Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બાહુબલીઓ જાતે મેદાનમાં ઉતરીને ચૂંટણી જીત્‍યાઃ અનંતસિંહે તો જેલમાં રહીને ચૂંટણી લડીને વિજય મેળવ્‍યો

નવી દિલ્હીઃ બિહારની વિધાનસભા ચૂંટણીમાં કેટલાય બાહુબલીઓ જીત્યા છે. વિધાનસભા ચૂંટણીમાં કેટલાય બાહુબલીઓ જાતે મેદાનમાં ઉતર્યા હતા તો કેટલાકે તેમના સંબંધીઓને મેદાનમાં ઉતર્યા હતા. આ ચૂંટણીમાં આરજેડીના સૌથી વધુ બાહુબલી જીત્યા હતા. તેમા પણ અનંતસિંહે તો જેલમાં રહીને ચૂંટણી લડીને વિજય મેળવ્યો હતો.

  • રીતલાલ યાદવ

બાહુબલી રીતલાલ યાદવ દાનાપુરથી આરજેડીની ટિકિટ પર જીતીને વિધાનસભામાં પહોંચવામાં સફળ રહ્યા છે. તે ચૂંટણીના થોડા સમય પહેલાં જ બહાર આવ્યા હતા. રીતલાલ યાદવે ભાજપની આશાદેવીને 16થી વધુ મતથી હરાવ્યું હતું.

  • પ્રહલાદ યાદવ

આરજેડીની ટીકીટ પર ચૂંટણી લડી રહેલા પ્રહલાદ યાદવ સૂર્યગઢથી જીત્યા છે. તેમણે જેડીયુના રામાનંદ મંડળને નવ હજાર કરતાં વધારે મતથી પરાજય આપ્યો હતો.

  • અનંતસિંહ

બાહુબલીઓમાં સૌથી મોટું નામ મનાતા અનંતસિંહે ચૂંટણીમાં વિજય નોંધાવ્યો છે. તે સતત પાંચમી વખત વિધાનસભ્ય બન્યા છે. તે હાલમાં જેલમાં છે. જેલમાં હોવા છતાં અનંત સિંહ પોતાની મોકામા વિધાનસભા બેઠકમાં આરજેડીની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી જીતવામાં સફળ રહ્યા. અનંતસિંહે જેડીયુના રાજીવ લોચનને 35,000 કરતાં વધારે મતથી હરાવ્યા. અનંતસિંહ પર 38 કેસ નોંધાયેલા છે.

  • સુરેન્દ્ર પ્રસાદ યાદવ

બાહુબલી સુરેન્દ્ર પ્રસાદ યાદવે બેલાગંજ સીટ પરથી વિજય નોંધાવ્યો છે. યાદવે આરજેડીની ટિકિટ પર જેડીયુના અભય કુમાર સિંહાને લગભગ 25,000 મતથી હરાવ્યા છે. આ તેમનો આઠમો વિજય છે.

  • નરેન્દ્ર સિંહ

નરેન્દ્ર સિંહ ઉર્ફ બોગો સિંહ બેગૂસરાયના મટિહાનીમાંથી સીટ જીત્યા છે. નરેન્દ્ર સિંહ જેડીયુની ટિકિટ પર મટિહાનીમાંથી ચૂંટણીમાં ઉતર્યા અને સીપીએમના રાજેન્દ્રસિંહને બે હજાર કરતાં વધારે વોટથી હરાવ્યા છે.

  • અમરેન્દ્રકુમાર પાંડે

અમરેન્દ્ર કુમાર પાંડે ઉર્ફે પપ્પુ પાંડે વિધાનસભા ચૂંટણીમાં જેડીયુની ટિકિટ પરથી કુચાયકોટ વિધાનસભામાં મેદાનમાં ઉતર્યા હતા. તેમણે કોંગ્રેસના કાલીપ્રસાદ પાંડેને 17,000 કરતાં વધારે વોટથી હરાવ્યા હતા. આ સિવાય શિવહર બેઠક પર આરજેડીના ચેતન આનંદે વિજય નોંધાવ્યો છે. તે બાહુબલી આનંદ મોહનના પુત્ર છે.

(4:36 pm IST)