Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ધનતેરસથી દિવાળીમાં સોનાની ધુમ ખરીદી થશે

તહેવારો બાદ લગ્નસરાની પણ ખરીદીનો આશાવાદઃ ભાવ થોડા ઘટતા ગ્રાહકોમાં ઉત્સાહઃ કાલથી સોનીબજારમાં રોનક દેખાશે

મુંબઈ, તા.૧૧: સોનાના ભાવ વધઘટના મોટા તબક્કામાં દાખલ થવા છતાં ગ્રાહકો શુક્રવારે શરૂ થતા ધનતેરસથી દિવાળી સુધીના દિવસોમાં સોનાની ધૂમ ખરીદી કરે તેવી આશા જવેલર્સ અને એનલિસ્ટ્સ' રાખી રહ્યા છે. ભારતમાં દિવાળીએ સોનું ખરીદવાની પરંપરા છે જે આ વર્ષે પણ જળવાઈ રહેશે અને કોવિડ-૧૯ના નિયંત્રણો હળવા થયા પછી લગનસરાની માગ પણ નીકળવાની જવેલર્સને આશા છે. સોનાની માગ તહેવારલક્ષી અને રોકાણ માટેની હોવાથી' વિવિધ સ્વરૂપમાં- સિક્કા, દાગીના અને ડિમેટ યુનિટમાં માગ રહેશે એવું માનવામાં આવે છે.

અમેરિકન ડ્રગ કંપની ફાઇઝરને કોવિડ - ૧૯ વેકિસનની સફળતા મળી હોવાનું પ્રયોગોમાં જણાયું તે પછી ગુરુવારે વૈશ્વિક શેરબજારમાં ઉછાળો સોનાના ભાવમાં પ્રત્યાદ્યાતી ઘટાડો આવ્યો હતો પણ શુક્રવારે પાછો તેમાં સુધારો આવ્યો' તેના પગલે સોનાના ભાવ અનિર્ણાયક તબક્કામાં પ્રવેશ્યા છે. સોનાના હાજર બજારમાં દસ ગ્રામ દીઠ ભાવ રૂ.૫૨,૦૦૦ આસપાસના છે જે ઓગસ્ટ માસના રૂ.૫૬,૨૦૦ની સરખામણીએ નીચા છે. આ ભાવે પણ માગ ઓછી હતી પણ હવે દિવાળીની માગ નીકળવાની અપેક્ષા છે. સોનાએ દશેરા અને કરવા ચોથના બે તહેવારોની કસોટી સફળતાપૂર્વક' પાર કરી હોવાથી શુક્રવારે કેટલું સોનું ખરીદવામાં આવે' તે મહત્વની ત્રીજી કસોટી બનશે. સોનાના ભાવ ઘટે તો તેના કારણે માગ પણ વધશે તેવું જવેલર્સનું માનવું છે. આ ખરીદી આવશે તેવી આશાએ જવેલર્સે સોનાના દાગીનાનો સ્ટોક કરી રાખ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મેનાજિંગ ડિરેકટર સોમસુંદરમ પીઆરએ કહ્યું કે, સર્વોચ્ચ ટોચે પહોંચ્યા પછી સોનાના ભાવ અનિશ્ચિત બન્યા છે. ગ્રાહકો અને રોકાણકારો બંનેને ભાવ ઘટાડાની આશા પણ છે.

મુંબઈના એક ડીલર જે બુલિયનની આયાત કરતી બેન્ક સાથે ડીલ કરે છે તેમણે કહ્યું કે, તાજેતરમાં પૂરા થયેલા તહેવારની સારી માગ જોયા પછી જવેલર્સની સ્ટોક માટે સોનાની ખરીદી વધી છે. સિંગાપોરમાં આંતરરાષ્ટ્રીય હાજર ભાવ ઉપર પ્રતિ ઔંસ ૦.૮૦-૧.૩૦ ડોલરનું પ્રિમિયમ ચાર્જ થાય છે.

જે. રોટબાર્ટ એન્ડ કં,ના સાઉથ ઈસ્ટ એશિયા બિઝનેસ ડેવલપમેન્ટ એકિઝકયુટીવ ઝિવકા રોટબાર્ડે કહ્યું કે, વધુ દેશો ન્યૂ નોર્મલ સ્થિતિને અનુરૂપ થઇ રહ્યા હોવાથી લોજિસ્ટીક સમસ્યા હળવી બનશે, રિફાઈનરી અને મિન્ટ પણ શરૂ થઇ છે.

તહેવારની માગ ઉપરાંત માર્ચ મહિનાથી પાછા ઠેલાયેલા લગનસરાંની દબાયેલી માગ પણ વધશે તેવી ધારણા છતાં જવેલર્સ કોઈ ચાન્સ લેવા માગતા નથી. તેથી તેમણે વધુ વેચાણ મેળવવા આ વર્ષે પણ ગ્રાહકો માટે વિવિધ' ઓફર્સ મૂકી છે.

કોરોના મહામારીના કપરા આઠ મહિના બાદ દિવાળીના તહેવારો અર્થતંત્ર માટે શુકનવંતા સાબિત થવા જઈ રહ્યા છે. સુવર્ણાલંકાર, નવાં ઘરની ખરીદી અને ઈલેકટ્રોનિકસ સામાનની ખરીદીમાં જોરદાર વેગ આવ્યો છે. ગાર્મેન્ટ અને ઓટો ક્ષેત્રમાં રિટેલ વેચાણ મધ્યમ રહ્યું છે, તો કોવિડની અસર હજી નાબૂદ નહીં થઈ હોવાથી હોટેલ અને ટુરિઝમ ઉદ્યોગ સારા દિવસોની રાહ જોઈ રહ્યા છે.

સોનાના ભાવમાં કોવિડ સંકટના કારણે ૪૦ ટકાનો ઉછાળો થયો હોવા છતાં તહેવારોમાં ભારતીયોએ સોનાની ખરીદી કરવામાં પાછીપાની કરી નથી. આ વખતે દિવાળીના તહેવારો દરમિયાન પુષ્ય નક્ષત્ર આવી રહ્યું હોવાથી ગ્રાહકોની સોનાના દાગીનાની ખરીદીમાં રુચિ વધી હોવાનું બુલિયન ડીલર્સ જણાવે છે. જોકે, સોનાની ખરીદી ગયા વર્ષની તુલનાએ ઓછી છે, પરંતુ અપેક્ષા કરતાં વધુ છે.

જેમ્સ એન્ડ જવેલરી ટ્રેડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ શાંતિભાઈ પટેલ કહે છે કે બે મહિના પહેલાંનો માહોલ અત્યારના માહોલ કરતાં તદ્દન જુદો હતો. આજે લોકો ઘરની બહાર નીકળી દાગીના ખરીદવા આવી રહ્યા છે. લગ્નનાં મુહૂર્તો સંખ્યાબંધ હોવાથી સોનું ખરીદવા લોકો આગળ આવી રહ્યા છે. ચોમાસું સારું જવાથી ગ્રામીણ વિસ્તારોમાં નવા દાગીનાની સારી માગ નીકળી છે.

જોકે, ગોલ્ડ ચેઈન, વીંટી અથવા કાનના અલંકારો જેવા વજનમાં હળવા દાગીના માટે માગ સીમિત હોવાનું તેમણે જણાવ્યું હતું. બીજી તરફ અમેરિકામાં પ્રમુખપદે જાઙ્ખ બાયડેન ચૂંટાઈ આવતાં સોનામાં તેજી આગળ વધી છે.

અમદાવાદ જેમ્સ એન્ડ જવેલરી ટ્રેડ કાઉન્સિલના પ્રમુખ શાંતિભાઇ પટેલે જણાવ્યું હતુ કે જેવી ધારણા હતી તેના કરતા કોવિડની દ્રષ્ટિએ સારુ વેચાણ થઇ રહ્યું છે. જોકે હજુ પણ લોકોમાં કોરોનાની દહેશત છે. બહારગામના ગ્રાહકો આવતા નથી. ડિસેમ્બરમાં લગ્ન કે અન્ય શુભ પ્રસંગ આવતા હોય તેમની ખપપૂરતી લેવાલી રહે છે. તેમણે જણાવ્યું હતુ કે પાછલા વર્ષની તુલનામાં હાલમાં ૩૦થી ૪૦ ટકા ઘરાકી ઓછી છે.

શ્રી માણેકચોક સોનાચાંદી દાગીના બજારના પ્રમુખ પરેશ ચોકસીએ જણાવ્યુ હતુ કે દાગીનામાં ઘરાકી સારી એવી રહી છે. બજારમાં ભીડ પણ સારી છે. ભાવ થોડા ઘટ્યા હોવાથી તેનો લાભ પણ દ્યરાકો ઉઠાવી રહ્યા છે. પાછલી દિવાળીની તુલનામાં અત્યારે ૫૦ ટકા જેટલી ઘરાકી ઘટી ગઇ છે. વધુમાં ભદ્ર, માણેકચોકમાં વર્ષોની ઘરાકી રહેતી હોવાથી અમારા બજારમાં પણ સારી એવી ભીડ દેખાય છે.

રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસોસીએશનના સૂત્રો કહે છે, સોનાના ભાવ મંગળવારે તૂટ્યાં છે એટલે ઘરાકીનો આશાવાદ છે. જોકે લગ્નસરા સિવાયની માગ હાલ નથી. ધનતેરસે ખરીદી માટે લોકો નીકળે તેવી શકયતા છે. અલબત્ત ગયા વર્ષથી ઓછી ખરીદી રહેશે તે નક્કી છે.

સુરતના ડી.ખુશાલદાસ જવેલર્સનાં દિપક ચોકસી કહે છે કે, આવતીકાલથી બજારમાં ખરીદીની રોનક જોવા મળશે. કોરોનાને લીધે લોકોની ખરીદશકિતને અસર પહોંચી છે છતાં સાવ ખરીદી બંધ થઇ ગઇ હોય તેવું નથી.તહેવારોમાં શુકનવંતી ખરીદીમાં લોકો નાની આઇટમની ખરીદી વધુ કરે તેવી આશા છે. અમને આશા છે કે દિવાળીના તહેવારોથી બજારમાં તેજીનો જે કરંટ આવ્યો છે તે તહેવારો બાદ લગ્નસરાની ખરીદી વખતે પણ અકબંધ રહેશે.

કલામંદિર જવેલર્સનાં મેહુલ સોની કહે છે કે, અગિયારથી ધનતેરસ સુધી ત્યારબાદ દિવાળીના દિવસે સોના-ચાંદીનું વેચાણ સુધરશે. કોરોના કાળમાં ગાઇડલાઇન્સ મુજબ લગ્નમાં ઓછા વ્યકિતઓની ઉપસ્થિતિ રહેતી અને ઉજવણી પણ સાદાઇથી થતી હતી. હવે, સરકારે છૂટછાટમાં વધારો કર્યો હોવાથી લગ્ન-પ્રસંગોની ઉજવણી પણ સારી રીતે થશે. જેથી અમને દિવાળીના તહેવાર સાથે લગ્નસરાની સીઝન પણ સારી રહેશે તેવો આશાવાદ છે.

(10:19 am IST)