Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ગુજરાત હાઈકોર્ટે આપી મોટી રાહત

આચારસંહિતા ભંગની ફરિયાદ ફગાવીઃ ૨૦૧૭નો હતો કેસ

અમદાવાદ, તા.૨૬: ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ગુજરાત હાઇકોર્ટે એક મોટી રાહત આપી છે. પ્રદિપસિંહ જાડેજા વિરુદ્ઘ વર્ષ ૨૦૦૭માં આચારસહિતા ભંગ કરવા બદલ ફરિયાદ નોંધાઇ હતી, જેને હવે હાઈકોર્ટે રદ્દ કરેલ છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે હુકમ કર્યો હતો, જેને પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેના પર આજે સૂનાવણી થતા હાઈકોર્ટે મોટો આદેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૭ના વિધાનસભાની ચૂંટણીમાં આચારસંહિતા ભંગ બદલ અસારવા બેઠકનાં ભાજપનાં તત્કાલીન ઉમેદવાર અને હાલનાં રાજયકક્ષાનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામે લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈ હેઠળ ગુનો નોંધવા માટે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે આદેશ કર્યો હતો. આપને જણાવી દઇએ કે, ૧૧ ડિસેમ્બર અને ૧૬ ડિસેમ્બરનાં રોજ મતદાન યોજાવાનું હોવાથી રાજયમાં આચારસંહિતા લાગુ હતી. નવરાત્રિ દરમિયાન ૧૦ ઓકટોબરના રોજ અસારવા વિસ્તારમાં ગરબાના આયોજન દરમિયાન પ્રદીપસિંહ દ્વારા મુદ્રક અને પ્રકાશકના નામના ઉલ્લેખ વગરની પત્રિકાઓનું વિતરણ કરાવવામાં આવ્યું હતું. જેને કારણે તત્કાલીન શહેર કોંગ્રેસ પ્રમુખ પંકજ શાહે પ્રદીપસિંહ સામે આચારસહિતાનો ભંગની ફરિયાદ કરી હતી.

ચૂંટણી ચાલતી હોવા છતાં અસારવા વિધાનસભા મતવિસ્તારનાં ઉમેદવાર પ્રદિપસિંહ જાડેજાએ નવરાત્રિ ગરબા દરમિયાન તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનાં ફોટા સાથેની પત્રિકાનું વિતરણ કર્યું હતું. જેમા અસારવાના ધારાસભ્યના નામથી આપણું ગુજરાત, આપણું અસારવા નામે સ્લોગન લખ્યું હતું અને તેમા નરેન્દ્ર મોદી અને પ્રદીપસિંહ જાડેજાનો ફોટો પણ હતો. કલેકટરે ગંભીરતાથી નોંધ લઇને અસારવાની ચૂંટણીપંચની કચેરીને કોર્ટમાં અરજી કરવા આદેશ કર્યો હતો. ત્યાર બાદ ૩૦ ડિસેમ્બરે મેટ્રોપોલિટન કોર્ટે પ્રદીપસિંહ જાડેજા સામે ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો હતો.

(3:39 pm IST)