Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

દિપાવલી પર્વનો પ્રારંભઃ કાલે વાઘબારસ-શુક્રવારે ધનતેરસ

કોરોના મહામારી વચ્ચે પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં દિવાળી તહેવાર ઉજવવા થનગનાટઃ ખરીદીનો ધમધમાટ

રાજકોટ, તા. ૧૧ :. આજે રમા એકાદશી સાથે દિપાવલી પર્વનો પ્રારંભ થયો છે. કાલે વાઘ બારસ તથા શુક્રવારે ધનતેરસ પર્વની ઉજવણી કરવામાં આવશે.

કોરોના મહામારી વચ્ચે પણ દિવાળી ઉજવવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં થનગનાટ છે અને બજારોમાં ખરીદીનો ધમધમાટ શરૂ થયો છે.

ઘર-ઓફિસમાં રંગોળી - રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે અને લોકો મહાપર્વને ઉજવવા માટે તૈયારી કરી રહ્યા છે. કોરોના મહામારી વચ્ચે ફટાકડા બજારમાં અવનવા ફટાકડાનુ વેચાણ થઈ રહ્યુ છે અને રાત્રીના સમયે ફટાકડા ફોડવાની લોકો મજા લઈ રહ્યા છે.

આજે આસોવદ અગિયારસના દિવસને રમા એકાદશી કહે છે. આ વર્ષે તા. ૧૧ના દિવસે રમા એકાદશી આવે છે. આ એકાદશીના વ્રતનું ઘણુ મહત્વ શાસ્ત્રોમાં કહેવાયુ છે. એકાદશીના નામ મુજબ લક્ષ્મી, ધન અને સુખ વૈભવની પ્રાપ્તી માટે આ વ્રતનું અનેકગણુ મહત્વ છે. આ વર્ષે આસો વદ બારસ એટલે કે વાઘબારસ તારીખ ૧૨ને ગુરૂવારને દિવસે આવશે. મંદિરોમાં વાઘબારસના દિવસે પણ વિશેષ પૂજા વિધિ અને દર્શન થાય છે. વાઘબારસના દિવસે ગાય અને વાછરડા ની પૂજા પણ કરાય છે. આ વ્રતને નંદીની વ્રતના નામથી જાણવામા આવે છે.

ધનતેરસ શુક્રવાર તારીખ ૧૩ના દિવસે આવશે. આ દિવસે ધન પૂજન, ધન્વંતરી પૂજન અને યમ દીપદાન કરવામાં આવ છે. ધનતેરસના દિવસે સૌભાગ્ય અને સુખની વૃદ્ધિ માટે માતા લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર આ દિવસે ધન્વંતરી જન્મ થયો હતો તેથી તેને ધનતેરસ કહેવામાં આવે છે.

(12:38 pm IST)