Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

બિહારની ચૂંટણીમાં રાષ્‍ટ્રીય રાજનીતિની દિશા અને દશા નક્કી કરવામાં મહત્‍વની ભૂમિકા ભજવશેઃ લોકોને નરેન્‍દ્રભાઇ મોદીની ક્ષમતા ઉપર પૂરો વિશ્વાસ હોવાનું સાબિત

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોએ માત્ર એક રાજ્ય જ નહીં, પરંતુ સમગ્ર દેશની રાજનીતિ માટે ઘણા જ મહત્વના માનવામાં આવી રહ્યાં છે. કોરોના મહામારી વચ્ચે યોજાયેલી આ ચૂંટણીનું પરિણામ જણાવે છે કે, આ કપરા કાળમાં સરકારના કામથી પ્રજા કેટલી સંતુષ્ટ છે. આટલું જ નહીં, આગળ પણ તેઓ કેવા પ્રકારનું શાસન ઈચ્છી રહ્યાં છે.

NDAએ રાજ્યમાં બહુમતી સાથે પોતાની સરકાર બનાવે છે, તો આ માત્ર બિહાર જ નહીં, પરંતુ રાષ્ટ્રીય રાજનીતિની દિશા અને દશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

ચૂંટણી પરિણામોમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. આ સાથે જ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે, દેશની જનતા હજુ પણ મોદી મેજિકની સાથે જ છે. જો કે આ બધા વચ્ચે આપણે સમજીએ આખરે બિહાર ચૂંટણીના પરિણામો આટલા મહત્વના કેમ છે?

- આ ચૂંટણી પરિણામોએ એક વખત ફરીથી સાબિત કરી દીધુ છે કે, લોકોને વડાપ્રધાન મોદીની (PM Modi) ક્ષમતા પર પુરો વિશ્વાસ છે. ભાજપે (BJP) બિહારમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જો કે પહેલા પણ બિહારની પ્રજા ભાજપને લઈને પોતાનો મત વ્યક્ત કરી ચૂકી હતી. લોકસભા ચૂંટણીમાં ભાજપે અહીં 40માંથી 39 બેઠકો પર વિજય મેળવ્યો હતો.

- ભાજપે બિહારના પરિણામોથી સાબિત કરી દીધુ કે, હવે તે રાજ્યમાં શ્રેષ્ઠ સ્થિતિમાં છે. રાજ્યમાં પાર્ટીએ નાના ભાઈથી હવે મોટાભાઈ સુધીની ભૂમિકા સુધીની સફર ખેડી છે. એટલે કે, ભાજપને અહીં મળેલ ભરપુર જનસમર્થન દર્શાવે છે કે, પાર્ટી યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.

- અત્યાર સુધી ભાજપને વિરોધી ગઠબંધનના પગલે નુક્સાન ભોગવવાનો વારો આવ્યો છે. જો કે બિહારના પરિણામો સાથે ભાજપે એવા ગઠબંધનોને પણ પાઠ ભણાવી દીધો છે. જે NDA માટે પડકાર બની રહ્યાં હતા. જેવી રીતે મહારાષ્ટ્રમાં વિવિધ પાર્ટીઓએ એકજૂટ થઈને બહુમત હોવા છતાં ભાજપને (BJP) સરકાર બનાવવા દીધી નહતી.

- ભાજપની (BJP) રાજનીતિની દિશા દેશના અન્ય રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોએ પણ નક્કી કરી દીધી છે. જેનાથી ભાજપને ખાસ કરીને મોદી લહેરને હજુ પણ યથાવત જાળવી રાખવાનો સંકેત આપ્યો છે.

- બિહાર ચૂંટણીના પરિણામોથી ભાજપ ભલે રાજી થઈ રહ્યું હોય, પરંતુ તેજસ્વીએ પોતાના યુવા જોશ સાથે જનતા વચ્ચે જગ્યા બનાવવામાં સફળ રહ્યાં છે. લોકોની સમસ્યા અને સટીક મુદ્દા સાથે જનતા વચ્ચે ચૂંટણીના મેદાનમાં ઉતરેલા તેજસ્વી યાદવને તેનું પરિણામ પણ મળ્યું છે. આ ચૂંટણીના પરિણામ જણાવે છે કે, તેજસ્વીનું રાજકીય ભવિષ્ય ઉજળું છે.

- કોંગ્રેસ 70 બેઠકો પર ચૂંટણી લડ્યું, પરંતુ તેનું પ્રદર્શન ફરીથી નિરાશાજનક જ રહ્યું. ગત ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસ વધારે બેઠકો પર લડી, પરંતુ કોઈ કમાલ દર્શાવી શકી નહી. એવામાં પાર્ટી માટે ફરીથી મંથન કરવાનો સમય આવી ચૂક્યો છે. આખરે કોંગ્રેસથી ક્યાં ચૂક થઈ રહી છે?

- બિહાર ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન માટે સ્ટાર પ્રચારકોની કમી પણ મોટુ કારણ ગણી શકાય. પ્રિયંકા ગાંધી કે સોનિયા ગાંધીએ બિહાર આવવાનું ટાળ્યું. આ સિવાય દિગ્ગજ નેતાઓ પણ બિહારથી દૂર જ રહ્યાં. કોંગ્રેસના એકમાત્ર સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી જ રહ્યાં. જેની અસર પરિણામોમાં જોવા મળી.

- બિહાર સહિત અન્ય રાજ્યોમાં પેટાચૂંટણીના પરિણામોએ ભાજપનું (BJP) કદ વધારે મજબૂત બનાવી દીધુ છે. જેની અસર પશ્ચિમ બંગાળ સહિત આવનારી વિધાનસભા ચૂંટણીઓ પર જોવા મળશે.

- નોટબંધીને જેવી રીતે જનતાએ સ્વીકારી હતી અને સરકારની નીતિને પ્રજા તરફથી સારો પ્રતિસાદ સાંપડ્યો હતો અને ભાજપને ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોની ચૂંટણીમાં બહુમત અપાવ્યો હતો. બિહારના પરિણામો પણ આવું જ દર્શાવી રહ્યાં છે કે, કોરોના મહામારીના સંકટ સમયે કેન્દ્ર સરકારે લીધેલા પગલાને પણ પ્રજાએ આવકાર્યા છે.

- લોકસભા ચૂંટણીમાં રાફેલ સહિત અનેક મુદ્દાઓને પ્રજાએ જાકારો આપ્યો હતો. બિહારમાં પણ રોજગાર સહિત અન્ય મુદ્દાઓ પર વિરોધીઓએ સવાલ ઉઠાવ્યા, પરંતુ તેની કોઈ અસર જોવા ના મળી. એવામાં આગામી ચૂંટણીમાં ક્યાં મુદ્દે ભાજપને ઘેરવું? તે રાજનીતિક પાર્ટીઓ માટે મોટો માથાનો દુ:ખાવો બનશે.

(4:37 pm IST)