Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ભારતીય સાહિત્યની ૧૦ મહાન કૃતિઓનું ચાઇનીઝ અને રશિયન ભાષામાં ભાષાંતર

દેશનો પ્રાચીન સાંસ્કૃતિક વારસો વિદેશ સુધી પહોંચશેઃ ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુ

નવી દિલ્હી તા. ૧: શંધાઇ સહયોગ સંગઠન (એસસીઓ) ની બેઠક દરમિયાન ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકેયા નાયડુએ આધુનીક ભારતીય સાહિત્યની ૧૦ મહાન કૃતિઓ રશિયન અને ચાઇનીઝ ભાષામાં તૈયાર થઇ હોવાની જાહેરાત કરી હતી.

ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ વધુમા જણાવ્યું કે, ભારતીય સાહિત્યની આ અદ્દભૂત કૃતિઓને ચાઇનીઝ તથા રશિયન ભાષામાં અનુવાદ કરવાથી ભારતની પ્રાચીન અને સમૃધ્ધ સાંસ્કૃતિક વિરાસતને અન્ય દેશોનાં લોકો પણ જાણી શકશે અને તેમના પ્રત્યે વધુ રસ દાખવાશે.

ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુએ ગઇકાલે વર્ચ્યુઅલ એસસીઓ સમીટમાં અર્વાચીન ભારતીય સાહિત્યની દસ મહાન કૃતિઓનું અનુવાદકાર્ય પૂર્ણ થયું હોવાની જાહેરાત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જુન-ર૦૧૯માં કનીકિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલ એસસીઓ (શાંધાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન) માં આ જાહેરાત કરી હતી. સાહિત્ય અકાદમીએ આધુનિક ભારતીય સાહિત્યની ૧૦ ભારતીય ભાષાઓની ૧૦ કૃતિઓની પસંદગી કરાઇ હતી અને તેનું ચાઇનીઝ અને રશિયન ભાષામાં ભાષાંતર કરાયું હતું.

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તા.૧૦/૧૧/ર૦ર૦ ના એસસીઓના પ્રમુખોની બેઠકમાં સાહિત્ય અકદામી દ્વારા આ પુસ્તાકોનું ભાષાંતર પુર્ણ થયાનું જાહેર કર્યું હતું.

સાહિત્ય અકાદમી દ્વારા આ તમામ પુસ્તકો અંગ્રેજીમાં પણ ભાષાંતર સાથે પુનઃ પ્રકાશિત કરાયા છે.

ચાઇનીઝ અને રશિયન ભાષામાં જે પુસ્તકોની પસંદગી કરાઇ છે. તેમાં સુરજમુખિર સ્વપ્ન (રચનાકારઃ સૈયદ અબ્દુલ મલિકઃ આસામી), આરોગ્ય નિકેતન (તારાશંકર બંદોપાધ્યાયઃ બંગાળી) વેવિશાળ ઝવેરચંદ મેઘાણી કત્વે ઔર કાલાપાની (નિર્મલ વર્માઃ હિન્દી), પર્વ (એસ.એલ.ભિરપ્પાઃ કન્નડ), મનોજ દસંકા કથા ઓ કાહિની (મનોજદાસઃ ઓડિઆ), મરહી દા દિવા (ગુરૂદિયાલસિંહઃ પંજાબી), સિલા નેરંગાલિલ સિલા મનિથાર્ગલ (જયાકાંતનઃ તામિલ), ઇલુ (રચાકોંડા વિશ્વનાથ શાસ્ત્રીઃ તેલુગુ) અને એક ચાદર મૈલી સી (રજિન્દરસિંહ બેદીઃ ઉર્દુ) નો સમાવેશ થાય છે. સાહિત્ય અકાદમીએ આ કૃતિઓની અંગ્રેજી આવૃત્તિનું રિપ્રિન્ટ પણ રીલિઝ કર્યુ છે. તેમ સાહિત્ય અકાદમીના ડો.કે.શ્રીનિવાસ રાવે જણાવ્યું છે.

(3:28 pm IST)