Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

તેજસ્વીયાદવને આશિર્વાદ આપવા નીતિશને દિગ્વિજય સિંહેની સલાહ

તેજસ્વીયાદવને ડૂબાડનાર કોંગ્રેસ નીતિશ કુમાર ને ગેરમાર્ગે દોરે છે : પ્રવર્તમાન ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને માત્ર ૧૯ બેઠકો મળી

નવી દિલ્હી, તા.૧૧ :  બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મહાગઠબંધનના પરાજય પાછળ કોંગ્રેસના પ્રદર્શનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. આરજેડીને આંખો બતાવીને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ૭૦ બેઠકો પરથી લડનારી કોંગ્રેસ માત્ર ૧૯ બેઠકો પર જીતી શકી છે. બિહારની ચૂંટણીમાં કોઈ જ કારી ના ફાવ્યા બાદ કોંગ્રેસે હવે નીતિશ કુમાર પર નજર દોડાવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ટ્વિટ કરીને નીતિશને ભાજપનો સાથ છોડીને તેજસ્વીને આશિર્વાદ આપવાની અપીલ કરી છે. અનેક નિષ્ણાંતોનું માનવું છે કે, કોંગ્રેસના કારમા રકાશે તેજસ્વી યાદવના મુખ્યમંત્રી બનવાના સપનાઓ પર પાણી ફેરવી દીધું છે. હવે કોંગ્રેસે નીતિશ કુમાર અને જેડીયૂ પર નજર ટકાવી છે.

            આરજેડીનું નાક દબાવીને ૭૦ બેઠકો પર ચૂંટણી લડનારી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અખિલેશ સિંહ અને સદાનંદ સિંહ પર પૈસા લઈને ટિકીટો વેચવાનો આરોપ લાગ્યા છે. કોંગ્રેસ પર આરોપ લાગ્યા છે કે, તેણે અનેક ઠેકાણે નબળા ઉમેદવારોને ટિકીટ આપી જેના કારણે એનડીએ માટે રસ્તો આસાન બની ગયો. વિધાનસભાની ચૂંટણીના પરિણામો આ વાતની સાક્ષી પણ પુરે છે. જો વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીતની ટકાવારીની વાત કરીએ તો મહાગઠબંધનમાં તેની સ્થિતિ સૌથી ખરાબ છે. કોંગેસ કરતા તો સારૂ પ્રદર્શન હમ અને વીઆઈપી જેવા નાના ક્ષેત્રીય દળોએ કર્યું. કોંગ્રેસે ૭૦માંથી માત્ર ૧૯ બેઠકો પર જ જીત મેળવી. તેની જીતની ટકાવારી ૨૭.૧ રહી જ્યારે આરજેડીજી જીતની ટકાવારી તેનાથી લગભગ ડબલ એટલે કે ૫૨.૮ રહી. ૨૦૧૫ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ૨૭ બેઠકો પર જીત હાંસલ કરી હતી જ્યારે આ માત્ર ૪૦ જ બેઠકો પરથી ચૂંટણી લડી હતી. નિષ્ણાંતોનું કહેવું છે કે, કોંગ્રેસ સારી રીતે મળીને આરજેડી સાથે લડતી તો પરિણામ કંઈક જુદા જ હોત. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ કોંગ્રેસ અને આરજેડી વચ્ચે તાલમેલનો અભાવ દેખાયો હતો. જ્યારે કોંગ્રેસની સરખામણીએ લેફ્ટ પાર્ટીઓ ૧૬ બેઠકો જીતી સારૂ પ્રદર્શન કર્યું.

(7:35 pm IST)