Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2024

જાણો દુનિયાના સૌથી મોટા રીયલ એસ્ટેટ પ્રોજેક્ટ વિશે

નવી દિલ્હી: નિયોમ ડેવલપમેન્ટમાં સૌથી જાણીતો અને સૌથી મોટો પ્રોજેક્ટ 'ધ લાઇન' છે.આ સિવાય નિયોમમાં 'ઓક્સાગોન', 'ટ્રોજેના', 'સિન્દાલાહ', 'લેજા', 'એપીકોન', 'સિરાન્ના', 'ઉટામો', 'નોર્લાના', 'એક્વેલમ' અને 'ઝેનોર' નામના શહેરો પણ હશે.દુબઈ એક સમયે વિશ્વના કોઇપણ સામાન્ય શહેર જેવું જ હતું. પરંતુ, શેખના સપનાએ રણમાં ગુલાબ ખીલવ્યું અને આજે દુબઈ વિશ્વનું સૌથી મોટું રિયલ એસ્ટેટ માર્કેટમાંનું એક છે. દુબઈ પરથી પ્રેરણા મેળવીને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને 500 બિલિયન ડોલરના ખર્ચે ફ્યુચર પ્રોજેક્ટ સિટી 'નિયોમ' બનાવવાનો નિર્ણય કર્યો છે. ગ્રીક અને અરબીના મિશ્રણ એવા નિયોમનો મતલબ નવું જીવન થાય છે. આ સિટી સાઉદી અરેબિયાને વિશ્વના ટોચના દેશમાં સ્થાન અપાવવા માટે સક્ષમ છે. ઉત્તર પશ્ચિમ સાઉદી અરેબિયામાં આકાર લઈ રહેલો આ મેગા પ્રોજેક્ટ 26,500 સ્કેવર કિલોમીટરથી વધુ વિસ્તારને આવરી લેશે. આ પ્રોજેક્ટ માત્ર ભૌગોલિક સ્થાન કરતાં ઘણું વધારે છે. લાલ સમુદ્ર અને પહાડો વચ્ચે આવેલા નિયોમમાં ટેકનોલોજી અને પ્રકૃતિઓનો અદભૂત સમન્વય છે. 10 અલગ અલગ પ્રદેશોમાં ફેલાયેલો આ પ્રોજેકટ સપનાઓની શક્તિની સાથે માનવ સંકલ્પની મક્કમતાને દર્શાવે છે. ધ લાઈન પ્રોજેક્ટમાં 170-કિલોમીટર લાંબા શહેરનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. લાઈન પ્રોજેકટમાં આખું શહેર બે 500 મીટર ઊંચી સમાંતર હાઈરાઈસ બિલ્ડિંગ્સમાં પ્લાન કરવામાં આવ્યું છે. આ બંને ઈમારતો એકબીજાથી 200 મીટરના અંતરે હશે. જેમાં બહારની તરફ અરીસા લગાવેલા હશે. આ પ્રોજેકટને અમેરિકન આકટેક્ચર સ્ટુડિયો મોર્ફોસિસ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો છે. જ્યારે, અસંખ્ય અન્ય આકટેક્ટ્સે શહેરના 800-મીટર-લાંબા પાર્ટને ડિઝાઈન કર્યા છે. મોર્ફોસિસના સ્થાપકે કહ્યું હતું કે, એવી કોઈ વ્યક્તિ નથી જે આ પ્રોજેક્ટનો ભાગ બનવા ન માંગતી હોય. જ્યારે, કૂક હેફનર આકટેક્ચર પ્લેટફોર્મના સહ-સ્થાપક કૂકે કહ્યું હતું કે, જો આ પ્રોજેકટ સફળ થશે, તો તે એક નવું બેબીલોન બનશે.

(5:59 pm IST)