Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

યુપીમાં છેલ્લા બે વર્ષમાં 20 સાધુઓની હત્યા : ભૂમાફિયાઓ અને સત્તાની મિલીભગતથી રાજ્ય ગુનેગારોના હવાલે : કોંગ્રેસ અધ્યક્ષનો મોટો આરોપ

બાગપતમાં સાધુનો મૃતદેહ મળ્યા બાદ ગોંડામાં એક પૂજારીને ગોળી મારવાને લઈને કોંગ્રેસ આક્રમક

નવી દિલ્હી: કોંગ્રેસે ઉત્તર પ્રદેશના બાગપતમાં સાધુનો મૃતદેહ મળ્યા બાદ ગોંડામાં એક પૂજારીને ગોળી મારવાને લઇને કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા કોંગ્રેસે દાવો કર્યો છે કે પ્રદેશમાં છેલ્લાં બે વર્ષમાં 20 સાધુઓની હત્યા થઇ છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય કુમાર લલ્લૂએ પોતાની એક ફેસબુક પોસ્ટમાં આ દાવો કર્યો છે.અજય કુમાર લલ્લૂ એ જણાવ્યું કે ગોંડામાં રામ જાનકી મંદિરના પૂજારી સમ્રાટ દાસને ભૂમાફિયાઓએ ગોળી મારી દીધી. ભૂમાફિયાઓ અને સત્તાની મિલિગતના કારણે યુપી ગુનેગારની પકડમાં આવી ગયો છે.

અજય કુમાર લલ્લૂ એ ટ્વીટ કરી કે ગોંડામાં રામજાનકી મંદિરના પૂજારી સમ્રાટ દાસને ભૂમાફિયાઓએ ગોળી મારી દીધી. ભૂમાફિયાઓ અને સત્તાની મિલિભગતે ઉત્તર પ્રદેશને ગુનેગારોના હવાલે કરી દીધો છે. સરકારની જવાબદારી શૂન્ય છે, સીએમની સંવેદના મરી છે. આ કથિત રામરાજ્ય છે જ્યાં કોઇ સુરક્ષિત નથી.

યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂ એ એક ફેસબુક પોસ્ટમાં પણ યુપી સરકાર પર નિશાન સાંધ્યું. ફેસબુક પોસ્ટમાં તેમણે એક મેપ પણ પોસ્ટ કર્યો જેમાં એ ઉલ્લેખ હતો કે પ્રદેશમાં કયાં-કયાં સાધુઓને નિશાન બનાવવામાં આવ્યો છે.

 

 અત્રે ઉલ્લેખનિય છે કે ગોંડા જિલ્લામાં એક પૂજારીને લાંબા સમયથી ચાલી રહેલા સંપત્તિ વિવાદને લઇ શનિવાર રાત્રે ગોળી મારી દીધી હતી. પીડિત સમ્રાટ દાસ રામ જાનકી મંદિરમાં પૂજારી છે. તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, પરંતુ રવિવાર વહેલી સવારે સારવાર માટે લખનઉ રિફર કરવા પડ્યા. ડૉકટર્સના મતે તેમની સ્થિતિ ગંભીર છે. ચાર લોકોની વિરૂદ્ધ FIR દાખલ કરાઇ છે.

ગોંડાથી પહેલાં બાગપતમાં યમુના નદીમાં સાધુનો મૃતદેહ મળતા હડકંપ મચી ગયો હતો. નદીમાંથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. મૃતકની ઓળખના પ્રયાસ ચાલુ છે. ભગવા રંગના વસ્ત્રમાં મળેલો આ મૃતદેહ મધ્યમ ઉંમરના વર્ગનો લાગી રહ્યો છે. પોલીસ પ્રવકતા એ જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટથી તેમના મોતનું કારણ ખબર પડશે.

(12:00 am IST)