Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

શુભ પ્રસંગોમાં જમણવારનાં મેનુ બદલાયાં: પરંપરાગત વાનગીઓનો જમાનો આવ્યો

મોટા ભાગના લોકોએ મેનુમાં સૂપના સ્થાને મહેમાનોને રાબ અને નાળિયેર પાણી પીવડાવવાનું પસંદ કર્યું છેઃ સામાન્ય રીતે ચાર દિવસ ચાલતો પ્રસંગ કોરોનાના કારણે ચોવીસ કલાકમાં પૂરો થશે

નવી દિલ્હી,તા.૧૪ :  કોરોના મહામારીની પરિસ્થિતિમાં અનલોક-૪ જાહેર થયા બાદ હવે નવેમ્બર-ડિસેમ્બર માટે લગ્નનાં પ્લાનિંગ અને બુકિંગ થવા લાગ્યાં છે, પરંતુ કોરોનાની મહામારી બાદ લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગમાં હવે બદલાવ આવ્યો છે. ખાસ કરીને પ્રસંગમાં આવનારા મહેમાનોના આરોગ્યને કોઇ નુકસાન ન થાય તે માટે કેવા પ્રકારની વાનગી આપી શકાય તેનાં આયોજન થઇ રહ્યાં છે. ફરી એક વાર કોન્ટિનેન્ટલ કે ચાઈનીઝ, મેકિસકન, પંજાબી ફૂડ મેનુમાં પરંપરાગત ભારતીય-ગુજરાતી વાનગીઓ સ્થાન લઇ રહી છે.

આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનારાં લગ્ન માટે શહેરમાં લગ્ન અને અન્ય પ્રસંગો માટે કેટરિંગના જે ઓર્ડર બુક થઇ રહ્યા છે તેમાં મોટા ભાગના લોકોએ મેનુમાં સૂપના સ્થાને મહેમાનોને રાબ અને નાળિયેર પાણી પીવડાવવાનું પસંદ કર્યું છે.

કોરોનાના કારણે લોકોની લાઇફસ્ટાઈલ બદલાઈ છે. તેની સાથે લગ્નપ્રસંગની વિધિ, તેના જમણવાર, વાનગીની પસંદગી પણ બદલાઇ છે. નવેમ્બર-ડિસેમ્બરનાં લગ્નના અનુસંધાને શહેરમાં કેટરિંગના ઓર્ડર બુક થઈ રહ્યા છે.  દેશી પરાંપરાગત વાનગીઓ, જેવી કે ડ્રાય ફ્રૂટ શીરો, દૂધપાક, લાડુ, ડ્રાય ફ્રૂટ કંસાર, અંજીર વેડમી, મોહનથાળ, બેસનનો મગસ વગેરે વાનગીઓ પસંદગી પામી રહી છે, જેમાં સૂંઠ, ગંઠોડા ડ્રાય ફ્રૂટ વગેરેનો ભરપૂર ઉપયોગ ઇમ્યુનિટી વધારવા માટે કરવામાં આવશે, કારણ કે યજમાનો માની રહ્યા છે, શિયાળામાં રાબ સહિતનાં દેશી ઓસડિયાંવાળી વાનગીઓના કારણે લોકોનાં આરોગ્ય સુધરશે, તેમને ફાયદો થશે તેમજ વાનગીમાં રોગપ્રતિકારક શકિત વધે અને લાઈવ ફૂડ એટલે કે મહેમાનને ગરમાગરમ પીરસી શકાય તેવા પ્રકારની વાનગીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

જોકે કોરોનાના કારણે યજમાનો હલ્દી, મહેંદી રસમ ઘર પરિવારના સભ્યોની હાજરીમાં જ કરવાના મૂડમાં છે. સામાન્ય રીતે ચાર દિવસ ચાલતો પ્રસંગ કોરોનાના કારણે ચોવીસ કલાકમાં પૂરો થશે. વાસ્તુપૂજનમાં મહેમાન આવે તે પહેલાં પૂજાવિધિ પૂરી કરી દેવામાં આવશે અને જમણવાર ઘરના બદલે હોટલ, હોલ કે ખુલ્લી જગ્યા-પાર્ટી પ્લોટમાં રખાશે. લગ્નમાં નહીં બોલાવી શકનાર મિત્રવર્તુળો, પ્રોફેશનલ ગ્રૂપના સભ્યોને અલગ દિવસે યજમાન પોતાના ઘરે બોલાવે છે.

(11:57 am IST)