Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

રત્નકલાકારે ૩ વર્ષમાં ૩૨ મોટર સાયકલની ચોરી કરી

પત્નીના મહેણાંથી કંટાળીને પતિ ચોરીના રવાડે ચઢ્યો : બાઈકનો નિકાલ કરે એ પૂર્વે આરોપીને પોલીસે ઝડપ્યો

સુરત, તા. ૩૦ : પતિ કરતાં બહેનનો બિલ્ડર પતિ વધુ કમાતો હોવાનો કકળાટ કરતી પત્નીના મહેણાંથી રત્નકલાકાર વાહન ચોરીના રવાડે ચઢી ગયો હતો. ત્રણ વર્ષ દરમિયાન યુવાને કુલ ૩૨ બાઇક ચોરી કરી તેનો ભંગારમાં વેચી નિકાલ કરે તે પહેલાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ ચોરીની ૩૦ બાઇક કબજે કહી હતી. બે બાઇક ગારિયાધારમાં કબજે લેવાઇ ચૂકી છે.

પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્રાણ ગોપાલ ક્રિષ્ણા એપા.માં રહેતાં ૩૭ વર્ષીય બળવંત વલ્લભ ચૌહાણને ક્રાઇમ બ્રાન્ચની ટીમે વરાછા હીરાબાગ સર્કલ પાસેથી એક બાઇક સાથે ઝડપ્યો હતો. બાઇક તેણે ૨૦૧૭માં વરાછા સવાણી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ રુબી સોસાયટી આસપાસ આવેલાં પાર્કિંગમાંથી ચોરી કરી હતી. શખ્સે અટકાયતમાં લઇ પૂછપરછ કરવામાં આવતા તેણે ૨૦૧૭માં ૦૧, ૨૦૧૯માં ૦૪ અને ૨૦૨૦માં ૨૭ બાઇક ચોરી કરી હતી. ૨૯ બાઇક તેણે ઉત્રાણ મનીષા રેલવે ઓવરબ્રિજ નીચે તથા કાપોદ્રા-ઉત્રાણ તાપી ઓવરબ્રિજના નીચેના ભાગે છુપાવી રાખી હોવાની કબૂલાત કરતાં પોલીસે ૨૯ બાઇક કબજે કરી હતી. જ્યારે બે બાઇક ગારિયાધારમાં પોલીસના કબજામાં હતી. ગારિયાધારમાં તેનો મિત્ર ચોરીની બાઇક સાથે થોડાક સમય પહેલાં ઝડપાઇ ગયો હતો.

પોલીસની પૂછપરછમાં યુવાને ચોરીના રવાડે ચઢવા પાછળનું કારણ વિચિત્ર જણાવ્યું હતું. યુવાન રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. જ્યારે તેનો સાઢુભાઇ બિલ્ડર હતા. સાઢુભાઇની આવક પોતાના કરતાં વધુ હોઇ પત્ની વારંવાર સાઢુ સાથે કમ્પેર કરી ખરીખોટી સંભળાવતી હોઇ રૂપિયા કમાવાની લાલચે વાહનચોરીના રવાડે ચઢી ગયો હતો. બધી બાઇક સ્ક્રેપ કરી વેચી રોકડી કરવાનો ઇરાદો ધરાવતો હોવાનું બળવંતે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.

(7:39 pm IST)