Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

શેરબજારમાં મૂડીરોકાણકારો ખુશ, ૬૮૦ પોઈન્ટનો કૂદકો

શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ : નિફ્ટીમાં ૧૭૦ પોઈન્ટનો મોટો ઊછાળો, સેન્સેક્સ ઓલટાઈમ હાઈ ૪૩,૨૭૭ સપાટી ઉપર બંધ રહ્યો

મુંબઈ, તા. ૧૦ : વૈશ્વિક બજારોને પગલે છેલ્લા કેટલાક દિવસોથી જોરદાર તેજીમાં ચાલી રહેલું ભારતીય શેરબજાર આજે રેકોર્ડબ્રેક સપાટીને સ્પર્શ્યા બાદ ૬૮૦ પોઈન્ટ્સના વધારા સાથે પોતાના સર્વોચ્ચ સ્તરે બંધ થયું છે. આજે સેન્સેક્સ ૪૨,૯૫૯ પોઈન્ટ્સ પર ખૂલ્યો હતો અને ૪૩,૩૧૬ની સપાટીને સ્પર્શ્યા બાદ ૪૩,૨૭૭ પર બંધ થયો હતો.નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૨,૬૪૩.૯૦ પોઈન્ટના તેના સર્વકાલિન ઉચ્ચ સ્તરને સ્પર્શ્યા બાદ છેલ્લે ૧૭૦.૦૫ પોઈન્ટ અથવા ૧.૩૬ ટકાની વૃધ્ધિ સાથે ૧૨,૬૩૧.૧૦ પોઈન્ટ પર બંધ થયો હતો. આજે આઈટી અને ફાર્મા સિવાયના મોટાભાગના શેર્સમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સના ૩૦ શેર્સમાં બજાજ ફાઈનાન્સ ૮.૮૪ ટકાના ઉછાળા સાથે ૪૨૦૮ રુપિયા પર પહોંચી સૌથી વધારો શેર રહ્યો હતો. ત્યારબાદ ઈન્ડસિન્ડ બેંકમાં ૭.૭૧ ટકા અને એલએન્ડટીમાં ૬.૯૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

એચડીએફસી ટ્વીન્સ પણ આજે જોરદાર ઉછળ્યા હતા. આ સિવાય આઈસીઆસીઆ, એસબીઆઈ, એક્સિસ, બજાજફિનસર્વ, જેવી બેંકોના શેર્સમાં પણ તેજી જોવા મળી હતી.

બેંક શેર્સમાં આજે જોરદાર તેજી જોવા મળી હતી તો તેની વિરુદ્ધ આઈટી શેર્સમાં આજે સારું એવું ધોવાણ નોંધાયું હતું. સેન્સેક્સમાં સૌથી વધુ ઘટનારો શેર ટેક મહિન્દ્રા રહ્યો હતો, જે ૫.૭૩ ટકા તૂટ્યો હતો. આ સિવાય ઈન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ પણ ઘટાડા સાથે બંધ થયા હતા.

ઓટો શેર્સમાં આજે તેજી જોવા મળી હતી. અશોક લેલેન્ડ આજે ૭.૯૪ ટકા ઉછળ્યો હતો. આ સિવાય આયશર મોટર્સમાં પણ સામાન્ય તેજી જોવા મળી હતી. જોકે, મારુતિ આજે ઘટાડા સાથે બંધ થયો હતો. મધરસન સુમીમાં પણ આજે સામાન્ય તેજી જોવા મળી હતી.

(9:43 pm IST)