Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

અમદાવાદમાં જાતિ વિષયક શબ્દો ઉચ્ચારવાના કેસમાં અનિલ શ્રીવાસ્તવ અને પૂનમ શ્રીવાસ્તવની આગોતરા જામીન અરજી અમદાવાદની સ્પેશ્યલ કોર્ટે ફગાવી દીધી

અમદાવાદઃ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જાતિવિષયક શબ્દો ઉચ્ચારવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલી ફરિયાદમાં અમદાવાદની સ્પેશ્યલ કોર્ટ દ્વારા બંને આરોપીઓના આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા છે.

અમદાવાદની સ્પેશ્યલ કોર્ટે બંને આરોપી અનિલકુમાર શ્રીવાસ્તવ અને પૂનમ શ્રીવાસ્તવની આગોતરા જામીન અરજી ફગાવતા નોંધ્યું હતું કે બંને આરોપી અને ફરિયાદી એકબીજાના પાડોશી છે અને પ્રાથમિક દ્રષ્ટિએ આવું લાગતું નથી કે આરોપીઓને ફરિયાદીની જાતિ વિશે જાણ ન હતી. ફરિયાદીમાં બંને અરજદારો પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમણે જાતિવિષયક શબ્દોનો ઉપયોગ લર્યો છે. જેથી પ્રાથમિક દ્રષ્ટિએ આરોપીને હાલ આગોતરા જામીન આપી શકાય નહિ.

અરજદાર આરોપીઓના એડવોકેટ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે ફરિયાદી દ્વારા એટ્રોસિટી એકટનો દુરુપયોગ કરી બંને અરજદાર સામે ખોટી ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. બંને અરજદાર દ્વારા કોઈપણ પ્રકારના વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ફરિયાદી અને આરોપી વચ્ચે મૂળ વિવાદ તેમના ઘર વચ્ચે આવેલી દીવાલનો છે જેને ખોટો રંગ આપી દેવામાં આવ્યો હોવાની દલીલ કરી હતી. આ કેસમાં કસ્ટડીયલ તપાસની જરૂર ન હોવાથી આરોપીના આગોતરા જામીન મંજુર કરવામાં આવે.

ફરિયાદી તરફે કોર્ટમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતીકે બંને આરોપીઓ તેને ઘર ખાલી કરાવવા માટે ધમકીઓ આપી રહ્યા છે. આરોપીઓએ તેમને જાતિવિષયક વાંધાજનક શબ્દો કહ્યા છે અને જો આગોતરા જામીન આપવામાં આવે તો ભવિષ્યમાં તેમને નુકસાન પણ પહોંચાડી શકે છે. આ મુદ્દે સરકારી વકીલ સાથે રજૂઆત કરવામાં આવી હતીકે બંને આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટની સેક્શન 3(R)(S) મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જેથી કરીને આગોતરા જામીન ન આપવામાં આવે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે 3 જાન્યુઆરીના રોજ આરોપીઓ દ્વારા ફરિયાદીને જાતિવિષયક વાંધાજનક શબ્દો કહ્યા હોવાના આક્ષેપ પર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

(5:13 pm IST)