Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

નરેન્‍દ્રભાઈના જન્‍મદિને સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા ૧૧ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્‍પ

૨૦ સપ્‍ટેમ્‍બરથી ૨૦ ઓકટોબર સુધી સોમનાથ ટ્રસ્‍ટનાં અતિથિ ગૃહોમાં ડિસ્‍કાઉન્‍ટ અપાશેઃ પ્રવિણભાઈ લહેરી અને વિજયસિંહ ચાવડાની જાહેરાત

પ્રથમ તસ્‍વીરમાં શ્રી સોમનાથ મહાદેવના આજના દર્શન, બીજી તસ્‍વીરમાં નરેન્‍દ્રભાઈના જન્‍મદિન નિમિત્તે વિશેષ પૂજન-અર્ચન તથા ત્રીજી તસ્‍વીરમાં પત્રકારોને માહિતી આપતા પ્રવિણભાઈ લહેરી અને વિજયસિંહ ચાવડા નજરે પડે છે
(દિપક કક્કડ-દેવાભાઈ રાઠોડ-મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) વેરાવળ-પ્રભાસપાટણ, તા. ૧૭ :. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે સોમનાથ ટ્રસ્‍ટ-ટ્રસ્‍ટી-સચિવ પ્રવિણભાઈ લહેરીના અધ્‍યક્ષ સ્‍થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં તેમણે સમગ્ર શ્રાવણ માસમાં સોમનાથના દર્શન, શણગાર, શ્રાવણ સબંધિત અહેવાલો પ્રસિદ્ધ-પ્રસારણ કરનાર પ્રિન્‍ટ, ઈલેક્‍ટ્રોનિક મીડીયાના પત્રકારોનો આભાર માન્‍યો હતો.
પ્રવિણભાઈ લહેરીએ આ પ્રસંગે પત્રકાર સંબોધનમાં જણાવ્‍યુ હતુ કે ‘આ શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના પ્રત્‍યક્ષ દર્શન ૧૮ થી ૨૦ લાખ ભાવિકોએ દર્શન કર્યા જે ઈતિહાસ-વિક્રમજનક રેકર્ડ છે.
આ અગાઉ સાતથી આઠ લાખ જણાવાયેલ જે અંગે મંદિરનું મેઈન - એન્‍ટ્રી કાઉન્‍ટીંગ મશીન ટેકનિકલી ખોટકાઈ જતા અમોએ વિવિધ પરિમાણો, પાર્કિંગ, અતિથિગૃહો અને પ્રત્‍યક્ષદર્શીઓના આધારે હવે અમે નિષ્‍કર્ષ પર પહોંચ્‍યા છે કે ૧૮થી ૨૦ લાખ લોકોએ દર્શન કરી સાત્‍વિક અનુભૂતિ મેળવી.
વિશેષમાં તેમણે જણાવ્‍યુ કે ભારતના વડાપ્રધાન અને સોમનાથ મંદિર ટ્રસ્‍ટના અધ્‍યક્ષ નરેન્‍દ્રભાઈ મોદી ૧૭ સપ્‍ટેમ્‍બરે ૭૧ વર્ષ પૂર્ણ કરી ૭૨માં વર્ષમાં પ્રવેશે છે. જેથી તેના જન્‍મ દિને મંદિરે માર્કન્‍ડ પૂજા, અષ્‍ટાધ્‍યાયી લઘુરૂદ્ર, મહાપૂજા, આયુષ્‍યમાન મંત્રજાપ અને સોમનાથ સમુદ્રી બીચ સફાઈ કાર્યક્રમ તથા સુરતની કલા પ્રતિષ્‍ઠાનના ચિત્ર કલાકારોએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સ્‍કેચ પેન્‍સીલથી બનાવેલા ચિત્રોનું પ્રદર્શન યાત્રી સુવિધા કેન્‍દ્ર ખાતે યોજાશે. જે એક અઠવાડીયુ ચાલુ રહેશે. આ ઉપરાંત વૃક્ષારોપણ કાર્યક્રમ થશે.
પ્રવિણભાઈ લહેરીએ વિશેષમાં જણાવ્‍યુ કે જીલ્લાની વસ્‍તી ૧૧ લાખ આસપાસ છે. જેથી જીલ્લાના એક દિનથી વર્ષભર વાંસોજ પ્‍લાન્‍ટેશન, ઉના તાલુકાના ચાર ગામો અને હરિહરવન સહિતના સ્‍થળોએ કુલ ૧૧ લાખ વૃક્ષો વાવેતર કરવાનો સંકલ્‍પ કર્યો છે, કારણ કે કોરોનાની બીજી લહેરમાં ઓકસીજનની તંગી લોકોને ખૂબ જ પડી હતી. જેથી સમગ્ર ગીર-સોમનાથ જીલ્લો આ વૃક્ષોરાપણથી વૃક્ષ થકી ઓકસીજન પાર્ક બની જાય તેવુ ભગીરથ કાર્ય હાથ ધર્યુ છે. પવિત્ર શ્રાવણમાં ભાવિકોનો સોમનાથ દર્શનનો પ્રચંડ વિક્રમજનક પ્રવાહથી સ્‍થાનિક અર્થતંત્રમાં જીવ આવ્‍યો છે જેથી આશા બંધાઈ છે કે આગામી નાતાલ અને દિવાળીના તહેવારો યાત્રિકો-પ્રવાસીઓની અગ્રીમ પસંદગી હશે.
સોમનાથ ટ્રસ્‍ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સંબોધનમાં જણાવ્‍યુ કે સોમનાથ મંદિર આરતી, શણગાર, પૂજા સોશ્‍યલ મીડીયામાં આ શ્રાવણ માસમાં સાડા સાત કરોડ લોકોએ વિશ્વભરમાં દર્શન કરી નિહાળી જે રેકર્ડબ્રેક ઘટના છે એટલુ જ નહીં, પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવાર-સોમવતી અમાસે એક જ દિવસમાં રેકર્ડબ્રેક ૫૧ ધજાઓ મહાદેવ મંદિરે ચઢી આ શ્રાવણ માસમાં યંગ જનરેશન મંદિર પૂજામાં જોડાયું, તિલક ચંદન મંદિર આસપાસ પૂજનીયો પાસે લગાવડાવી ધન્‍ય બન્‍યા તે આવતી પેઢીની સારી નિશાની છે.
આ મહિનાની ૨૦ સપ્‍ટે.થી ૨૦ ઓકટો. સુધી ટ્રસ્‍ટ સોમનાથ આવતા યાત્રી સુવિધાઓ માટે અતિથિગૃહોના દરોમાં વિશેષ ડીસ્‍કાઉન્‍ટ આપશે.

 

(11:03 am IST)