસિંહ, કોન્સ્ટેબલ ઓમપ્રકાશસિંહ રણબહાદુરસિંહ, નવિન સુભાષચંદ્ર, આશિષ માયાભાઇ વગેરેએ મળી દરોડો પાડી ઘરમાંથી 1.28 લાખનો દારૂ પકડી પાડ્યો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ શહેરમાં દારૂની રેલમ છેલ સામે વલસાડ સિટી પોલીસ સુતી રહી હતી. ત્યારે સુરત રેન્જ આઇજી રાજકુમાર પાન્ડિયનની આરઆર સેલની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાં તેમણે શહેરમાં ધમધમતા દારૂના અડ્ડા પર દરોડો પાડી રૂ. 1.28 લાખની કિંમતની દારૂની 426 બોટલો પકડી પાડી હતી.
  સુરત આરઆર સેલના હેડકોન્સ્ટેબલ ક્રિપાલસિંહ રામદેવસિંહ, કોન્સ્ટેબલ ઓમપ્રકાશસિંહ રણબહાદુરસિંહ, નવિન સુભાષચંદ્ર, આશિષ માયાભાઇ વગેરેએ મળી શહેર સિટી પોલીસની મિઠી નિંદર ઉડાવી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. તેમણે વલસાડ શહેરના નાનકવાડા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાં તેમણે રોશન રમેશ કોળી પટેલના ઘરે દરોડો પાડ્યો હતો. તેના ઘરમાંથી પોલીસને દમણથી આવેલી વિવિધ બ્રાન્ડની દારૂની 426 બોટલો કિ. રૂ. 1,28,950 ની મળી આવી હતી. દારૂની આ બોટલો મળતાં તેમણે રમેશ પટેલ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ શહેર વિસ્તારમાં ચાલતા દારૂના આ અડ્ડાથી જાણે સિટી પોલીસ અજાણ હોવાનું જોવા મળ્યું હતુ. અગાઉ પણ રમેશને ત્યાં પોલીસે રેડ કરી હતી. જોકે, ત્યારબાદ તેણે સિટી પોલીસના મેળાપીપણામાં દારુનો મોટો વેપલો શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે તેવી ચર્ચા છે. પોલીસની છત્રછાયા હેઠળ દારૂનો વેપલો ચલાવતા રમેશને આરઆર સેલે પકડી પાડતાં સિટી પોલીસ પર શંકાની સોય તકાઇ રહી છે.

(1:30 pm IST)