Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

માત્ર જામનગર જ નહિ, ઉતર સૌરાષ્ટ્રના ૪૧ ખુંખાર આરોપીઓને છેલ્લા દોઢ માસમાં જેલ ભેગા કરાયા છેઃ આશિષ ભાટિયા

ભૂમાફિયા-ડ્રગ્સ ડીલરો સામે જંગે ચઢેલા મુખ્ય પોલીસ વડા અકિલા સાથેની વાતચીતમાં કહે છે કે સમાજ માટે ખતરારૂપ નાસતા ફરતા ગુન્હેગારો સામેની ઝુંબેશ પરિણામલક્ષી બની છે : ખુનની કોશીષ-ડ્રગ્સ-ધાડ-લૂંટ-સામુહિક બળાત્કાર સહિતના આરોપીઓને વ્યાપક અભિયાન દ્વારા 'જેર' કરાયા છેઃ રાજય સરકાર દ્વારા લોકહિતમાં ઘડાયેલા કાયદાની અમલવારી ગુજરાતભરની પોલીસ નિષ્ઠાથી નિભાવશે તેમા મને કોઇ શંકા નથી

રાજકોટ, તા., ૩૦: વચગાળાના જામીન મેળવી ફરાર થઇ ગયેલા નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ માત્ર જામનગર પુરતી જ મર્યાદીત નથી, અમારી સુચનાનો કડક અમલ આરઆરસેલ તથા રાજકોટ ગ્રામ્ય, દેવભુમી દ્વારકા, સુરેન્દ્રનગર અને જામનગર જીલ્લા પોલીસ દ્વારા છેલ્લા દોઢ માસથી થઇ રહયો છે. જેના પરીણામો ઉડીને આંખે વળગે તેવા હોવાનું રાજયના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

અમદાવાદ શહેરના એક સમયના ડોન  લતીફ સહીતના ખુંખાર ગેંગસ્ટરો તથા તાજીયા ગેંગના ભયાનક ગુન્હેગારોનો સફાયો કરનાર રાજયના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવેલ કે ડ્રગ્સ માફીયાઓ-ભૂમાફીયાઓ તથા બાળકોની તસ્કરી કરતા શખ્સો પર તુટી પડવા સાથે જેઓનું સ્થાન જેલમાં હોવું જોઇએ તેવા ગુન્હેગારો બહાર ફરતા હતા તેઓને વીણી-વીણીને જેલ ભેગા કર્યા છે. રાજકોટ રેન્જમાં આવા ૪૧ જેટલા ખુંખાર ગુન્હેગારોને રેન્જ વડા સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ વિવિધ જીલ્લા પોલીસ વડાઓએ પોતાના કાર્યદક્ષ સ્ટાફની મદદથી જેલ ભેગા કર્યા છે.

વિવિધ પ્રકારના જે ખુંખાર ગુન્હેગારો  પોલીસ પકડમાં આવ્યા છે તેમાં પેરોલ-ફર્લો  રજા પરથી ફરાર થયેલા ગુન્હેગારો પૈકી રાજકોટ રેન્જે-ર, રાજકોટ ગ્રામ્ય-પ, દેવભુમી દ્વારકા-૧, મોરબી-૧ એમ દોઢ માસમાં કુલ ૯ આરોપીઓ ઝડપાયા છે. રાજકોટ રેન્જ દ્વારા નાર્કોટીકસના એક ફરારી આરોપીને પકડવા સાથે રાજકોટ રેન્જ દ્વારા ધાડ-લુંટના-૧, જામનગર પોલીસ દ્વારા-ર, રાજકોટ રૂરલ પોલીસ દ્વારા-૧, મોરબી પોલીસ દ્વારા-૧ એમ કુલ પાંચ આરોપીઓ ઝડપાયા છે. જામનગર પોલીસ દ્વારા બળાત્કાર તથા ગેંગ રેપના-૧, પાસા વોરંટ રાજકોટ રેન્જ-૧, મોરબી પોલીસ-૧ સહીત કુલ બે આરોપી અને ઘરફોડ ચોરીના રાજકોટ ગ્રામ્ય-૧ આરોપી સહીત કુલ ૪૧ આરોપીઓ  જેલ ભેગા કરાયા છે.

ખુંખાર આરોપીઓ પૈકીના ભાવનગર જીલ્લાના પાંચ માસથી જેલમાંથી ફરાર સોયેબભાઇને રેન્જ પોલીસે, ભુપત ભીખાભાઇને રાજકોટ ગ્રામ્ય પોલીસે, રાજકોટ શહેરના શાહરૂખને પકડવા સાથે સુરેન્દ્રનગરના ઓમદેવસિંહ ઝાલા, લક્કી, ધ્રોલ પંથકના નરેન્દ્રસિંહ, સુરેન્દ્રનગર પંથકના અજય બાદશાહ, જામનગરના યુવરાજસિંહ, જામનગરના જ હુસેન દાવડા, સુરેન્દ્રનગર પંથકના અવેશ સહીતના પરપ્રાંતીય ગુન્હેગારોને પણ ઝડપી લેવામાં આવ્યા છે.

અકિલા સાથેની વાતચીતના અંતે તેઓએ જણાવેલ કે રાજય સરકાર દ્વારા ઘડાયેલ કડક કાયદાઓની અમલવારી કરવાની જવાબદારી પોલીસની છે અને આ જવાબદારી રાજયભરની પોલીસ નિષ્ઠાથી નિભાવે તે માટે જરૂર જણાયે  કરૂણા સાથે કડકાઇ પણ કરતા અચકાશુ નહિં.

(11:29 am IST)