Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કોરોનાને કારણે મૃત્યુ પામનારા ૭૦ ટકા પુરૂષઃ ૩૦ ટકા મહિલા

૫૩ ટકા ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ૩૫ ટકા ૪૫થી ૬૦ની વયજૂથના

નવી દિલ્હી,તા.૧૪:છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા નોંધાયેલા કેસની સંખ્યાનો આંક ૬૦ હજારથી નીચે આવી ગયો હતો. દેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાંઓમાં ૫૩ ટકા ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ૩૫ ટકા ૪૫થી ૬૦ની વયજૂથના હોવાનું આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૫૫,૩૪૨ કેસ નોંધાતા કોરોનાના કેસની કુલ સંખ્યાનો આંક મંગળવારે ૭૧ લાખથી વધી ગયો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે વધુ ૭૦૬ જણનાં મૃત્યુ થયાં હતાં. દેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોનો આંક

૧,૦૯,૮૫૬ પર પહોંચ્યો હોવાનું તેમણે કહ્યું હતું. દેશમાં કોરોનાનો મૃત્યુદર ઘટીને ૧.૫૩ ટકા થઈ ગયો હોવાનું તેમણે કહ્યું હતું.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૧,૭૫,૮૮૦ કેસ નોંધાયા છે અને તેમાંથી ૬૨ લાખ કરતા વધુ દરદીઓ સાજા થઈ ગયા છે. સતત પાંચમા દિવસે કોરોનાના સક્રિય કેસનો આંક નવ લાખ કરતા ઓછો રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

૧૭ સપ્ટેમ્બરે એક જ દિવસમાં કોરોનાના વિક્રમજનક ૯૭,૮૯૪ કેસ નોંધાયો હોવાનું તેમણે કહ્યું હતું.

(11:18 am IST)