Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ભારત માટે ખુશખબર

૩ દાયકામાં સરેરાશ આયુષ્યમાં ૧૦ વર્ષનો થયો વધારો

ભારતમાં નાગરિકોનું સરેરાશ આયુષ્ય વધીને ૭૦.૮ વર્ષ થયું છેઃ ૧૯૯૦ના દશકમાં ભારતીયોનું સરેરાશ આયુષ્ય ૫૯.૯ વર્ષ હતુ

નવી દિલ્હી, તા.૧૭: ભારતમાં નાગરિકોનું સરેરાશ આયુષ્ય વધીને ૭૦.૮ વર્ષ થયું છે. ૧૯૯૦ના દશકમાં ભારતીયોનું સરેરાશ આયુષ્ય ૫૯.૯ વર્ષ હતું. એટલે કે ૩૦ વર્ષમાં સરેરાશ આયુષ્યમાં ૧૦ વર્ષનો વધારો થયો છે. જોકે, હજુય સરેરાશ આયુષ્ય વધી શકે તેમ છે, પરંતુ પ્રદૂષણ અને ધૂમ્રપાન જેવા પરિબળો આયુષ્યને ઘટાડે છે.

ભારતમાં ૧૯૯૦ના દશકામાં સરેરાશ વય ૫૯.૯ વર્ષ હતી. દેશનો સરેરાશ નાગરિક ૬૦ વર્ષ જીવતો હતો. ૩૦ વર્ષ પછી સરેરાશ આયુષ્ય વધીને ૭૦.૮ વર્ષ થયું છે.૨૧મી સદીનો ભારતીય નાગરિક ૭૦ વર્ષ જીવે છે.

હજુય આ સરેરાશ વધી શકે તેમ છે, પરંતુ તેની સામે પ્રદૂષણ અને ધૂમ્રપાન સૌથી મોટા બે અવરોધો છે. લેન્સેટ જર્નલમાં પ્રસિદ્ઘ થયેલા અહેવાલમાં આ દાવો થયો હતો. જોકે, ભારતમાં પણ રાજયો પ્રમાણે સરેરાશ આયુષ્યમાં તફાવત છે. ઉત્તર પ્રદેશમાં સરેરાશ આયુષ્ય ૬૬.૯ વર્ષ છે, તો કેરળમાં ૭૭.૩ વર્ષ છે.

લેન્સેટ જર્નલમાં ૨૦૪ દેશોના અભ્યાસનો અહેવાલ પ્રસિદ્ઘ થયો હતો. એમાં મૃત્યુના ૨૮૬ કારણો, ૩૬૯ બીમારીઓ અને જખ્મનો પણ ઉલ્લેખ કરાયો હતો. ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થના શ્રીનિવાસ ગોલીએ જણાવ્યું હતું કે ભારતમાં હજુય સરેરાશ આયુષ્ય વધી શકે તેમ છે, પરંતુ સ્થૂળતા, હાઈ બ્લડ સુગર, હૃદયરોગ જેવી બિમારીના કારણે નુકસાન થઈ રહ્યું છે. અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિર્ટીના અલી મોકડે કહ્યું હતું કે ભારતમાં માતૃ મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાથી સરેરાશ આયુષ્યનો રેકોર્ડ સુધર્યો છે. કેન્સરનું પ્રમાણ ભારતમાં વધ્યું છે એ ચિંતાજનક છે. સ્ટડીમાં કહેવાયું હતું કે પ્રદૂષણના કારણે લગભગ વર્ષે ૧૬ લાખ લોકોના મોત થાય છે. બ્લડ પ્રેશરના કારણે ૧૪ લાખ અને તમાકુના કારણે થતાં રોગથી ૧૨ લાખ લોકો મૃત્યુ પામે છે.

અહેવાલ પ્રમાણે કુલ રોગનો પાંચમો ભાગ ઉત્તર પ્રદેશ બિહારમાંથી આવે છે. બિહાર અને ઉત્ત્।ર પ્રદેશમાં સ્થિતિ વધારે બહેતર બનાવવાની જરૂર છે. ભારતમાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ વધારે જોવા મળે છે. એ દિશામાં નક્કર પગલાં ભરવાની જરૂરિયાત ઉપર સંશોધકોએ ખાસ ભાર મૂકયો હતો.

(11:29 am IST)